કચ્છ : IPS એ કોમ્બિંગ નાઈટમાં પકડેલી કાર પોલીસ સ્ટેશનમાં ઢાંકી દેવાઈ, જાણો કોની છે એ બ્લેક સ્કોર્પિયો...
પશ્ચિમ કચ્છના એસપી સૌરભસીંગ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો મધરાતે ચેકિંગમાં હતો ત્યારે બનેલી ઘટના
WND Network.Bhuj (Kutch) : પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના એસપી 16મી જૂનના રોજ ભુજ તાલુકામાં કોમ્બિંગ હતા ત્યારે આશ્રમ ચોકડીથી નાગર ફાટક તરફ જતા રોડ ઉપર બે શંકાસ્પદ કાર જોવા મળી હતી. લોકલ ક્રાઇમ બ્રાંચના કાફલા સાથે નીકળેલા IPS સૌરભસીંગને જોઈને બે માંથી એક કાર ભાગી ગઈ હતી. પરંતુ એક બ્લેક કલરની સ્કોર્પિયો પોલીસે પકડી પાડી હતી. જેમાં એક વ્યક્તિ દારૂના નશામાં મળી આવી હતી. આમ જોવા જઈએ તો આ એક રૂટિન ક્રાઇમ ન્યૂઝ છે. પરંતુ સમગ્ર ઘટના એટલા માટે વિશેષ બની જાય છે કે, જે બ્લેક કલરની સ્કોર્પિયો IPS આધિકારીએ પકડી ને ડિટેન કરી હતી તેને ભુજના 'બી' ડીવીજન પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવી છે. માત્ર એટલું જ નહિ પરંતુ, સ્કોર્પીયોમાંથી બંને તરફથી નંબર પ્લેટ પણ કાઢી લેવામાં આવી છે. જો કે, કારના માલિકની ઓળખ છુપાવવા માટે જેણે પણ આ હરકત કરી હતી તેઓ ભૂલી ગયા કે, પોલીસે ફરિયાદમાં બ્લેક સ્કોર્પિયોનો નંબર નાખી દીધો હતો. જેને લીધે કારના માલિકની ઓળખ થઈ જાય છે.
'બી' ડીવીજન પોલીસ સ્ટેશનમાં થયેલી નોંધ પ્રમાણે, પોલીસ અધિકારીઓ સાથે મોબાઈલ નંબર એક તા.16/06/2022ના ગુરુવારની રાતે કોમ્બિંગ નાઈટમાં હતી. રાતે સાડા અગિયારના અરસામાં તેમનો કાફલો ભુજ તાલુકાના આશ્રમ ચોકડીથી નાગોર ફાટક તરફ જતા રોડ ઉપર પહોંચ્યા ત્યારે બે શંકાસ્પદ કાર જોવા મળી હતી. પોલીસની ગાડીઓને જોઈને બે કારમાંથી એક કારમાં રહેલા લોકો ભાગી ગયા હતા. જયારે એક બ્લેક કલરની GJ 12 FB 8505 પકડાઈ ગઈ હતી. જેમાં મૂળ છત્તીસગઢનો ભુજની ઓધવ વંદના કોલોની રહેતો શિવ કૃષ્ણ કુરબી નામનો વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાઇ ગયો હતો. કારમાંથી અંગ્રેજી શરાબની બોટલ પણ મળી આવી હતી. પૂછપરછમાં તેણે ભાગી ગયેલી બીજી કારમાં ત્રણ વ્યક્તિ હોવાનું કબુલ્યું હતું. અને તેમના નામ સરનામાંથી અજાણ હોવાનું કહ્યું હતું. એટલે પોલીસે બ્લેક સ્કોર્પિઓ સહીત યુવાનને ભુજના બી ડીવીજન પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા. સ્કોર્પિયો પોલીસ સ્ટેશને લાવવામાં આવી ત્યાં સુધી તેમાં બંને બાજુએ નંબર પ્લેટ હતી. અને તેને આધારે પોલીસે ફરિયાદમાં કારનો નંબર જીજે 12 એફબી 8505 પણ ટાંક્યો છે. પરંતુ હવે આ કારને ઢાંકી દેવામાં આવી છે. અને તેમાંથી નંબર પ્લેટ પણ જાણી જોઈને ઉખાડી નાખવામાં આવી છે.
આ અંગે પશ્ચિમ કચ્છના SP સૌરભસિંહ સાથે વાત કરતા તેમને કોમ્બિંગ નાઇટવાળી ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે, તેમણે જાતે આ કારને પકડી હતી. પરંતુ પોલીસ સ્ટેશનમાં તેને ઢાંકી દેવામાં આવી છે તેમજ તેની નંબર પ્લેટ કાઢી લેવામાં આવી છે તે અંગે અજાણ હોવાનું ઉમેર્યું હતું. તેમણે અંગે હકીકત શું છે તે ચેક કરવાનું પણ અંતમાં કહ્યું હતું.
તો કોની છે એ બ્લેક સ્કોર્પિયો કાર ? :- પોલીસે કોમ્બિંગ નાઈટમાં પકડેલી જીજે 12 એફબી નંબર વાળી બ્લેક કલરની સ્કોર્પિઓ ભુજ તાલુકાના કુનરીયા ગામના સુરેશ ગોપાલભાઈ છાંગાના નામે રજીસ્ટર છે. સુરેશ છાંગા કુનરીયા ગામના સરપંચ રહી ચુક્યા છે. અને હાલ તેઓ ઉપ સરપંચ છે. સરપંચ તરીકે તેમના પત્ની છે. વર્ષ 2020માં જયારે ખનીજ ચોરી પકડાઈ હતી ત્યારે સુરેશ છાંગાનો ભાઈ અરુણ ગોપાલભાઈ છાંગા આરોપી હતો. મજાની વાત એ છે કે, ગયા મહિને પણ ખાણ ખનીજ વિભાગની વિજિલન્સ સ્કોડ દ્વારા તેમના ગામમા રેડ કરવામાં આવી ત્યારે તે પંચનામામાં સાક્ષી બની જાય છે. આમ કુનરીયા ગામ અને તેની આસપાસ ચાલતી ખનીજ ચોરીમાં સુરેશ છાંગાનું નામ ક્યાંક ને ક્યાંક સીધુ કે આડકતરી રીતે સામે આવે છે. કોમ્બિંગ નાઈટની ઘટનામાં પોલીસે પકડેલી બ્લેક સ્કોર્પિઓ અંગે સુરેશભાઈનો સંપર્ક કરવામાં આવતા તેઓ મળી શક્યા ન હતા. સૂત્રોનું માનીએ તો, રાજ્ય સરકારની સાથે સાથે આરએસએસ સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો છે.
Web News Duniya