Kandla : એજ્યુકેશન સેસ ભરવામાં ઘાલમેલને મામલે કંડલા કસ્ટમ કમિશનરે દિલ્હી અને ગાંધીધામની પેઢીને 12 કરોડની પેનલ્ટી ફટકારી, ઓડિટમાં ગફલો બહાર આવ્યો

દિલ્હીની લુઇસ ડ્રેફસ કંપની,ગાંધીધામની નરેન્દ્ર ફોરવર્ડ્સ પેઢીએ કંડલા-મુન્દ્રા સહિતના પોર્ટ્સથી કરોડોની કોમિડિટી ઈમ્પોર્ટ કરેલી

Kandla : એજ્યુકેશન સેસ ભરવામાં ઘાલમેલને મામલે કંડલા કસ્ટમ કમિશનરે દિલ્હી અને ગાંધીધામની પેઢીને 12 કરોડની પેનલ્ટી ફટકારી, ઓડિટમાં ગફલો બહાર આવ્યો

Wajid Chaki.Gandhidham (Kutch) : કંડલા (Kandla)ના કસ્ટમ (Custom) કમિશનરે દિલ્હીની એક કંપની તેમજ ગાંધીધામની એક પેઢીને એજ્યુકેશન સેસને મામલે 12 કરોડની માતબર કહી શકાય તેવી પેનલ્ટી ફટકારતા કચ્છના શિપિંગ આલમમાં ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ દ્વારા આ બંને પેઢીના ઓડિટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીધામની ફ્રેઇટ કેરીયર કંપની અને દિલ્હીની કંપની દ્વારા કરોડો રૂપિયાનો માલ આયાત કરાયો હતો તેના ઉપર બારેક કરોડનો એજ્યુકેશન સેસ અને હાયર એજ્યુકેશન સેસ ભરવા પાત્ર થતો હતો. જે આ કંપની દ્વારા સરકારમાં ભરવાને બદલે મોટો ગફલો કરવામાં આવ્યો હતો. કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપરાંત દેશના જેટલા પણ બંદરેથી લુઇસ ડ્રેફસ કંપની ઇન્ડિયા પ્રા. લી. (નવી દિલ્હી) નામની કંપની અને ગાંધીધામની નરેન્દ્ર ફોર્વર્ડર્સ પ્રા. લી.પેઢીએ માલ ઈમ્પોર્ટ કર્યો હતો. જેમાં સેસની રકમ ભરવાનો મુદ્દો સામે આવ્યો હતો. તે સંદભૅ બંને પેઢીને કંડલા કસ્ટમ કમિશનર દ્વારા શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી. જેની સુનાવણી બાદ કંડલાના કસ્ટમ કમિશનરે કરોડો રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. સમગ્ર મામલામાં બંને કંપનીએ કંપનીએ કઈ જ ખોટું ન કર્યા હોવાનું રટણ કર્યું હતું. જો  કે કંડલા કસ્ટમ કમિશ્નર ટી. રવિએ આકરું વલણ અપનાવીને  12.71 કરોડની પેનલ્ટી ફટકારી હતી. કંપની ઈચ્છે તો કમિશ્નરના આ હુકમ સામે અપીલ કરી શકે છે. 

સમગ્ર મામલો કઈંક આવો છે. નવી દિલ્હી ખાતે આવેલી  લુઇસ ડ્રેફસ કંપની ઇન્ડિયા પ્રા. લી. (નવી દિલ્હી) અને ગાંધીધામની નરેન્દ્ર ફોર્વર્ડર્સ પ્રા. લી. કંપની દ્વારા લાંબા સમયથી ક્રુડ પામ ઓઈલ (એડીબલ ગ્રેડ), ક્રુડ સોયાબીન ઓઈલ, રીફાઈન્ડ પામોલીન ઓઈલ, કોટન, સુગર, કોફી, સોયા ફેટી એસીડની આયાતના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તે મુખ્યત્વે કંડલા, મુન્દ્રા ઉપરાંત દેશના ન્હાવા શેવા, ક્રીશનાપટ્ટનમ, તુતીકોરીન, પીપાવાવ, ચેન્નાઈ, કોચીન, મેંગલોર જેવા પોર્ટ પરથી ઈમ્પોર્ટ કરે છે. નાણાકીય વર્ષ 2017-18, 2018-19, 2019-20ના હિસાબોનું કંપનીની ઓફિસમાં કસ્ટમ અધિકારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન કંપનીએ કંડલા પોર્ટથી 6,58,04,27,700, મુન્દ્રા પોર્ટથી 1,25,11,51,014 ક્રીશનાપટ્ટનમ બંદરેથી  97,52,19,294 અને ન્હાવાશેવા પોર્ટથી 32,66,12,420 એમ કુલ મળીને કુલ રૂ. 9,13,34,10,428નો માલ આયાત કર્યો હતો. જેના પર એજ્યુકેશન સેસ અને હાયર એજ્યુકેશન સેસ અનુક્રમે  37.39 કરોડ, 59.73, 52.23 અને 20.81 મળીને કુલ રૂ. 5,06,72,393 થતી હતી. જે આ કંપની સરકારમાં ભરવાને બદલે ખાઈ ગઈ હતી. આ ઉપરાંત કંડલામાં રૂપિયા 26,60,54,750 રુપિયાની આયાત કરવામાં આવી હતી તેના પર 1,09,74,758 ની રકમનું સોશિયલ વેલ્ફેર સરચાર્જ પણ કંપનીએ ભરવાનું ટાળ્યું હતું.   

કંપનીએ કુલ રૂપિયા 9,39,94,65,178 નો માલ આયાત કર્યો હતો. જે કસ્ટમ કાયદાની કલમ ૧૧૧(એમ) હેઠળ જપ્ત કરવાને પાત્ર હતું, પણ માલનો નિકાલ થઇ ગયેલો હોવાથી એવું થઇ શક્યું નહિ. તેના અવેજમાં કંપનીને કસ્ટમના કાયદાની કલમ 125 હેઠળ દંડ કરવામાં આવ્યો છે. આમ, કાયદાના ભંગ સંદર્ભે ક્રીશનાપટ્ટનમ પોર્ટ ખાતે 1,09,66,206ની પેનલ્ટી, ન્હાવા શેવા પોર્ટ માટે 43,63,654, મુન્દ્રા પોર્ટ માટે 1,25,47,604 અને કંડલા પોર્ટ માટે 9,92,36,838 નો મળીને કુલ 12,71,14,302 રુપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

કરોડોની પેનલ્ટીનો મામલો કસ્ટમ કમિશનર પાસે કેમ આવ્યો ? : કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઓડીટમાં દેશના 4 મહાબંદરો ખાતે થયેલી આ ઘાલમેલ બહાર આવતા જ્યાં સૌથી વધુ રકમનો મામલો હોય તે કમિશ્નરને આ કેસ સોંપવાના કસ્ટમના નિયમ પ્રમાણે કંડલા કસ્ટમ કમિશનર પાસે ચારેય પોર્ટનો મામલો આવ્યો. ચારેય પોર્ટ દ્વારા કંપનીને શો કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી. કંડલા કસ્ટમ કમિશનર ટી.વી.રવીએ બંને કંપનીને સુનાવણીની તક આપી હતી જેમાં તેમના પ્રતિનિધીઓએ કઈ ખોટું ન કર્યાનું ગાણું ગાયું હતું. અલબત, કમિશ્નરે આકરું વલણ અપનાવી તેમને કરોડો રૂપિયાની પેનલ્ટી કરી હતી.