Kutch Bhuj KK Hospital : કચ્છના ગરીબ માલધારીઓની વ્હારે આવી ગુજરાત હાઇકોર્ટ, ભુજની K K હોસ્પિટલ, તંત્ર અને પોલીસની કાર્યવાહી સામે અદાલતનો રુક જાવ નો આદેશ
હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણી કરીને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને સ્પષ્ટ આદેશ, Status-Quo અને કોઈપણ પ્રકારની કાર્યવાહી, તોડફોડ, ખસેડવાની પ્રક્રિયા સામે હવે કાનૂની સુરક્ષા આપી
WND Network.Ahmedabad, Bhuj (Kutch) : કચ્છના ભુજ ખાતે ત્રણ દાયકાથી વધુ સમયથી પોતાના પરિવાર સાથે ગુજરાન ચાલવતા દસ ગરીબ માલધારી પરિવારના ઘરને કેકે હોસ્પિટલ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવેલી આપખુદ ઘર તોડવાની કાયદા વિરુદ્ધની હરકત સામે ગુજરાતની વડી અદાલતે રક્ષણ આપીને તેમની વ્હારે આવી છે. સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ હોવા છતાં કરવામાં આવેલી કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક કરવામાં આવેલી સુનાવણી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી, જેને વડી અદાલતે ગંભીરતાથી લઈને સ્પષ્ટ આદેશ આપ્યો કે, કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે તે દરમિયાન હાલની યથા સ્થિતિ સંપૂર્ણ જાળવી રાખવામાં આવે.
કચ્છના ભૂજ તાલુકાનાં મિરઝાપરની હદમાં આવેલી K.K. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની બાજુમાં છેલ્લા 35થી 40 વર્ષથી વસવાટ કરતા માંલધારી સમુદાયના ગરીબ નોડે પરિવાર સહિત કુલ 10 પરિવારોના રહેણાંક ઉપર તાજેતરમાં ભૂજ સિટી મામલતદાર દ્વારા ગેરકાયદેસર તોડફોડ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી K.K. Hospital દ્વારા તારીખ 11/08/2025ના રોજ મામલતદારને કરવામાં આવેલી અરજીના આધારે કરવામાં કરવામાં આવી હતી. આ જમીન ઉપર ગરીબ માલધારી પરિવારોની પેઢીઓથી તેમના પરિવાર અને પશુઓ સાથે નાનાં વાડા અને કાચા ઘરોમાં રહે છે. તેઓ પછાત વર્ગના છે. તેઓ BPL કાર્ડ તથા લાઇટ બિલ જેવા પુરાવાઓ ધરાવે છે અને તેમના વાડાને નિયમિત કરવા માટેની અરજીઓ વર્ષ 2004 તથા 2020ની હજુ સુધી પેન્ડિંગ છે. આટલા આધાર પુરાવા હોવા છતાં કોઈપણ જાતની પૂર્વ નોટિસ આપ્યા વગર તારીખ 22/08/2025ના રોજ ગેરકાયદે રોજકામ તૈયાર કરવામાં આવ્યું હતું. અને બાદમાં તારીખ 15/09/2025ના રોજ કલમ 61 હેઠળનો આદેશ તથા તા. 13/10/2025ની કલમ 202ની નોટિસ બહાર પાડવામાં આવી હતી. તેમ છતાં બંને દસ્તાવેજો માત્ર 17/10/2025ના રોજ એકસાથે સર્વ કરવામાં આવ્યા હતા.
કાયદા મુજબ ઉપરોક્ત આદેશ સામે 90 દિવસની કાયદેસરનો સમય ઉપલબ્ધ હતો. તે છતાં Appeal Period હજુ ચાલુ હોય ત્યારે જ તા. 13/11/2025ના રોજ ભુજ શહેર અને પોલીસ દ્વારા સ્થળ પર જઈને કેટલાક પરિવારોના ઘરોનાં તોડીને ગરીબ માલધારી પરિવારોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
જેન પગલે તંત્ર, પોલીસ અને હોસ્પિટલના આ ગેરકાયદે અને એકતરફી કાર્યવાહી સામે તારીખ : 14/11/2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક Urgent Hearing દરમિયાન ન્યાયમૂર્તિ વૈભવી ડી. નાણાવટી સમક્ષ મૂળ ભુજના અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા હાઇકોર્ટના ધારાશાસ્ત્રી એડવોકેટ અમન એ. સમા તથા મીત ડી. કાકડિયા દ્વારા અસરકારક દલીલો રજૂ કરવામાં આવી હતી.
જેને પગકલે હાઈકોર્ટે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, appeal period દરમ્યાન હાલની સ્થિતિ સંપૂર્ણ જાળવવી (Status-Quo) અને કોઈપણ પ્રકારની demolition drive, તોડફોડ, ખસેડવાની પ્રક્રિયા અથવા કથિત દબાણ દૂર કરવાની કાર્યવાહી નથી કરવાની.
ગુજરાત હાઈકોર્ટના આ મહત્વપૂર્ણ સ્ટે ઓર્ડરથી ગરીબ પરિવાર સહિત તમામ 10 માંલધારી પરિવારોના ઘરો, વાડા અને રહેઠાણ પર હવે કાનૂની સુરક્ષા મળી છે અને ગેરકાયદેસર રીતે ચાલતી તોડફોડ પ્રક્રિયા તાત્કાલિક રોકાઈ ગઈ છે. આગામી દિવસોમાં ગુજરાત રેવેન્યૂ ટ્રાયબ્યુનલ GRT સમક્ષ હવે આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ એડવોકેટ અમન એ. સમાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Web News Duniya