Summons to Gautam Adani : લાંચ કેસમાં અદાણીને અમદાવાદમાં સમન્સની બજવણી થશે, મોદી સરકારના ગૃહમંત્રાલયે લીલી ઝંડી આપતા સમન્સની જવાબદારી અમદાવાદની કોર્ટને સોંપાઈ

અમેરિકન સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશનના 2100 કરોડના લાંચ કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી

Summons to Gautam Adani : લાંચ કેસમાં અદાણીને અમદાવાદમાં સમન્સની બજવણી થશે, મોદી સરકારના ગૃહમંત્રાલયે લીલી ઝંડી આપતા સમન્સની જવાબદારી અમદાવાદની કોર્ટને સોંપાઈ

WND Network.New Delhi : ભારતના સૌથી મોટા અને ચર્ચાસ્પદ રહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ને અમદાવાદની કોર્ટ દ્વારા અમેરિકામાં થયેલા કરોડો રૂપિયાના લાંચ કેસ અંગે અમદાવાદમાં સમન્સની બજવણી કરવામાં આવશે. અમેરિકાની ન્યૂયોર્કની કોર્ટે દ્વારા મોકલવામાં આવનારા સમન્સની બજવણી અંગે કેન્દ્રની મોદીભાઈ (PM Narendra Modi) ની સરકારના ગૃહમંત્રાલયે લીલી ઝંડી આપતા સમન્સ બજાવવાની જવાબદારી અમદાવાદની કોર્ટને સોંપવામાં આવી હોવાના મીડિયા રિપોર્ટ્સ પ્રાપ્ત થઇ રહ્યા છે. અમેરિકન સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશન (US Security and Exchange Commission - SEC)ના 2100 કરોડના લાંચ કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણી(Sagar Adani) સહીત અદાણી ગ્રીન્સ (Adani Green Energy Limited - AGL)સામે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. ભારતમાં અદાણી સમૂહ સામે કોઈ બોલી પણ શકતું નથી ત્યારે અમેરિકન સમન્સ બજવણીના સમાચારથી ભારતના લોકો નવાઈ પામ્યા છે

વર્ષ 2024માં નવેમ્બર મહિનામાં યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી સામે લાંચ આપવા અંગેનો કેસ કર્યો હતો. જેમાં સાગર અદાણી અને અદાણી ગ્રીન લિમિટેડ કંપનીના અન્ય એક્ઝિક્યૂટિવ્સને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. જેમાં સરકારી અધિકારીઓને લાંચ આપીને અદાણી દ્વારા પોતાની તરફેણમાં પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ થયો હોવાનો સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો હતો.  

જો કે ત્યારબાદ અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ ૧૯૭૭ને ૧૮૦ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે ભારતમાં લોકો એવું માનતા હતા કે, અદાણી આ કેસમાંથી બચી જશે. અલબત્ત અમેરિકન સિક્યોરિટી એક્સચેન્જ દ્વારા કોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પનો આ નિર્ણય અગાઉના કેસો પર લાગુ નહીં થાય. જેથી આ કેસમાં અદાણીને હાલ કોઇ રાહત મળે તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. 

ઉદ્યોગપતિ અદાણી સામે મોદીભાઈને કેમ કાર્યવાહી કરવી પડશે ? : વર્ષ ૧૯૬૫ના હેગ કન્વેંશન મુજબ કોઇ પણ દેશના નાગરિક સામે વિદેશમાં કોઇ કેસ ચાલતો હોય તો તેના દસ્તાવેજોને તેના સુધી પહોંચાડવામાં જે તે દેશ નાગરિકના દેશ પાસેથી મદદ લઇ શકે છે. આ કન્વેંશનના ભાગરુપે અમેરિકાથી આ સમન્સ ભારત મોકલવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે. 

અમેરિકન સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશન કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે કરવામાં આવેલા મામલામાં અમેરિકા તરફથી તપાસ માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગવામાં આવી હતી. સાથે જ અદાણીને લઇને સમન્સ નોટિસ પણ મોકલવામાં આવી હતી. એટલે હાલ આ સમન્સને કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટને મોકલવામાં આવ્યા છે અને તેને અમદાવાદ સ્થિત અદાણીના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવે તેમ કોર્ટને જણાવાયું છે. 

