Kutch : ભાજપના હર્ષ સંઘવી અને રત્નાકરે ભુજમાં ક્ષત્રિય સમાજનો વિરોધ ખાળવા મિટિંગ કરી, રોષ ઠંડો થવાને બદલે વધુ ભડકી ગયો, જાણો કેવી વાતો થઇ રહી છે ક્ષત્રિય સમુદાયમાં
કચ્છ ભાજપના ક્ષત્રિય સમાજના કહેવાતા નેતાઓ સાથેની ભાજપની મિટિંગમાં બાદ સોશિયલ મીડિયામાં ક્ષત્રિય સમાજના યુવાનો નો આક્રોશ ભભૂકી ઉઠ્યો
WND Network.Bhuj (Kutch) : ભાજપના રૂપાલાની વિવાદિત વાણીને પગલે ગુજરાતમાં ભાજપ બરાબરનો ભીંસમાં આવી ગયો છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે રાજ્યભરમાં બીજેપીના દિગ્ગજ નેતાઓ મિટિંગ કરી રહ્યા છે. આજે સોમવારે કચ્છના નખત્રાણામાં સીએમ ભુપેન્દ્ર પટેલની જાહેર સભા બાદ અચાનક ભુજમાં કચ્છના ક્ષત્રિય સમાજના ભાજપ સાથે સંકળાયેલા નેતા-કાર્યકર્તાઓની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના હર્ષ સંઘવી તેમજ સંગઠનના રત્નાકર હાજર રહ્યા હતા. કચ્છમાં ભાજપના લોકોને પ્રચાર કરતા અટકાવવામાં આવી રહ્યા છે તો કયાંક ગામમાં પ્રવેશ કરતા રોકવા માટે પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. ભાજપ માટે કચ્છ જેવા કમિટેડ જિલ્લામાં ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિને ખાળવા માટે તાબડતોડ આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ક્ષત્રિય સમાજનો રોષ ઠંડો પડવાને બદલે વધુ ભડકી ગયો છે. અને લોકો તેમનો આક્રોશ સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે.
ભુજની ભાગોળે આવેલી કોંગ્રેસના આગેવાનની હોટેલમાં આ બેઠક ગોઠવવામાં આવી હતી. જેમાં મોટાભાગે કચ્છના ભાજપના ક્ષત્રિય સમાજ સાથે સંકળાયેલા નેતા-કાર્યકર્તાઓને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. અલબત્ત આ મિટિંગમાં હર્ષ સંઘવી રત્નાકરે કચ્છ ભાજપના એવા કહેવાતા ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરી હતી જેમને એમના ગામના સમાજના યુવાનો પણ મહત્વ આપતા નથી. જેને પગલે મિટિંગ બાદ સરહદી જિલ્લા કચ્છમાં દરબાર સમુદાયનો રોષ ઠંડો પડવાને બદલે વધુ ભડકી ગયો હતો. ક્ષત્રિય યુવાઓનો આ આક્રોશ સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. જેને જોતા આગામી દિવસોમાં કચ્છમાં ભાજપને ગામડાઓમાં પ્રચાર કરવાનું લગભગ બંધ થઇ જાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ બેઠકમાં કચ્છના હાલના ચાલુ સાંસદ અને ચુંટણી લડી રહેલા વિનોદ ચાવડા ઉપરાંત કચ્છના ધારાસભ્યો, સહિત ક્ષત્રિય સમાજમાંથી આવતા વિંઝાણનાં વિક્રમસિંહ જાડેજા, અબડાસા તાલુકાના પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કરશનસિંહ જાડેજા, બટુક સિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, ભદ્રેશ્વરના પ્રદ્યુમન સિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, તરા મંજલ નાં પ્રફુલ્સિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.
પાઘડી પહેરનારા MLA પી.એમ.જાડેજા ઉપર દરબાર યુવાનો વધુ ભડક્યા : ભાજપના સંઘવી અને રત્નાકર સાથેની મિટિંગ બાદ કચ્છમાં દરબાર યુવાનો સોશિયલ મીડિયા ઉપર આક્રમક જોવા મળ્યા હતા. જેમાં સૌથી વધુ આક્રોશ અબડાસાના ધારાસભ્ય પી.એમ.જાડેજા ઉપર જોવા મળ્યો હતો. પી.એમ.જાડેજાના પાઘડી પહેરતા હોય તેવા ફોટા જોઇને તો યુવાઓએ અહી ન લખી શકાય તેવી ભાષાનો ઉપયોગ કરીને તેમને નિશાને લીધા હતા.
કયાંક પ્રવેશબંધીનાં પોસ્ટર લાગ્યા તો કયાંક ભાજપના પ્રચાર કાફલા સામે સૂત્રોચ્ચાર થયા : ભાજપ માટે સેફ બેઠક ગણાતી બેઠક ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધ ગામડાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. જયાં સૌથી વધુ દરબાર સમાજના ઘર આવેલા છે તેવા અબડાસા તાલુકાના વાંકું નામના ગામમાં તો ગામમાં ભાજપને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મૂકતા બોર્ડ મુકવામાં આવ્યા છે. બે દિવસ પહેલા ભુજ તાલુકાના લેર ગામે સાંસદનાં પ્રચાર કાફલા સામે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોને લઈને ગામમાં જાય તો પણ ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે