Row over Congress Advertisement : કોંગ્રેસનો અખબારો ઉપર ગંભીર આક્ષેપ, નરેન્દ્ર મોદીથી ડરેલા છાપાઓએ અમારી જાહેરાત પણ ન લીધી, જુઓ કોંગ્રેસનો વિડીયો

ભેખધારી પત્રકારત્વના બણગાં ફૂંકતા અખબારો વિપક્ષના ન્યૂઝ તો નથી લેતા, હવે ઇલેકટોરલ બોન્ડ્ઝ અંગેના આક્ષેપવાળી કોંગ્રેસે આપેલી પૅઈડ જાહેરાત પણ ન લીધી

WND Network.New Delhi : ભારતીય લોકશાહીના અત્યાર સુધીના ઇતિહાસમાં ન થયું હોય તે હવે જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારના પ્રભાવ અને ડરમાં રહીને મીડિયા, ખાસ કરીને પ્રિન્ટ અને ચેનલો સરકારના ખોળે બેસી ગઈ હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે, ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા દેશના અમુક અખબારો સામે એવો આક્ષેપ કર્યો છે કે, ન્યૂઝ પેપરવાળા અમારા ન્યૂઝ લેતા તો ડરતા હતા હવે અમારી પેઈડ જાહેરાત પણ લેતા નથી. ઇલેકટોરલ બોન્ડ્ઝ અંગેના ભાજપ સામેના આક્ષેપવાળી કોંગ્રેસે આપેલી પૅઈડ જાહેરાતને પબ્લિશ ન કરવાને મુદ્દે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ લગાવેલો આ સૌથી મોટો અને અત્યાર સુધીનો ગંભીર આક્ષેપ છે. 

કોંગ્રેસ દ્વારા અખબારોને આપવામાં આવેલી જાહેરાત અંગે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઇલેકટોરલ બોન્ડ્ઝએ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું ખંડણી જેવું રેકેટ છે. 'ચંદા દો, ધંધા લો'ના સૂત્રવાળી કોંગ્રેસની આ જાહેરાતમાં અરબો રૂપિયાનું ઇલેકટોરલ બોન્ડ્ઝ જેને મળ્યું છે તેવી સત્તાધારી ભાજપ સરકારને  વસૂલી સરકાર કહીને આ વખતની ચૂંટણી દરમિયાન તેને બદલી નાખવાની પણ કોંગ્રેસ દ્વારા હાકલ કરવામાં આવી છે. 

કોંગ્રેસના ઓફિશિયલ X મીડિયા (ટવીટર) એકાઉન્ટ ઉપર અખબારો દ્વારા જાહેરાત ન લેવા અંગેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશ સહીત કોંગ્રેસના મહિલા નેતા અને પ્રવકતા સુપ્રિયા શ્રીનેત અને અલકા લાંબાએ પણ વિડિઓ અને પોસ્ટ દ્વારા આક્ષેપ કર્યો છે કે, અખબારો પહેલા અમારા ન્યૂઝ લેતા ન  હતા. પરંતુ હવે તો અમારી જાહેરાત પણ લેતા નથી. દેશના તમામ મોટા અખબારોને આ જાહેરાત મોકલવામાં આવી હતી. પરંતુ મોટાભાગ એ આ જાહેરાત પ્રસિદ્ધ કરવાની હિંમત બતાવી નથી. કારણ કે તાનાશાહે મુખ્ય ધારાના મીડિયાને પોતાનું ગુલામ બનાવી દીધું છે. અને હવે તો મીડિયાનો એક જ નારો હોય તેમ લાગે છે કે, 'ખબર વહી, જિસમેં મોદી દીખે સહી'.