Kutch Breaking : સસ્તુ સોનુ લેવા આવેલા બે વ્યક્તિને પિસ્તોલ બતાવી લૂંટીને ફેંકી દેવાયા, ભુજના ખત્રી ચોક વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસ અજાણ
રવિવારે સવારે બનેલી ઘટનામાં લૂંટાયેલા બે પરદેશીએ ફરિયાદ ન કરવાને લીધે ભુજ પોલીસ રાત સુધી સમગ્ર ઘટનાથી બે-ખબર
WND Network.Bhuj (Kutch) : ભુજમાં પિસ્તોલની અણીએ બે પરદેશી વ્યક્તિને ભુજમાં લૂંટી લેવાની ચોંકાવનારી ઘટના રવિવારે સવારે બની હતી. સસ્તુ સોનુ લેવાની લાલચમાં કચ્છ-ભુજ આવેલા બે વ્યક્તિને નંબર પ્લેટ વગરની કારમાં બેસાડીને પિસ્તોલ બતાવી લૂંટી લીધા બાદ તેમને ભુજના ખત્રી ચોક વિસ્તારમાં રવિવારે સવારે દસેક વાગ્યાના અરસામાં ફેંકી દેવામાં આવ્યા હતા. બંનેને કારમાંથી ફેંકી દેવાને પગલે બુમાબુમ થઇ જતા અહીંના લોકો ભેગા થઇ ગયા હતા. આ આખી ઘટના આ વિસ્તારના CCTV કેમરામાં કેદ થઇ ગઈ હોવાને કારણે તેમજ લોકોએ લૂંટાયેલા યુવકના ફોટા પાડી લેતા તેની વિગતો બહાર આવી હતી. અલબત્ત આ ચોંકાવનારી ઘટના અંગે લૂંટાયેલા આ બે વ્યક્તિએ પોલીસમાં આ અંગે જાણ ન કરી હોવાને પગલે ભુજની પોલીસ પણ આ લખાય છે ત્યાં રવિવાર રાત સુધી અંધારામાં જ હતી. કાયદો વ્યવસ્થાનાની પોલ ખોલતી આ ઘટનાને પગલે અહીંના લોકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.
લાંબા સમયથી સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈ કરતી અનેક ટોળકી કચ્છમાં, ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં સક્રીય છે. અને આ અંગે અનેક બનાવ પોલીસ ચોપડે લુંટ અને ઠગાઈની કલમ તળે નોંધાયા પણ છે. તેવામાં આજે રવિવારે વહેલી સવારે દસ વાગ્યાના સુમારે ભુજ શહેરના ગામતળ વિસ્તારમાં ખત્રી ચોક પાસે આવી જ એક ઘટના બની છે.
સસ્તા સોનાની લાલચમાં આવી બહારથી રૂપિયા લઇને ભુજ ખાતે આવેલા બે પરપ્રાંતના યુવકોને પિસ્તોલ દેખાડીને તેની પાસે રહેલા રૂપિયાની બેગ ઝુંટવી લઇ ચાલુ ગાડીએ બહાર ઉતારી ઠગ ટોળકી નાસી ગઇ હતી. રવિવારે સવારે નંબર પ્લેટ વગરની સ્વિફટ કાર ખત્રી ચોક પાસે આવી જેમાંથી અચાનક બે યુવકોને તેમના બેગ સાથે બહાર ફેંકી લૂંટારાઓ ભાગી ગયા હતા. સવારે ઓચિંતા ખત્રી ચોકમાં રાડારાડી થતા અહીંના લોકો ઘરોની બહાર નિકળી આવ્યા હતા. સ્વિફટ કારમાંથી જે યુવકોને ઉતાર્યા તે યુવકો હેબતાઇ ગયા હતા અને કહી રહ્યા હતા કે, 'પિસ્તોલ દીખા કે હમારે પૈસા લે લીયા, ઓર હમ કો યહા પે ફેંક દીયા હૈ'.
આસપાસના લોકો સાથે વધુ વાત કરતા આ બે યુવકોએ એમ પણ કહ્યું કે, અમને સસ્તા સોનાની વાત કરી ભુજ બોલાવવામાં આવ્યા હતા. અને પૈસા લઇ અમે કારમાં બેઠા હતા અને અહીયા અમને કારમા અંદર બેઠેલા લોકોએ બંદુક દેખાડી પૈસા ઝુંટવી લઇને ઉતારી દીધા હતા. સમગ્ર ઘટના શેરીમાં બંને તરફ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ હતી.
પશ્ચિમ કચ્છ SPનો સરકારી મોબાઈલ બંધ, ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર બે-ખબર : આ ઘટના અંગે પોલીસમાં જાણ થઇ છે કે કેમ તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના એસપી મહેન્દ્ર બગડિયાનો તેમના સરકારી મોબાઈલ ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તે સતત સ્વીચ ઓફ આવ્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એ.જી.પરમારનો સંપર્ક કરતા તેમણે આવી કોઈ ઘટના તેમના ધ્યાનમાં ન આવી હોવાનું જણાવીને તેઓ પોલીસ સ્ટેશનમાં જ બેઠા છે એમ કહ્યું હતું.