ભુજની લોટસ કોલોનીનો વર્ષો જૂનો દબાણવાળો સાર્વજનિક પ્લોટ વેચાઈ ગયો ? જાણો શું છે GK હોસ્પિટલની સામે આવેલી કરોડોની જમીનનો વિવાદ...

સેવાભાવી દિવગંત તબીબ શાંતુબેનના ભાઈએ કતીરા કન્સ્ટ્રક્શન વાળા જિમી કતીરા સાથે કરેલા સોદા અંગે કલેક્ટરને ફરિયાદ, લોટસ કોલોનીનાં લોકોનો પણ વિરોધ

ભુજની લોટસ કોલોનીનો વર્ષો જૂનો દબાણવાળો સાર્વજનિક પ્લોટ વેચાઈ ગયો ? જાણો શું છે GK હોસ્પિટલની સામે આવેલી કરોડોની જમીનનો વિવાદ...

WND Network.Bhuj (Kutch) : ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલ સામે આવેલી મોકાની કરોડોની જમીનનો એક સોદો વિવાદમાં પડ્યો છે. ભુજની લોટસ કોલોનીમાં જનરલ હોસ્પિટલની સામે આવેલા ખાનગી માલિકીના પ્લોટની સાથે સાથે એક વર્ષો જૂનો દબાણવાળા સાર્વજનિક પ્લોટને પણ કરોડોની કિંમતમાં વેચી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. અને આ અંગેની ફરિયાદ કચ્છ કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા દિવગંત તબીબ શાંતુબેનના ભાઈએ તેમના પાંચ પ્લોટની સાથે સાથે એક એક વર્ષો જૂનો દબાણવાળા સાર્વજનિક પ્લોટનો ભુજના જાણીતા કતીરા કન્સ્ટ્રક્શન વાળા જિમી કતીરાની સાથે સોદો કરીને આપી દીધો છે. જેમાં થોડા સમય પહેલા કચ્છ કલેક્ટર સમક્ષ ફરિયાદ પણ થઈ છે. હવે આ પ્લોટમાં બાંધકામ શરુ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે સાર્વજનિક પ્લોટને બચાવવા માટે લોટસ કોલોનીના લોકો પણ વિરોધ કરવા માટે એકઠા થઈ રહ્યા છે. જે તે સમયે આ સાર્વજનિક પ્લોટનો  ઉપયોગ દિવગંત તબીબ શાંતુબેન રેડ ક્રોસ માટેની સેવાકીય પ્રવૃત્તિ માટે કરતા હતા.  

સમગ્ર વિવાદ-મામલાની શરૂઆત ડૉ.શાંતુબેનના નિધન બાદ તેમના ભાઈ ભારત પટેલ દ્વારા લોટસ કોલોનીમાં આવેલા પ્લોટને વેચવાની પ્રક્રિયા શરુ કરવામાં આવતા થઈ હતી. ડૉ.શાંતુબેને અહીં ધન્વંતરી હોસ્પિટલ બનાવીને માનસિક રીતે વિકલાંગ બાળકોની સેવા-સારવાર કરતા હતા. પરંતુ તેમના નિધન પછી આ પ્રવૃત્તિ બંધ થઈ જતા લોટસ કોલોનીમાં જી.કે. હોસ્પિટલની સામે આવેલા આ પ્લોટ પડી રહ્યા હતા. દરમિયાન આ પ્લોટને વેચવાની તથા તેમાં માપણી વધારાની હરકતને પગલે સમાજવાદી પાર્ટીના કચ્છના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ટી. દાદલાણીએ ભુજના પ્રાંત અધિકારી સહીત કચ્છ કલેક્ટરને આધાર-પુરાવા સાથે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દરમિયાન લોટસ કોલોનીના આ પ્લોટને ભુજના કતીરા કન્સ્ટ્રક્શન વાળા જિમી કતીરાની અન્ય કંપની RJK LLP દ્વારા ખરીદવામાં આવ્યા હોવાથી તેમાં હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.  

વર્ષોથી દબાણમાં રહેલા પબ્લિક પ્લોટ અંગે તંત્રમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં બાંધકામ ચાલુ થઇ ગયું છે ત્યારે તંત્ર અને ભાડા દ્વારા શું કાર્યવાહીએ કરવામાં આવી છે તે જાણવા માટે કલેક્ટર અને ભુજના પ્રાંત અધિકારી નો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર દિલીપ રાણાએ મામલાનો અભ્યાસ કર્યા બાદ જવાબ આપશે તેમ કહ્યું હતું. જયારે ભુજના SDM એવા મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોતે મામલો જમીન માપણી વધારાનો હોવાનું કહીને ભાડાનો આમાં કોઈ રોલ નથી તેવો મેસેજ આપ્યો હતો. અને ઉમેર્યું હતું કે, આ માહિતી NA નાં હુકમ તથા લે-આઉટ સાથે સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી મળી જશે. જો કે મદદનીશ કલેક્ટર ચપલોત સાર્વજનિક પ્લોટ અંગે કોઈ ખુલાસો કરી શક્યા ન હતા. 

