Kutch SMC Raid : ભુજમાં હરતા ફરતા ક્રિકેટ સટ્ટા બેટિંગના મોબાઈલ જુગાર ધામ ઉપર SMCની રેડ, ત્રણ લાખ રોકડા મળ્યા

પોલીસની મીઠી નજર હેઠળ ક્રેટા કારમાં ચાલતા સટ્ટાના દરોડામાં રોકડાની સાથે મોબાઈલ ફોન પણ મળ્યા

Kutch SMC Raid : ભુજમાં હરતા ફરતા ક્રિકેટ સટ્ટા બેટિંગના મોબાઈલ જુગાર ધામ ઉપર SMCની રેડ, ત્રણ લાખ રોકડા મળ્યા

Wajid chaki.Bhuj (Kutch) : ભારત અને ઓસ્ટ્રેલિયાની સેમી ફાયનલ મેચ દરમિયાન સોમવાર રાતે ભુજમાં ક્રેટા કારમાં ચાલતા ક્રિકેટનાં સટ્ટા બેટિંગ જુગાર ધામનો પર્દાફાશ થયો છે. કચ્છ પોલીસની વિવિધ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell - SMC) દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન SMC દ્વારા કાર ઉપરાંત મોબાઈલ તેમજ ત્રણેક લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.

કચ્છમાં, ખાસ કરીને ભુજ તેમજ ગાંધીધામમાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આશીર્વાદથી ક્રિકેટ સટ્ટા બેટિંગનું રેકેટ ચાલી રહ્યું હોવાનો લાંબા સમયથી ગણગણાટ હતો. ગુજરાત પોલીસના વડા ડીજીપીના તાબા હેઠળના વિજિલન્સ દ્વારા રેડને પગલે આ વાતને સમર્થન મળ્યું છે. 

દરોડા દરમિયાન મિત ઉર્ફે બબુ કોટક નામના બુકીને પણ ઝડપી લેવામાં આવ્યો હોવાના સમાચાર છે. હરતી ફરતી કારમાં ચાલતું આ જુગાર ધામ ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં આવતા શહેરના સૌથી ભરચક હોસ્પિટલ રોડથી ઝડપાયું હોવાનું સૂત્રોએ દાવો કર્યો છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે, SMC ની આ રેડ બાદ કોની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે.