Kutch : મહારાણી પ્રિતિદેવીએ માંડવી વિજય વિલાસની જમીન કુંવર ઈંદ્રજિતને વેચી, જાણો રાજવી ખાનદાનની મિલકતની રસપ્રદ કહાની...
કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીના અંતિમ મહારાજ કુમાર હનુવંતસિંહજી મુન્દ્રા કોર્ટમાં વેચાણ દસ્તાવેજ રદ્દ માટે દાવો કર્યો
WND Network.Bhuj (Kutch) : માતાના મઢ ખાતે પતરી વિધિ કોણ કર શકે તે વિવાદ બાદ કચ્છના રાજવી પરિવારનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે. આ વખતે વિવાદ માંડવીના વિજય વિલાસ પેલેસની જમીનનો છે. કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલો એ જ વિજય વિલાસ પેલેસ જયાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પ્રસિદ્ધ ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'નું શૂટિંગ કરવામાં કરવામાં આવ્યું હતું. રોયલ ફેમિલીની આ કરોડો રૂપિયાની મિલકતમાંથી જમીનનો એક ભાગ ગંગા સ્વરૂપ મહારાણી પ્રિતિદેવીએ કહેવાતા કુંવર ઈંદ્રજિત જાડેજાને પચીસ લાખમાં પચીસ એકર વેચી નાખવામાં આવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીના અંતિમ મહારાજ કુમાર હનુવંતસિંહજીએ તેમના રાજવી પરિવારની મિલકતના મામલે મુન્દ્રા કોર્ટમાં વેચાણ દસ્તાવેજ રદ્દ માટે દાવો કર્યો છે. જેમાં મુંબઈની અંબા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સાથે સાથે કંપનીના ભાગીદાર તરીકે મહારાણી પ્રિતિદેવી પૃથ્વીરાજસિંહ જાડેજા, અંબા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીના અન્ય એક ભાગીદાર રવિન્દ્ર મણિલાલ સંઘવી, કહેવાતા કુંવર ઇંદ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા, એમપી મંદસૌરના બ્રીજકુમારીબા રાજસિંહ, કચ્છના કલેક્ટર, મુન્દ્રાના નાયબ કલેક્ટર, કાઠડા ગ્રામ પંચાયતના તલાટી, માંડવીના સબ રજિસ્ટ્રાર તથા ડીસ્ટ્રીકટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્ઝ (DILR)ને પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
મહારાજ કુમાર હનુવંતસિંહજીએ કોર્ટ સમક્ષ દાવો કરીને માંગણી કરી છે કે, આ પ્રકરણમાં તારીખ 19/05/2022ના રોજ કરવામાં આવેલો દસ્તાવેજ ખોટો, બોગસ અને ગેરકાયદેસર છે. જેમાં અંબા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ભાગીદાર તરીકે મહારાણી પ્રિતિદેવી પૃથ્વીરાજસિંહ જાડેજા અને અન્ય એક ભાગીદાર રવિન્દ્ર મણિલાલ સંઘવી દ્વારા કહેવાતા નલિયાના કુંવર ઈંદ્રજિત જાડેજાને વિજય વિલાસ પેલેસની 25 એકર જમીન પચીસ લાખમાં વેચવામાં આવેલી છે.
કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીના અંતિમ મહારાજ કુમાર હનુવંતસિંહજી દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી દાવા અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, તેઓ કચ્છના છેલ્લા રાજવી મહારાવ શ્રી મદનસિંહજીના વારસદાર છે. તેમને જાન્યુઆરી-2022માં એવું જાણવા મળ્યું કે, માંડવી ખાતે આવેલા વિજય વિલાસ પેલેસની દક્ષિણ બાજુએ દરિયાની ભરતીવાળી જગ્યાએ આવેલી મિલકતની જમીન ઉપર હોટેલ શરુ કરવામાં આવેલી છે. તેથી તેમણે આ અંગે તપાસ કરી અને દસ્તવાજો મેળવવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કચ્છના કલેક્ટર, મુન્દ્રાના નાયબ કલેક્ટર, કાઠડા ગ્રામ પંચાયતના તલાટી, માંડવીના સબ રજિસ્ટ્રાર તથા ડીસ્ટ્રીકટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્ઝ (DILR) તરફથી તેમને કોઈ જવાબ મળ્યા નહીં. દરમિયાન તેમણે ઉપરોક્ત રાજવી પરિવારની મિલકત અંગે કરવામાં આવેલા તા.14/07/1972 અને 21/07/1972 તેમજ 19/05/2022ના રોજ કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ મળી આવ્યા હતા.
જેમાં આશ્ચર્યજનક રીતે જાણવા મળ્યું કે, ઉપરોક્ત મિલકતમાંથી 25 એકરની જમીન તો અંબા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીના બે ભાગીદાર દ્વારા કહેવાતા કુંવર ઈંદ્રજિતને પચીસ લાખમાં વેચી નાખવામાં આવેલી છે. હકીકતમાં આ જમીન અંગે વર્ષ 1972માં કરવામાં મૂળ દસ્તાવેજ અને ત્યારબાદ કરવામાં આવેલા ચૂક દસ્તાવેજ જો કાયદાકીય રીતે ટકી શકે તેમ ન હોય તો 25 એકર જમીન કેવી રીતે વેચી શકાય તે એક મોટો પ્રશ્ન છે. વળી આ જમીન અંગે જરૂરી દસ્તાવેજથી લઈને નકશા પણ જે તે વખતે દસ્તાવેજ કરવા ટાણે રજુ કરવામાં આવેલા નથી.
રાજવી પરિવારના ચૂક દસ્તાવેજની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી :- કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીના અંતિમ મહારાજ કુમાર હનુવંતસિંહજી દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું છે કે, કચ્છમાં માંડવી ખાતે આવેલા કાઠડા ગામના સર્વે નંબર 347માં વિજય વિલાસ પેલેસની અંદાજે 619 એકર જમીન આવેલી છે. તા.14/07/1972માં કરવામાં આવેલા દસ્તાવેજને ધ્યાનમાં લેતા કુલ જમીન પૈકીની કેટલીક જમીન યુવરાજ પૃથ્વીરાજસિંહને પાવરનામાથી આપવાવામાં આપેલી હોય તેવું લાગે છે. જેનું યોગ્ય ડિમાર્કેશન પણ થયેલું નથી. અને તે જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરીને અંબા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીના વહીવટ કરનારા ભાગીદાર ડૉ. મયુર સંજીવ રાજારામના નામે કરવામાં આવે છે. અને તેમાં દસ્તાવેજના અવેજની રકમ રૂ. 5,80,000 દર્શાવવામાં આવે છે. જેમાંથી દસ્તાવેજમાં સહી કરતી વેળાએ માત્ર 58 હજાર આપવામાં આવે છે. અને બાકીની રકમ પાંચ વર્ષના હપ્તેથી આપવાની વાત કરવામાં આવે છે.
આમ દસ્તાવેજ રજીસ્ટર કરતી વખતે પૂરતી રકમ આપવામાં આવેલી નથી. ત્યારબાદ માત્ર એક અઠવાડિયામાં જ એક ચૂક દસ્તાવેજ રજુ થાય છે. જેમાં એવું કહેવામાં આવે છે કે, શરતચુકથી અંબા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીના વહીવટ કરનારા ભાગીદાર ડૉ. મયુર સંજીવ રાજારામનું નામ દસ્તાવેજમાં આવી ગયું છે. જેઓ ભાગીદાર પણ નથી. હકીકતમાં ભાગીદાર તરીકે ડૉ. મયુર સંજીવ રાજારામ નહીં પરંતુ જામનગરના મફતલાલ મગનલાલ મોદીનું નામ આવવું જોઈતું હતું. એટલે ચૂક દસ્તાવેજ કરવામાં આવે છે. આ સંજોગોમાં સવાલ એ થાય છે કે, જો ડૉ. મયુર સંજીવ રાજારામ ભાગીદાર ન હતા તો દસ્તાવેજની અવેજની રકમ કોને ચૂકવી ?