અંગ્રેજી દૈનિક ધ હિન્દુના રિપોર્ટ મુજબ, કેન્દ્રની મોદીભાઈની સરકારે સ્પષ્ટતા કરી છે કે, અમેરિકાથી આવેલા સમન્સ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તેને અમદાવાદની કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હેગ કન્વેંશનનું પાલન થયું હોવાની પણ ખરાઇ કરવામાં આવી હતી.

શું છે અદાણી સામેના કરોડો રૂપિયાની લાંચનો મામલો ?  : થોડા સમય પહેલા જ અદાણી ગ્રુપ સામે ભારતીય સરકારી અધિકારીઓને ₹ 2000 કરોડની લાંચ આપવાનો ગંભીર આરોપ મુકવામાં મામલો હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસની ગુજરાતી વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં એવો દાવો  કરવામાં આવ્યો હતો કે, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અન્ય સાત લોકો પર 20 વર્ષમાં $2 બિલિયનનો નફો ધરાવતા કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભ્રષ્ટાચારનો આરોપ છે. 

રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને (US SEC) અદાણી ગ્રુપના વડા પર મોટી છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂક્યો છે. SECનો આરોપ છે કે ગૌતમ અદાણીએ અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં યુએસ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અન્ય સાત લોકો પર 20 વર્ષમાં $2 બિલિયનનો નફો ધરાવતા કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભ્રષ્ટાચારનો આરોપ છે. ભારતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે $265 મિલિયનની લાંચ આપવાનો આરોપ છે. 

આરોપમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, અદાણી અને અન્ય અદાણી ગ્રીન એનર્જી એક્ઝિક્યુટિવ, ભૂતપૂર્વ CEO વિનીત જૈને ધિરાણકર્તાઓ અને રોકાણકારોથી તેમના ભ્રષ્ટાચારને છુપાવીને $3 બિલિયનથી વધુની લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા.

SECના આરોપમાં જણાવાયું હતું કે, કેટલાક કાવતરાખોરોએ ગૌતમ અદાણીને નુમેરો યુનો અને ધ બિગ મેન નામથી વ્યક્તિગત રીતે સંબોધિત કર્યા હતા, જ્યારે સાગર અદાણીએ કથિત રીતે લાંચ વિશે માહિતી મેળવવા માટે સેલફોનનો ઉપયોગ કર્યો હતો.

માત્ર 'ગુજરાત સમાચાર' અખબારે પહેલા પાને ન્યૂઝ લીધા, બાકીનાએ બેઘડક છુપાવ્યા, કેટલાકે દબાવ્યા : ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં અદાણી સહિતના અમુક ઉદ્યોગપતિઓનું ખરાબ લાગતું હોય તેવા ન્યૂઝ ગુજરાતી મીડિયા જગતમાં આવતા નથી. સૌથી વધુ ફેલાવો ધરાવતા અને લોકોની વિશ્વસનીયતાની દૃષ્ટિએ મોખરે રહેલા ગુજરાતી અખબાર 'ગુજરાત સમાચારે' અદાણીના સમન્સ અંગેના ન્યૂઝ પહેલા પાને પ્રસિદ્ધ કર્યા છે. જયારે કચ્છથી પ્રસિદ્ધ થતા અન્ય અખબારોએ બેઘડક આ ન્યૂઝ છાપ્યા નથી. પીળા પત્રકારત્વ અંગેની ડંફાસ મારતા કચ્છના એક જિલ્લા કક્ષાનું અખબાર તો જાણે અદાણીનું મિત્ર હોય તે રીતે અદાણીને અસર કરતા ન્યૂઝની સાથે અન્ય ન્યૂઝ ભેળવીને વાચકોને ગેરમાર્ગે દોરીને એવો ડોળ કરે છે કે, જાણે કોઈને કાંઈ ખબર ન પડતી હોય.