Election Commissioner : યસ બોસ, બોલો કયારે અને કેવી રીતે કરવી છે લોકસભા માટેની ચૂંટણી !

જેમની નિમણુંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી એ હવે તેમની (મોદીની) ચૂંટણી કરાવશે, જાણો કયારે જાહેર થાય છે ચૂંટણીની તારીખો

Election Commissioner : યસ બોસ, બોલો કયારે અને કેવી રીતે કરવી છે લોકસભા માટેની ચૂંટણી !

WND Network.New Delhi : ભારતીય ચૂંટણી પંચના કમિશનરની નિમણુંક કરવા અંગેના સુપ્રિમ કોર્ટના આદેશને સંસદમાં બહુમતીથી બદલી નાખ્યા બાદ મોદી સરકારે બનાવેલા નવા કાયદા મુજબ કેન્દ્રની ચૂંટણી પંચમાં બે નવા કમિશનરની નિમણુંક કરી છે. જેને પગલે વિપક્ષ એવો આક્ષેપ કરી રહ્યો છે કે, મોદી સરકારે તેમના ખાસ, માનીતા અને 'યસ મેન' કહી શકાય તેવી નિમણુંક કરી છે. નવા કાયદા મુજબ ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવાની કમિટીમાં વડાપ્રધાન ઉપરાંત તેમણે સૂચવેલા કેબિનેટ મિનિસ્ટર અને વિપક્ષના નેતાને રાખવામાં આવ્યા છે. આમ ત્રણ સભ્યોની કમિટીમાં સરકારનું જ વર્ચસ્વ રહેલું હોવાને કારણે મોદી સરકાર સામે આક્ષેપ થઇ રહ્યા છે. સરકારે નવો કાયદો બનાવ્યો તે અગાઉ સુપ્રિમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે, કમિટીમાં વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને વિપક્ષના નેતાને રાખવામાં આવે. પરંતુ સરકારે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને હટાવીને તેમના સ્થાને સરકારના કેબિનેટ મંત્રીને રાખવાનો નવો કાયદો ઘડી કાઢ્યો હતો. 

નવા કાયદા મુજબ ચૂંટણી પંચમાં ખાલી પડેલી બે પોસ્ટ માટે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા અધિરરંજન ચૌધરીની સિલેક્શન કમિટીમાં સુખબીર સંધુ અને જ્ઞાનેશકુમારના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. વિપક્ષના નેતા અધિરરંજન ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, માત્ર દસ મિનિટ દરમિયાન મારી સમક્ષ છ નામ મુકવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ IAS અધિકારીઓ સુખબીર સંધુ અને જ્ઞાનેશકુમારના નામ ઉપરાંત ઉત્પલકુમાર સિંહ, પ્રદીપકુમાર ત્રિપાઠી, ઇન્દીવર પાંડે અને ગંગાધર રાહતના નામ હતા. આ છ નામને એક દિવસ પહેલા જ કેન્દ્રના કાયદા મંત્રી અર્જુન મેઘવાળની સર્ચ કમિટીએ 212 નામનાથી શોર્ટ લિસ્ટ  કરવામાં આવ્યા હતા. આખરી પસંદગી કરવાની કમિટીમાં સરકારની જ બહુમતી હતી એટલે તેમણે એવા બે નામ પસંદ કાર્ય જે તેમને અનુકૂળ હતા, તેમના ખાસ અને માનીતા હતા. 

ઉલ્લેખનીય છે કે, જે પૂર્વ IAS અધિકારીને ચૂંટણી કમિશનર તરીકે પસંદ કરવામાં આવ્યા છ તે એક જ બેચ 1988ની વર્ષના અધિકારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં મંત્રી અમિત શાહ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતા જ્ઞાનેશ કુમારના જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં કાશ્મીર ડિવિઝનના ઈન્ચાર્જ હતા. તેમના કાર્યકાળમાં જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. ૧૯૮૮ બેચના અધિકારી જ્ઞાનેશ કુમાર મે ૨૦૨૨માં સહકારિતા મંત્રાલયના સચિવ બનાવાયા હતા. જ્ઞાનેશ કુમારને સહકારિતા મંત્રાલયમાં દેવેન્દ્ર કુમાર સિંહની જગ્યાએ તૈનાત કરાયા હતા. તેઓ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થયા હતા. જ્ઞાનેશ કુમારે ગૃહ મંત્રાલય અને સહકારિતા મંત્રાલયમાં સચિવ પદે અમિત શાહ સાથે કામ કર્યું હતું.

અન્ય ચૂંટણી કમિશનર સુખવિંદર સિંહ સંધુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે કામ કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૨૧માં મુખ્યમંત્રી બનવાની સાથે પુષ્કરસિંહ ધામીએ સંધુની મુખ્ય સચિવપદે નિમણૂક કરી હતી. ઉત્તરાખંડના મુખ્ય સચિવ બનતા પહેલા સંધુ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી એનએચએઆઈના અધ્યક્ષ હતા. એનએચએઆઈના અધ્યક્ષ તરીકે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી. સુખબિર સિંહ સંધુ પણ ૧૯૮૮ની બેચના ઉત્તરાખંડના આઈએએસ અધિકારી હતા.

મોદી સરકારની એકદમ નજીક રહી ચૂકેલા આ બંને ચૂંટણી કમિશનર ભારતીય ચૂંટણી પંચમાં રહીને મુક્ત અને ન્યાયી લોકસભા માટેની આગામી ચૂંટણી માટે કામગીરી કરશે. 

કાલે બપોરે ચૂંટણીની તારીખોનું એલાન થશે, આચાર સંહિતા પણ લાગુ થઇ જશે : ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ટવીટ કરીને જાણકારી આપી છે કે, આવતીકાલે શનિવારે બપોરે ત્રણ વાગે મીડિયા સાથેની મિટિંગ રાખવામાં આવી છે. જેમાં લોકસભા તેમજ અન્ય પેટા ચૂંટણીઓ માટેની તારીખની  જાહેરાત કરવામાં આવશે. અને તારીખોના જાહેરાતથી જ તત્કાલ પ્રભાવથી ચૂંટણી અંગેની આચાર સંહિતા પણ સમગ્ર દેશમાં લાગુ પડી જશે.  

આવતીકાલે બપોર સુધીમાં સરકાર બદલીઓ સહિતના કામ 'પતાવી' નાખશે : ચૂંટણી જાહેરાત અને આચાર સંહિતાના અમલવારી પહેલા પંચના આદેશ મુજબ રાજ્યોને ટ્રાન્સફર અંગેના હુકમ કરવામાં આવી ચુક્યા છે. ગુજરાતની વાત કરીએ તો IAS કેડર અને અન્ય પોસ્ટીંગમાં ફેરફાર કરી દેવામાં આવેલા છે. પરંતુ IPS લેવલની ટ્રાન્સફર હજુ થઇ નથી. એટલે એવું અનુમાન છે કે, આવતકાલે બપોરે ત્રણ વાગ્યા પહેલા ગુજરાત પોલીસમાં મોટા પાયે IPS સહિતની બદલીઓ કરવામાં આવી શકે છે.