Operation Sindoor Kutch Khavda Indo-Pak Border Drone : કચ્છની ખાવડા બોર્ડરે વહેલી સવારે આકાશમાં ઉડી રહેલા ડ્રોનમાં બ્લાસ્ટ થયો, એરફોર્સ સહીત આર્મી પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ શરુ કરેલી તપાસ
કચ્છ બોર્ડરે કાર્યરત રીન્યૂએબલ એનર્જી પાર્કમાં કોટડા ચેક પોસ્ટથી આગળ 765 કેવીની હાઇટેન્શન વીજળીની લાઈન પાસે બનેલી ઘટના, ઇન્ડિયન એરફોર્સની ટીમ તૂટેલા ડ્રોનની તપાસ માટે તેને ભુજ એરબેઝ લઇ આવી

WND Network.Khavda, Indo Pak Border (Kutch) : ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ને પગલે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ગુજરાતના બોર્ડર ડીસ્ટ્રીકટ કચ્છ (Kutch)ની સીમાએ આજે ગુરુવારે વહેલી સવારે એક ડ્રોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા (Khavda) પાસે આવેલા સોલાર રીન્યૂએબલ એનર્જી પાર્ક (RE Park)માં કોટડા ચેક પોસ્ટથી આગળ 765 કેવીની હાઇટેન્શન વીજળીની લાઈન પાસે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. કચ્છ બોર્ડરે ભારતીય સુરક્ષા દળની ત્રણેય પાંખ હાઈ એલર્ટ ઉપર છે ત્યારે સામાન્ય કદ કરતા વિશાળ દેખાતું ડ્રોન કોનું છે, કેવી રીતે બોર્ડર ઉપર આવ્યું અને તે કયા સંજોગોમાં તૂટી ગયું કે બ્લાસ્ટ થયો તે અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત નથી થઈ. ઇન્ડિયન એરફોર્સની ટીમ દ્વારા બ્લાસ્ટ થયેલા આ ડ્રોનનો કબ્જો મેળવીને તેની વધુ તપાસ માટે ડ્રોનના તૂટેલા ભાગોને ભુજ એરબેઝ લઇ જવામાં આવ્યા છે.
કચ્છમાં તૈનાત ઇન્ટેલિજન્સ એજન્સી અને સુરક્ષા દળના વિવિધ સૂત્રો દ્વારા મળી વિગતો મુજબ, ખાવડા પાસેના RE પાર્કની 765 કેવીની હાઇટેનશન લાઈનની આસપાસ આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ જગ્યા ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાથી વીસેક કિલોમીટર અંદર ભારતીય રણ સીમા વિસ્તારમાં છે.
ડ્રોનમાં બ્લાસ્ટ થયા બાદ તેને જે રીતે ભુજ એરબેઝ લઇ જવામાં આવ્યું છે તેને જોતા ડ્રોન ભારતીય સુરક્ષા દળ સાથે કનેક્શન ધરાવતું હોય તેવું નથી લાગી રહ્યું. બીએસએફના એક ઉચ્ચ અધિકારીએ વેબ ન્યૂઝ દુનિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ડ્રોન વહેલી સવારથી બોર્ડર એરિયામાં ફરતું હોવાની માહિતી મળી રહી છે. એટલે સંભવ છે કે, પાકિસ્તાન દ્વારા તેને ભારતીય ડિફેન્સની મુવમેન્ટની જાસૂસી કરવા માટે ઉડાવવામાં આવ્યું હોવાનું સંભાવના છે. અલબત્ત આ અંગેની હજુ ચકાસણી કરવામાં આવી રહી હોવાનું ડેપ્યુટી આઇજી રેન્કના ઓફિસરે ઉમેર્યું હતું.
ઓપરેશન સિંદૂરની ઘટના બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે અને તેનો ટાર્ગેટ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર હોવાના ઇન્ટેલ ઇનપુટ મળી રહ્યા છે ત્યારે ડ્રોન બ્લાસ્ટ થવાની ગંભીરતા કચ્છની શાંત માનવામાં આવતી બોર્ડરની સામે પર કોઈ મોટી મુવમેન્ટ થઈ રહી હોવાનું ઇન્ડિયન ઇન્ટેલ એજન્સીના સૂત્રો દાવો કરી રહ્યા છે.
