કચ્છ : પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરમાં નિયમ ભુલાયા ? ચૂંટણી પંચ અને સરકારના અર્થઘટનમાં તફાવત કેમ છે ?

સબ ઇન્સ્પેક્ટરની બદલીમાં ત્રણથી વધુ વર્ષ વાળા હજુ કચ્છમાં ફરજ બજાવે છે, IPS કહે છે, બધુ નિયમ મુજબ છે !

કચ્છ : પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરમાં નિયમ ભુલાયા ? ચૂંટણી પંચ  અને સરકારના અર્થઘટનમાં તફાવત કેમ છે ?

WND Network.Bhuj (Kutch) :- ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદભૅ ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા અધિકારીઓની બદલી અંગે કરવામાં આવેલી તીખી ટિપ્પણી બાદ પણ કેટલીક જગ્યાએ નિયમનું અર્થઘટન કરવામાં તફાવત જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ખાલી ગૃહ વિભાગની જ વાત કરીએ તો હાલમાં 500થી વધુ સબ-ઇન્સ્પેકટરથી માંડીને ઇન્સ્પેક્ટર તેમજ તેની ઉપરની રેન્કમાં ફરજ બજાવતા ઓફિસર્સમાં ચૂંટણી પંચની ગાઈડ લાઇન્સનું પાલન કરવામાં આવ્યું નથી. કચ્છ જિલ્લાની વાત કરીએ તો, અહીં તાજેતરમાં જ ચાર PSIને DGP દ્વારા બદલી નાખવામાં આવ્યા છે. તેમ છતાં ત્રણ પીએસઆઇની પોસ્ટીંગને લઈને મામલો વિવાદ પકડી રહ્યો છે. જો કે, જવાબદાર IPS અધિકારી દ્વારા આ મામલે ચૂંટણી પંચની સૂચનાનો અમલ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.    

મૂળ કચ્છના ચાર સબ ઇન્સ્પેક્ટરની ચૂંટણી પંચના નિયમ મુજબ ટ્રાન્સફર કર્યા પછી હજુ પણ ત્રણ PSI કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, જેમની નોકરીનો સમય ત્રણ વર્ષથી વધારેનો છે. જેમાં મોડ-2ની પરીક્ષા બાદ સબ ઇન્સ્પેક્ટરનું બઢતી મેળવનાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલને અન્ય પ્રમોટી અધિકારીઓની જેમ કચ્છ બહાર બદલ્યા વિના નખત્રાણા પોલીસ મથકમાં પોસ્ટિંગ આપવામાં આવેલું છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની ભરતી કચ્છમાંથી થયેલી છે. અને તેઓ વર્ષોથી કચ્છમાં જ ફરજ બજાવી રહ્યા છે. આ સિવાય તેમની ફરજનું સ્થળ નખત્રણા  અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. અબડાસા ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા તેમના સગા સાળા છે. જેને લઈને પણ પોલીસ બેડામાં ખાસ્સી એવી ચર્ચા છે. તેવી જ રીતે, પધ્ધર પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર વી.બી.ઝાલા તેમજ કોઠારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.પી.જાડેજાનો સમયગાળો પણ ત્રણ વર્ષથી વધારેનો છે.  

ચૂંટણી પંચનો આદેશ શું કહે છે ? :- કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પહેલી ઓગસ્ટ,2022ના રોજ હિમાચલ તેમજ ગુજરાતના મુખ્ય સચિવ તેમજ મુખ્ય ચૂંટણી અધિકારોને રાજ્યમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીમાં કેવા માપદંડ રાખવા તે માટેનો ચાર પેજનો એક લેટર પાઠવવામાં આવેલો છે. જેમાં અન્ય અધિકારીઓની સાથે સાથે સબ ઇન્સ્પેક્ટર રેન્કના પોલીસ અધિકારીઓ માટે પણ માપદંડ નક્કી કરવામાં આવેલા છે. જેમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, બદલી માટે પોલીસ વિભાગ નહીં પરંતુ રેવન્યુ ડીસ્ટ્રીકટ ધ્યાનમાં રાખવાનો છે. અને તેમાં જો કોઈ પોલીસ અધિકારી છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વર્ષથી વધુ સમય એક જ જિલ્લામાં હોય તો તેમને ટ્રાન્સફર કરવા પડશે. જેમાં પ્રમોશન સહિતનો સમય ગણવામાં આવશે. કમિશને એમ પણ ઉલ્લેખ કર્યો છે કે, જો જિલ્લો નાનો ન હોય તો તેમને ડિવિઝનમાં બદલવા જયાં એક જ વિધાનસભા ક્ષેત્ર ન આવતું હોય.

ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ ટ્રાન્સફર થઈ છે :- પશ્ચિમ કચ્છમાં ત્રણ સબ ઇન્સ્પેક્ટરને ન બદલવા અંગે ભુજ એસપી સૌરભસિંગે જણાવ્યું હતું કે, અમે ત્રણેય કેસની ચકાશણી કરેલી છે. અને તેમાં ક્યાંય પણ નિયમનો ઉલ્લંઘન નથી. અમે નિયમ પ્રમાણે ડીવીજન બદલી નાખ્યા છે. ભુજ એલસીબીના સબ-ઇન્સપેકર હિંગોરના કેસમાં મામલો અમારા ધ્યાન બહાર ગયો હતો. જેને અમે પાછળથી સુધારી નાખ્યો છે.