કચ્છના મહેસુલી વિભાગ અને બિલ્ડરોની મિલીભગતનો આક્ષેપ :- લોટસ કોલોનીની જમીન માપણી વધારા અને કોમન પ્લોટ અંગે સરકારમાં રજૂઆત કરનારા સમાજવાદી પાર્ટીના કચ્છના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ટી. દાદલાણીએ ડૉ.શાંતુબેનના કબજાવાળા ચાર પ્લોટના એક જોટામાં એક પ્લોટ સાર્વજનિક હોવાનું જણાવીને તે કોઈપણ સંજોગોમાં તબદીલ કે વેચી ન શકાય તેવો દાવો કર્યો હતો. સાથે સાથે તેમણે માપણી વધારા અંગેના સમગ્ર મામલામાં કચ્છના મહેસુલી વિભાગ અને બિલ્ડરોની મિલીભગત હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. દાદલાણીએ માપણી વધારા અંગે તત્કાલીન અધિક કલેક્ટર દ્વારા 140 કરોડની વસુલાતની વાતને બિલ્ડરોની એક ચાલ ગણાવી હતી. એમ કરવાથી જમીનના ભાવ ગગડી જાય તો બિલ્ડર લોટસની જમીન સસ્તા ભાવે ખરીદી લે તેવી ચાલ હોવાનું અંતમાં ઉમેર્યું હતું.

વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષનું પણ નામ વટાવવાનો પણ પ્રયાસ થયેલો :- ભુજની લોટસ કોલોનીના આ પ્લોટનો સોદો થયો ત્યારથી સમગ્ર મામલો ચર્ચામાં રહેલો છે. સૂત્રોનું માનીએ તો, 24 કરોડથી પણ વધુની રકમના આ સોદામાં થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય રહી ચૂકેલા ડૉ. નીમાબેન આચાર્યનું નામ પણ આવ્યું હતું. અને એવી ચર્ચા ચાલી હતી કે, કોમર્શિયલ કોમ્પ્લેક્સના આ પ્રોજેક્ટમાં તેમની ભાગીદારી છે. જો કે ડૉ. નીમાબેન આચાર્યના દીકરા એવા હોટેલિયર મુકેશ આચાર્ય દ્વાર સમગ્ર વાતને નકારવામાં આવી હતી. સંભવ છે કે, દબાણવાળા સાર્વજનિક પ્લોટના વિવાદને દબાવવા માટે વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષનું નામ વટાવવાનો આ પ્રયાસ હતો. 

26 કરોડની જમીનમાં ઉભી થયેલી દુકાનોમાંથી 125 કરોડ મળશે ? :- સૂત્રોનું માનીએ તો લોટસ કોલોનીના પ્લોટમાં 26 કરોડની લેનદેન કરવામાં આવી છે. અને આ પ્લોટ ઉપર ઉભું કરવામાં આવનારા કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનમાંથી 125 કરોડ મેળવવામાં આવશે. કરોડોની જમીનના આ સમગ્ર પ્રકરણમાં ખરીદી કરનાર RJK LLPના જિમી કતીરા સાથે પણ 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા વાતચીત કરી હતી. જેમાં તેમણે એક જ પ્લોટનો સોદો કર્યો હોવાનું જણાવીને કહ્યું હતું કે, આ અંગેની તમામ કાયદાકીય મંજૂરીઓ તેમણે લીધેલી છે. તથા તેમાં કોઈ સાર્વજનિક પ્લોટ હોવાની કોઈ વાત જ નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ સોદો કતીરા કન્સ્ટ્રક્શન નહીં પરંતુ તેમની અન્ય એક કંપની RJK LLP દ્વારા કરવામાં આવ્યો છે. અને આ ખરીદીમાં કોઈ જ પ્રકારનો વિવાદ પણ નથી. 

સેવાકીય પ્રવૃત્તિ થકી ડોકટર શાંતુબેન પટેલ કચ્છનું નામ દુનિયામાં રોશન કરેલું :- નાના બાળકોના નિષ્ણાંત ડોક્ટર શાંતુબેન પટેલનું નામ તેમની સેવાકીય પ્રવૃત્તિ થકી માત્ર કચ્છ કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં જાણીતું છે. તેમણે લોટસ કોલોનીના આ પ્લોટ ઉપર જ માનસિક રીતે વિકલાંગ હોય તેવા બાળકો માટે ધન્વંતરી હોસ્પિટલનું નિર્માણ પણ કર્યું હતું. તેમની બાળકો પ્રત્યેની આ લાગણી અને સેવાને પગલે ભારતની ઇન્ડિયન ઓઇલ કંપનીએ તેમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરીને ભારતભરના અખબારોમાં ફ્રન્ટ પેજ ઉપર તેનો ફોટો છાપ્યો હતો.