ડ્રોન અંગેની ઘટના સંદર્ભે ગુજરાત બોર્ડર રેન્જના આઇજી ચિરાગ કોરડીયા (IPS Chirag Koradiya)નો અવાર-નવાર સંપર્ક કરવા છતાં તેઓ આ અંગે કોઈ પ્રતિભાવ આપવા માટે મળી શકયા નથી. પશ્ચિમ કચ્છ ભુજના એસપી વિકાસ સુંડા (IPS Vikas Sunda)એ જણાવ્યું હતું કે, ડ્રોન જેવા લગતા આ ઓબ્જેક્ટને સ્ટડી કરવા માટે ઇન્ડિયન એરફોર્સને સોંપી દેવામાં આવ્યું છે. બીએસએફના સિનિયર ઓફિસરે પણ ઓફ ઘ રેકોર્ડ ઘટનાને સમર્થન આપ્યું છે.
સવારે પાંચ વાગ્યથી ઉડતું ડ્રોન અંતિમ ગામ કુરાન ઉપર મંડરાઈ રહ્યું હતું : વિશાળ કદનું ડ્રોન આજે ગુરવારે વહેલી સવારથી જ ખાવડા તેમજ આસપાસના બોર્ડર વિસ્તારમાં ઉણી રહ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. બીએસએફના સૂત્રોના જણાવ્યા મુજબ, ડ્રોન સવારે કુરન ગામની ઉપર ઉડી રહ્યું હતું. ત્યારબાદ તેની મુવમેન્ટ બીએસએફ અને ઈંડિયન આર્મીના ધર્મશાળા બેઝની આસપાસ જોવા મળી હતી. ત્યારબાદ તે ખાવડા તરફ પણ આવ્યું હતું. ત્યારબાદ તેને RE પાર્કમાં બ્લાસ્ટ થયેલી હાલતમાં જોવામાં આવ્યું હતું.
પાકિસ્તાને જાસૂસી માટે મોકલ્યું અને ઇન્ડિયન એરફોર્સે તોડી પાડ્યું હોવાની પણ સંભાવના : ખાવડા બોર્ડરે બ્લાસ્ટ થયેલા ડ્રોન અંગે અલગ અલગ વિગતો બહાર આવી રહી છે. જેમાં એક વાત એવી પણ જાણવા મળી છે કે, સામે પાર પાકિસ્તાનથી તેને કચ્છ વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળની રેકી કરવા માટે મોકલવામાં આવ્યું હતું. જે ભારતીય હવાઈ દળના રડારમાં આવી જતા તેને ફૂંકી નાખવામાં આવ્યું છે. જેની તપાસ ઇન્ડિયન એરફોર્સની ટીમ કરી રહી છે. મામલો ખુબ જ સંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલો હોવાથી આ મામલે કોઈપણ સત્તાવાર બોલવા તૈયાર નથી.
કચ્છ-ગુજરાત સહીત સમગ્ર પશ્ચિમ-ઉત્તર ભારતની બોર્ડર ઉપર રાઉન્ડ ઘ ક્લોક એરિયલ સર્વેલન્સ : પાકિસ્તાન કાંકરી ચાળો કરી શકે તેવી પ્રબળ સંભાવના વચ્ચે કચ્છ-ક્રીક એરિયામાં ગુજરાત સહિતની સમગ્ર ઉત્તર-પશ્ચિમ સીમા ઉપર એરિયલ સર્વેલન્સ એટલે કે આકાશી જાપ્તો વધારી દેવામાં આવેલો છે. જેનું મોનીટરીંગ પણ ભુજથી કરવામાં આવી રહ્યું છે. એરફોર્સ ઉપરાંત અલગ અલગ એજન્સીઓ અને સુરક્ષા દળની ખાસ ટીમ દ્વારા આ એરિયલ સર્વેલન્સના રિપોર્ટનો સર્વગ્રાહી અભ્યાસ કરીને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.