પોલીસના ભરોસે રહેશો તો મરશો, ભુજ પાસે વાહન ચેકીંગ વેળાએ પોલીસને માર પડ્યો છતાં પહેલા સમાધાન કર્યું, વિવાદ થયો એટલે FIR કરી !

કચ્છના એક પૂર્વ સરકારી વકીલનો ફોન આવતા હોસ્પિટલમાં દાખલ થયેલા બંને પોલીસે ફરિયાદ કરવાનું ટાળ્યું, ડિજિટલ મીડિયામાં મામલો ચમક્યો એટલે શરમના માર્યા ફરિયાદ કરી

પોલીસના ભરોસે રહેશો તો મરશો, ભુજ પાસે વાહન ચેકીંગ વેળાએ પોલીસને માર પડ્યો છતાં પહેલા સમાધાન કર્યું, વિવાદ થયો એટલે FIR કરી !

WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં બહુમતિવાળી મજબૂત અને નિર્ણાયક સરકારમાં ગૃહ વિભાગનો હવાલો નાયબ મુખ્યમંત્રી પાસે છે તેવી સ્થિતિમાં ગુજરાત પોલીસ મક્કમ અને મજબૂત હોવી જોઈએ. પરંતુ હકીકત જુદી જ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પોલીસને દોડાવવાથી લઈને મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી એક ઘટના ગઈકાલે બુધવારે પશ્ચિમ કચ્છ પોલીસ બેડામા બની હતી. જેમાં પોતાની ફરજ બજાવી રહેલા બે પોલીસ કર્મચારીને જાહેરમાં માર ખાવો પડ્યો હતો. વાત અહીં અટકી હોત તો સારું હતું. પરંતુ જાહેરમાં માર ખાઈને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા બંને પોલીસ જવાને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ ગોદી મીડિયા કરતા હવે ભારતમાં સ્વતંત્ર પત્રકારત્વ કરતા લોકો સક્રિય હોવાને લીધે મામલો ન્યૂઝ સ્વરૂપે કચ્છના એક ડિજિટલ પ્લેટફોર્મ આવતા છેવટે પોલીસને શરમના માર્યા ફરજમાં રુકાવટ અંગેની FIR કરવાની નોબત આવી હતી.    

સરહદી જિલ્લાની છુપાયેલી અને છુપાવવામાં આવતી વાતોને વાચા આપતી જિલ્લાની પ્રથમ ન્યૂઝ વેબસાઈટ કચ્છ ખબર (kutchkhabar.com) માં આ મામલે સૌથી પહેલા ન્યૂઝ આવ્યા હતા. કચ્છ ખબરમાં આવેલા રિપોર્ટ મુજબ, માધાપર ભુજ રીંગરોડ પર સ્મૃતિવન સામે બાપા સીતારામની મઢુલી નજીક વાહન ચેકીંગ કરી રહેલા બે પોલીસ કર્મચારીઓ જોડે હાથાપાઈ થતાં તે ઘવાયાં હોવાનો બનાવ બન્યો હતો. 

સવારે જાહેરમાં બનેલી આ ઘટનામાં પાછળથી ગણતરીના કલાકોમાં સમાધાન થઈ જતાં સૌ પ્રથમ તો ફરિયાદ ન કરવાનું નક્કી થયું હતું. પરંતુ પોલીસને માર ખાવાની સમગ્ર ઘટના અંગે કચ્છના લોકો સુધી વાયુ વેગે સમાચાર પહોંચી ગયા હતા. જેને પગલે જાહેરમાં જે પોલીસ કર્મચારીઓને માર પડ્યો હતો તેઓએ બપોર બાદ ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. 

પોલીસને માર પડ્યો એ ઘટનામાં આવું બન્યું હતું : માધાપર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ રાણાજી ગોહિલ અને બહાદુરસિંહ ગુલાબસિંહ જાડેજા અન્ય સ્ટાફ સાથે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે કાળા કાચવાળી અને આગળ પાછળ નંબર પ્લેટ વગરની એક થાર જીપ પસાર થતાં તેને અટકાવી હતી. થારના ચાલકને આ અંગે પૂછપરછ કરતાં તે જીભાજોડી પર ઉતરી આવ્યો હતો અને ફોન કરી અન્ય કોઈકને સ્થળ પર બોલાવ્યો હતો. 

થોડીકવારમાં GJ-12 FC-7727 નંબરની સ્કોર્પિયો કારમાં પિતા પુત્ર ત્યાં દોડી આવ્યાં હતા. આ પિતા પુત્રએ પણ થારચાલકનું ઉપરાણું લઈને પોલીસ કર્મચારીઓ જોડે માથાકૂટ કરી હતી. આ સમયે ઉશ્કેરાઈને સ્કોર્પિયોમાં આવેલા પિતા પુત્ર પૈકીના પિતાએ બેઉ પોલીસ કર્મીઓ જોડે હાથાપાઈ કરતા બંને કર્મચારીઓને હાથ અને મોંઢે ઈજા થયેલી. જેના પગલે બેઉ જણને સાથી કર્મચારી લાલજી પરમાર જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો. 

( આ સમગ્ર ઘટનાક્રમ જીકે જનરલ હોસ્પિટલમાં આવેલી પોલીસચોકીના MLC નોંધવામાં આવ્યો હતો ) 

વિવાદ વધતા પોલીસ કર્મચારીઓએ ફરિયાદ તો કરી પણ FIR ગરમીને લીધે ચક્કર આવ્યાનું લખાવ્યું : પોલીસને તેમની ફરજ દરમિયાન જાહેરમાં મારવાની ઘટના અંગેના ન્યૂઝ પ્રકાશિત થતા છેવટે પોલીસ કર્મચારી સિધ્ધરાજે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારે સાડા દસના અરસામાં તે સાથી હેડ કોન્સ્ટેબલ બહાદુરસિંહ જાડેજા સાથે મઢુલી પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી થાર ગાડી પસાર થયેલી. ગાડીચાલકે તેનું નામ આશિષ બળવંતભાઈ રાવલ (રહે. રાજા રેસિડેન્સી, માધાપર જૂનાવાસ) હોવાનું જણાવેલું. 

નિયમભંગ અંગે પૂછપરછ કરતા હતા ત્યારે આશિષના પિતા બળવંત જીતેન્દ્રભાઈ રાવલ અને ભાઈ ગૌતમ બળવંતભાઈ રાવલ ઓચિંતા ત્યાં આવી ગયેલાં. ‘મારા દીકરાને કેમ પકડો છો?’ કહી પિતા પુત્રએ બોલાચાલી કરેલી અને ઉશ્કેરાઈને ઝપાઝપી પર ઉતરી આવ્યાં હતા. પોતે પણ પુરતો બળપ્રયોગ કરીને તેમને દૂર કરેલાં. દરમિયાન, અસહ્ય ગરમીના કારણે ચક્કર આવી જતાં સરકારી જીપમાં સાથી કર્મચારીઓ તેમને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યાં હતા. 

દવા ગોળી લઈને તેઓ પોલીસ સ્ટેશન પરત ફરેલાં અને બેઉ સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે બળવંત જીતેન્દ્રભાઈ રાવલ અને તેના પુત્ર ગૌતમ સામે રાજ્ય સેવક સાથે ફરજ દરમિયાન તેમાં રૂકાવટ કરી જાહેરમાં ઝપાઝપી કરવા સબબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૧ (૧) અને ૫૪ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

આરોપી બળવંત રાવલનો પુત્ર આશિષ કે જે નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી થાર ગાડી લઈને નીકળેલો તેની સામે શું કાર્યવાહી કરાઈ? આશિષને બચાવવા માટે પિતા પુત્ર GJ-12 FC-7727 નંબરની સ્કોર્પિયો કાર લઈને સ્થળ પર દોડી આવેલા તે કારનો કેમ ઉલ્લેખ કરાયો નથી? તે પ્રશ્નો અનુત્તર રહ્યાં છે. હોસ્પિટલમાં નોંધાવાયેલી MLCમાં હાથ અને મોંઢે ઈજા થઈ હોવાનું લખાવાયેલું પરંતુ ફરિયાદમાં ઝપાઝપી દરમિયાન અસહ્ય ગરમીના કારણે ચક્કર આવી જતાં હોસ્પિટલમાં દવા લેવા ગયા હોવાનું લખાવાયું છે તે મુદ્દો પણ નોંધનીય છે.

ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવાના શોખીન પૂર્વ સરકારી વકીલના દબાણને લીધે પોલીસને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યો : સૂત્રોના જણાવ્યા મુજબ, કચ્છના મુખ્ય સરકારી વકીલ તરીકેના પોતાના કાર્યકાલ દરમિયાન સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા એક પૂર્વ સરકારી વકીલની ભૂમિકા અને તેના એક ફોન કોલને લીધે પોલીસ ઉપર હુમલો કરનારા વ્યક્તિઓ સામે ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું. અલબત્ત સત્તાવાર રીતે આ અંગે કોઈ ફોડ પાડવા તૈયાર નથી. 

કચ્છના મુખ્ય ધારાના છાપાઓએ પોલીસને 'સાચવી' લીધી : જાહેરમાં પોલીસને મારવાની ઘટના અંગે ગઈકાલે બુધવાર બપોરથી મામલો ચર્ચામાં હતો. સોસીયલ મીડિયા સહીત સ્વતંત્ર મીડિયા, ડિજિટલ મીડિયાએ આ સમગ્ર મામલે નાનામાં નાની હકીકત આધાર પુરાવા સાથે (હોસ્પટલ MLC રિપોર્ટ અને ત્યારબાદ કરવામાં આવેલી FIR) સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. પરંતુ 'સાચવવાની કુટેવ' અને 'પ્રેસનોટ છાપી ખાવાની' આદત વાળા કચ્છના મિત્ર હોવાનો અને ભેખધારી પત્રકારત્વ કરતા હોવાની વારંવાર લવારી કરતા છાપા સહીતના અખબારોએ 'બેધડક' ન્યૂઝને દબાવીને હાજરી પુરવા પૂરતા લખીને તેમની સાથે વિશ્વાષ થી જોડાયેલા કચ્છના હજારો વાચકો સાથે દગો કર્યો હતો.