Kutch : કચ્છમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણીનો 'હાથ' કપાયો, દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું ભાજપ શરણમ ગચ્છામી

સત્તા પક્ષ ભાજપ સામે દલિતોના હક માટે લડીને જાણીતા થયેલા નરેશ મહેશ્વરીએ નખત્રાણામાં CM ભુપેન્દ્ર પટેલની સભામાં ભાજપનો ખેસ લટકાવીને કેસરિયા કર્યા

Kutch : કચ્છમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણીનો 'હાથ' કપાયો, દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું ભાજપ શરણમ ગચ્છામી

WND Network.Bhuj (Kutch) : લોકસભાની ચૂંટણી ટાણે પૂરબહારમાં ખીલેલા ભાજપના ભરતી મેળામાં આજે વધુ એક ભરતી કરવામાં આવી છે. આ વખતે કચ્છમાંથી ભાજપે એક દલિત આગેવાનને પોતાનામાં ભેળવી દીધા છે. ભાજપની વિચારશરણીથી તદ્દન વિરુદ્ધ એવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઉપાધ્યક્ષ અને ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરીએ આજે કચ્છના નખત્રાણા ખાતે યોજાયેલી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ચૂંટણી સભામાં કેસરિયા રંગે રંગાઈ ગયા હતા. ગુજરાત કોંગ્રેસના તેજાબી યુવા નેતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કચ્છના ખાસ સાથીદાર માનવામાં આવતા નરેશ મહેશ્વરીને દલિત અધિકાર થકી જ જાહેર જીવનમાં ઓળખ મળી હતી. જીગ્નેશ મેવાણીના ખાસ ભાજપમાં જોડાઈ જવાને પગલે કચ્છમાં મેવાણીનો 'હાથ' કપાઈ ગયો હોય તેવો તાલ સર્જાયો છે. લોકસભા ચૂંટણીમાં કચ્છમાંથી કોંગ્રેસ તરફથી નરેશ મહેશ્વરીને દાવેદાર માનવામાં આવતા હતા.  

ચૂંટણી ટાણે વિરોધીને કાં તો દબાવીને અથવા તો લાલચ આપીને પોતાના પક્ષમાં વટલાવી દેવાની વૃત્તિ ધરાવતા ભાજપે કચ્છમાં લોકસભા ચૂંટણી પહેલા એક દલિત યુવા નેતાને ભાજપમાં ભેળવવાનો તખ્તો તૈયાર કરી દીધો હોવાની ચર્ચાઓ આમ તો ઘણા દિવસોથી ચાલી રહી હતી. મૂળ પ્લાનિંગ મુજબ, 16મી એપ્રિલ મંગળવારે જયારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્તભાઈ પાટીલ ભુજમાં આવવાના હતા ત્યારે તેમની સભા દરમિયાન આ ઓપરેશને અંજામ આપવાની તૈયારીઓ થઇ ગઈ હતી. પરંતુ તે દિવસે અધૂરું રહેલું ઓપરેશ લોટસ આજે પૂરું કરવામાં આવ્યું હતું. અને સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં જ કચ્છના દલિત આગેવાન નરેશભાઈને કેસરી પટ્ટો પહેરાવી દેવામાં આવ્યો હતો. 

કચ્છમાં લાંબા સમયથી દલિત સમુદાયના વિવિધ પ્રશ્નોને લઈને નરેશ મહેશ્વરી સક્રિય છે. રાજકીય પાર્ટીઓની સાથે સાથે આ દલિત નેતા સામાજિક રીતે પણ કચ્છમાં તેમના સમાજમાં સારું કહી શકાય તેવું વર્ચસ્વ ધરાવે છે. દલિત સમુદાયના વંચિતોની જમીનના પ્રશ્ને તેમણે ભાજપની સરકારને અનેક વખત ઘૂંટણીએ નમાવેલી છે. લોકસભાની ચૂંટણી જાહેર થઇ તે સમયથી જ તેમના રાજકીય આગમનને લઈને દલિત સમુદાયમાં ખાસ્સી એવી ચર્ચાઓ થતી રહેલી છે. અલબત્ત તેમનો ઝુકાવ શરૂઆતથી કોંગ્રેસ તરફ રહેલો છે. જેના મૂળમાં કોંગ્રેસના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હતા. પરંતુ કોંગ્રેસે જયારથી ગાંધીધામથી તેના  યુવા કાર્યકર નીતીશ લાલનને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી ત્યારથી દલિતોના અધિકાર માટે ઝઝૂમતા આ યુવા નેતા ભાજપના તેમના સંપર્કોને તાઝા કરવાનું શરુ કરી દીધું હતું. 

ભાજપે નરેશ મહેશ્વરીને પોતાનામાં ભેળવવા પાછળ ગણિત રહેલું છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ થઇ રહ્યો છે તેવામાં પાંચ લાખની લીડમાં નરેશભાઈનો ઉપયોગ કરવાની ભાજપની ગણતરી છે. ભાજપે કચ્છમાં સતત ત્રીજી વખત જેમને ટિકિટ આપી છે તે કચ્છના હાલના ચાલુ સાંસદ વિનોદ ચાવડા નખત્રણા તાલુકામાંથી અનુસૂચિત જાતિ સમુદાયની પેટા જ્ઞાતિ ગુર્જરમાંથી આવે છે. અને ભાજપ જે યુવા દલિત નેતાને પોતાના પક્ષમાં સામેલ કરવા જઈ રહ્યો છે તે નખત્રણા તાલુકામાંથી શીડ્યુલ્ડ કાસ્ટની મહેશ્વરી પેટા જ્ઞાતિમાંથી આવે છે. કોંગ્રેસે જેમને ટિકિટ આપી છે તે નિતેશભાઈ મહેશ્વરી જ્ઞાતિના ધર્મ ગુરુ કહેવાય તે લાલણ (માતંગ) સમાજના છે. એટલે હવે જોવા જઈએ તો દલિતોના અધિકારની વાતો કરતા મહેશ્વરી સમાજના નેતાને ભાજપ પોતાના પક્ષમાં લઈ લે તો સત્તા વિરોધી લહેર ઉપરાંત આંતરિક ખટપટનો માર સહન કરી રહેલા ભાજપને કચ્છની બેઠક ઉપર પાંચ લાખથી વધુની લીડ મેળવવામાં સરળતા પડે. 

અગાઉ ભુજ કમલમ ખાતે જોડાયેલાને પણ ફરી કેસરી પટ્ટા પહેરાવી દીધા : પોતાના ગજાના નેતાની હાજરીમાં મોટી સંખ્યામાં ભાજપમાં વટલાવીને ક્રેડિટ લેવા ટેવાયેલા ભાજપના નેતાઓ એ આ વખતે પણ મોટું કામ કર્યું હોય તેમ અગાઉ જેઓ ભાજપમાં ભળી ગયેલા છ તેમને પણ કેસરી પટ્ટા  પહેરાવી દીધા હતા. જેને જોઈને વર્ષોથી ભાજપના પાયાના કાર્યકરો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા.