Kutch Betel Scam : કચ્છમાં વધુ એક સોપારી તોડ કાંડ, આ વખતે કચ્છની પોલીસે નહીં પણ DRI નામે તોડ થયો, જાણો શું છે સમગ્ર મામલો

ગાંધીધામ DRIની તપાસમાંથી બચાવવાનું કહીને રાજકોટની પેઢી પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો, તોડ કર્યા પછી સમન્સ આવતા ભોપાળું બહાર આવ્યું

Kutch Betel Scam : કચ્છમાં વધુ એક સોપારી તોડ કાંડ, આ વખતે કચ્છની પોલીસે નહીં પણ DRI નામે તોડ થયો, જાણો શું છે સમગ્ર મામલો

WND Network.Gandhidham (Kutch) : માત્ર કચ્છ નહીં પરંતુ રાજ્યના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બનેલા કરોડો રુપિયાના સોપારી તોડકાંડમાં હજુ પડદો પડ્યો નથી ત્યાં બીજો એક સોપારી તોડકાંડ બહાર આવ્યો છે. જો કે આ વખતે તેમાં પોલીસ નહીં પરંતુ જેને દાણચોરી રોકવાની જવાબદારી છે તેવા રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIના નામે તોડ થયો હોવાનું બહાર આવ્યું છે. દુબઈથી કચ્છ આવેલા પાંચ સોપારીના કન્ટેનરમાં ગાંધીધામ DRIની તપાસ ગોઠવણ કરવાની વાત કહીને રાજકોટના લોકો સાથે તોડ કરવામાં આવ્યો હતો. તોડની રકમ આપ્યા પછી પણ ગાંધીધામ રેવન્યુ ઇન્ટેલિજન્સ તરફથી સમન્સ-નોટિસ મળતા સમગ્ર કાંડમાં વચેટિયાએ જ લાખો રુપિયાનો તોડ થઈ ગયો હોવાનો રાજકોટની પેઢીના લોકોને અહેસાસ થયો હતો. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ જેમ અગાઉ કરોડો રૂપિયાની સોપારીની દાણચોરીના પ્રકરણમાં રાષ્ટ્રહિતના નામે તેમના અધિકારીઓને બચાવવા માટે SITની તપાસનું નાટક રચ્યું હતું તેમ આ પ્રકરણમાં પણ જાતે કાર્યવાહી કરે છે કે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર કાંડની શરૂઆત જુન, 2023માં થઇ હતી. જયારે દુબઈથી ઈમ્પોર્ટ થયેલા પાંચ કન્ટેનર ગાંધીધામ DRIની ટીમ દ્વારા રોકવામાં આવ્યા હતા અને તે કન્ટેનર કોણે મંગાવ્યા છે અને કોની ઈમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ એટલે કે IC (આઇસી) પર આ કન્ટેનર આવ્યા છે તેની તપાસ કરવામાં આવી હતી. ડીઆરઆઈ દ્વારા જલયાણ પોલલમર્સ પેઢીના આઈસી ઉપરથી આયાત થયેલા કન્ટેનર નંબર FFAU1142661 , FANU1193410 કબજે કર્યા હતા. જ્યારે અનમોલ એન્ટરપ્રાઇઝ પેઢીની આઇસી પર આયાત થયેલા કન્ટેનર નંબર TGBU5683965 અને બીજા બે કન્ટેનર હીરાલાલ એક્ઝિમના નામે આયાત થયેલા કન્ટેનર નંબર HLBU3311398, HLBU1840160 કબજે કર્યા હતા. જેમાંથી પ્લાસ્ટિકના દાણાને બદલે સોપારી આવી હતી.  એટલે રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા પ્રવિણ  નાથાભાઈ બરવાળીયા નામનાં વ્યક્તિની જે તે સમયે અટકાયત પણ કરવામાં આવી હતી. પ્રવિણની સાથે સાથે આ કન્ટેનર ક્લિયર કરાવવાનું કામ કરનારા અમિત મિશ્રા નામના CHA ની પણ અટકાયત કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. 

બસ અહીંથી શરુ થાય છે DRIની તપાસમાંથી છટકવા માટેનું તોડકાંડ. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય લોકો કેવી રીતે બચાવી શકાય તે માટે એડીચોટીનું  જોર લગાવવામાં આવે છે. ખરેખર આ પાંચ કન્ટેનર જેની આઈસી પરથી મંગાવવામાં આવ્યા હતા તે પૈકીના એક જ પ્રવીણભાઈ બારવડિયાની અટકાયત કરી અને જેલ હવાલે કરી દેવાયો હતો. તેમજ ઇમરાન મકવાણા નામના શખ્સને નોટીસ મોકલી નિવેદન આપવા માટે ડીઆરઆઈ દ્વારા પત્રો લખવામાં આવ્યા હતા. જયારે સમગ્ર પ્રકરણમાં સામેલ અલ્તાફ દલવાણી અને દિવ્યેશ ગુણપરા જે આ પેઢી સાથે સંકળાયેલા છે તેમના નિવેદન લઈ અને છોડી મૂકવામાં આવ્યા હતા. હકીકતમાં જો આઈસી ધારક પેઢીના એક પાર્ટનરને જેલ થતી હોય તો અન્ય બે પાર્ટનરોને પણ જેલભેગા કરવા જોઈતા હતા. પરંતુ તેવું ન થયું. તેમનું નિવેદન લઈ કેમ છોડી આવ્યા હતા. 

સોપારી મંગાવનાર માસ્ટરમાઈન્ડ ખરેખર શિવાંગ CFSના પાર્ટનર કેશવ ગઢવી અને હરિયાણાના આર્ટિન ગોયલ હોવાનું શરૂઆતથી ચર્ચામાં હતું અને DRIના અધિકારીઓ આ વાત જાણતા પણ હતા. તેમજ આ ત્રણ પેઢીઓ જેની આઈસી છે તેમનું કામ તો પ્લાસ્ટિકના દાણા ઈમ્પોર્ટ કરવાનો હોવાનું અને સતીશ તેમજ કેશવ આ બંનેએ આ ત્રણ પેઢીઓ પાસેથી લાઇસન્સ ઉપયોગ માટે પચાસ હજારનું ભાડું આપવાનું નક્કી કર્યું હતું. 

સૂત્રોનું માનીએ તો આ પાંચ કન્ટેનર માં જેનો મહત્વનો રોલ હતો તે આર્ટિન ગોયલ ( હરિયાણા ) તેમજ કેશવ ગઢવીને DRI નિવેદન માટે બોલાવ્યા જ નહીં કારણ કે આ બંનેનું સેટિંગ સતીશ મહેશ્ર્વરીએ રેવન્યુ ઇન્ટેલિજન્સના ઓફિસર્સ સાથે ગોઠવી આપ્યું હતું. કન્ટેનર પકડાયા બાદ સતીશ મહેશ્વરીએ ઇમરાન મકવાણાને ફોન કરી વાત કરી હતી કે, 30 લાખ રુપિયા આપશો તો બધું પતી જશે. એટલે ઇમરાન મકવાણાએ  30 લાખ રુપીયાનો  હવાલો પણ કર્યો હતો. પરંતુ તપાસમાંથી બચવાના તોડના  ૩૦ લાખ આપ્યા બાદ પણ DRI તરફથી નોટિસો આવવાનું ચાલુ રહેતા સતીશ કેશવ અને આર્ટિન ગોયલનો ભાંડો ફૂટી ગયો હતો. 

કસ્ટમ ક્લિયરિંગનું કામ આપવા બાબતે મનમેળ ન થતા ભોપાળુ બહાર આવ્યું : આર્ટીન ગોહિલ, સતીશ અને કેશવ આ ત્રણ જણાએ આ ત્રણ પેઢી પાસેથી તેમના આઈસી ભાડે લઈ અને ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું હતું. કેશવ ગઢવીએ સોપારી ઈમ્પોર્ટ કરાવી હતી, જે ક્લીઅર કરાવવા માટે સતીશ મહેશ્વરી પાસેથી ભાવતાલ કઢાવ્યા હતા. જોકે સતીશના ભાવ વધારે લાગતા કેશવએ અમિત મિશ્રા ને કામ આપ્યું હતું. સતીશ ને કામ ન મળતા તેણે સોપારીની દાણચોરી અંગેની આ ટિપ્સ DRIના અધિકારીઓને ફોરવર્ડ કરી દીધી હતી. જેને પગલે પાંચ કન્ટેનર રેવન્યુ ઇન્ટલિજન્સની ઝપટમાં આવી ગયા હતા. કન્ટેનર પકડાવી દીધા બાદ સતીશે ખેલ ચાલુ રાખ્યો હતો. પ્રકરણમાં સંડોવાયેલા તમામને ક્લિનચીટ અપાવવા માટે તે તોડનું નાટક રચીને મેદાનમાં આવ્યો હતો. 'ચોરને કહે ચોરી કર અને ઘરધણીને કહે જાગતા રહેજો' કહેવતની જેમ તેને માહિતી ફોરવર્ડ કરી લીધી હતી. અને માલ મંગાવનાર તેમજ આઈસીના પેઢી ધારકોને બચાવવા માટે પણ મેદાનમાં ઉતરી પૈસા લઈ અને અમુક જણાને ક્લિનચીટ અપાવી દીધી હતી. 

DRIને ટીપ આપીને સોપારીનું એક કન્ટેનર ક્લિયર કરાવી લીધું : વર્ષ 2023ના મે મહિનામાં CHA  સતીશ મહેશ્વરીએ દુબઈના જેબલ અલી પોર્ટના ફ્રી ટ્રેડ ઝોનથી એક સોપારી ભરેલું કન્ટેનર એક્સપોર્ટ કરી મુન્દ્રાથી ક્લિયર કરાવ્યું હતું. જે કન્ટેનરના નંબર TCKU6567780 હતા. અને આ નંબરની તેણે HLCUDX3230509070 બિલ ઓફ એન્ટ્રીથી કન્ટેનર ક્લિયર પણ કરાવી લીધું હતું. આ કન્ટેનર માટે હીરાલાલ એક્ઝિમ નામની પેઢીના આઈસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ વાત રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારોને ખબર હોવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવ્યું ન હતું. આમ ટીપ આપવા બાબતે એક કન્ટેનર તેને ક્લિયરિંગ કરી દેવાનું ઇનામ પણ DRI તરફથી આપવામાં આવ્યું હોવાની વાત ચર્ચાઈ રહી છે. 

પાંચ કરોડના પોલીસના સોપારી તોડકાંડમાં મામલો ઠંડો પડી ગયો ! : સિનિયર આઇપીએસથી માંડીને ASI અને હેડ કોણ કોન્સ્ટેબલ રેન્કના પોલીસ અધિકારીઓની સંડોવણીની ચર્ચાઓ જેમાં ચાલતી હતી તેમાં મામલો ઠંડો પડી ગયો છે. બોર્ડર રેન્જના આઇજી IPS જશવંત આર. મોથાલિયાની ક્રીમ પોસ્ટિંગ કહી શકાય તેવી અમદાવાદ રેન્જમાં બદલી બાદ સમગ્ર મામલો જાણે કે પૂરો થઈ ગયો હોય તેવો માહોલ કચ્છ પોલીસમાં જોવા મળી રહ્યો છે. જો કે હજુ તેમાં બે પોલીસ કર્મચારીઓ હજુ પણ ફરાર છે. ચૂંટણી દરમિયાન ફરાર આરોપીઓને ઝડપી લેવાની મુહિમમાં પણ આ બંને પોલીસ કર્મચારીને ઝાંબાઝ કચ્છની પોલીસ પકડી શકી નથી. તત્કાલીન રેન્જ આઇજી મોથાલિયાએ તો સમગ્ર પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની અંજારના ડેપ્યુટી એસપી ચૌધરીના નેજા હેઠળ રચના પણ કરી હતી. કોઈને પણ છોડવામાં નહીં આવે તેવા બણગાં વચ્ચે સમગ્ર મામલો જાણે કે સમેટાઈ ગયો હોય તેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે. કચ્છ પોલીસ દ્વારા ઓર્ગેનાઇઝડ ક્રાઇમને રોકવાને બદલે તેમાંથી કરોડો રુપીયાનો તોડ કેવી રીતે કરી શકાય તેનું આ ક્લાસિક ઉદાહરણ છે. ગુજરાત રાજ્યની વિવિધ પોલીસ રેન્જ પૈકી સુરત બાદ બોર્ડર રેન્જનો નંબર આવે છે. જેમાં પોસ્ટિંગ માટે ભાજપ સરકારની ગુડ બુકમાં હોવા ઉપરાંત કરોડો રૂપિયાનો વ્યવહાર પણ કરવો પડતો હોવાનું એક નિવૃત IPS અધિકારીએ જણાવ્યું હતું.