મોદી અટક કેસઃ રાહુલ ગાંધીનો કેસ ચલાવી રહેલા ગુજરાત હાઈકોર્ટના જજ નરોડા કેસમાં BJP નેતા માયા કોડનાનીના વકીલ હતા
સુરતની જે એડિશનલ સેશન્સ કોર્ટના જજ રોબિન મોગેરાએ રાહુલ ગાંધીની અપીલ રિજેક્ટ કરી તે નકલી એન્કાઉન્ટર કેસમાં ભાજપના નેતા અમિત શાહના વકીલ હતા
WND Network.New Delhi : સુરતની સેશન્સ કોર્ટે દ્વારા 'મોદી સરનેમ' અંગેના બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધા બાદ હવે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે. સુરત કોર્ટના હુકમ સામે રાહુલ ગાંધીએ ગુજરાતની વડી અદાલતમાં અપીલ કરી છે. જયાં તેની સુનાવણી જસ્ટિસ હેમંત એમ. પ્રચક કરી રહ્યા છે. જો કે, જસ્ટિસ હેમંતે પ્રાથમિક સુનાવણીમાં કોઈ સ્ટે આપ્યો નથી. હિન્દી ન્યૂઝ પોર્ટલ 'ધ વાયર'ના એક રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ હેમંત વર્ષ 2002ના ગુજરાત રમખાણો સંબંધિત કેસમાં આરોપી એવા ભાજપના ભૂતપૂર્વ મંત્રી માયા કોડનાનીનો બચાવ કરતા વકીલોમાંના એક હતા.
જસ્ટિસ હેમંતે એક વકીલ તરીકે ફેબ્રુઆરી 2002માં અમદાવાદના નરોડા પાટિયા અને નરોડા ગામ વિસ્તારમાં રમખાણો સંબંધિત કેસમાં ભાજપ નેતા માયા કોડનાનીનો બચાવ કર્યો હતો. આ પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સહિત 100થી વધુ મુસ્લિમો માર્યા ગયા હતા.
જસ્ટિસ હેમંતે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યારબાદ તેમને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકારમાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણુંક કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા પછી, તેમને ગુજરાત હાઈકોર્ટ માટે કેન્દ્ર સરકારના વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે વર્ષ 2019 સુધી આ જવાબદારી સંભાળી હતી. ત્યાર પછી તેમને વર્ષ 2021માં ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સુરત સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેની પ્રથમ સુનાવણી દરમિયાન જ જસ્ટિસ ગીતા ગોપીએ 'નોટ બીફોર મી' કહીને આ કેસની સુનાવણીથી દૂર રહ્યા હતા. ત્યારબાદ આ કેસ જસ્ટિસ હેમંત એમ. પ્રચક સમક્ષ આવ્યો હતો.
13મી એપ્રિલના રોજ 'ધ વાયરે' એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં સુરતની જે એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની અપીલ રિજેક્ટ કરવામાં આવી હતી તે અંગે માહિતી આપવામાં આવી હતી. જે એડિશનલ સેશન્સ કોર્ટના જજ રોબિન મોગેરાએ રાહુલ ગાંધીની અપીલ રિજેક્ટ કરી તેમણે ગુજરાતના ચર્ચિત તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં ભાજપના નેતા અને હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના વકીલ તરીકે સેવા આપી હતી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, જજ મોગેરાએ વકીલ તરીકે ઓછામાં ઓછા વર્ષ 2014 સુધી અમિત શાહનું પ્રતિનિધિત્વ કર્યું હતું હતું. જયાં સુધી આ કેસ મુંબઈની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટમાં ચાલી રહ્યો હતો.
'મારી રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે' - રાહુલ ગાંધી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી ગુજરાત હાઇકોર્ટમાં સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી. તેમણે કોર્ટને કહ્યું હતું કે, અરજદાર (રાહુલ ગાંધી) સામે જામીનલાયક અને કોગ્નીઝેબલ ગુન્હો છે. અને તેથી જો સજા સામે સ્ટે આપવામાં નહીં આવે તો તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે. જે ભારતની લોકશાહીનું હનન કહેવાશે. સ્ટે ન મળવાના સંજોગોમાં અરજદારને (રાહુલ ગાંધી) કયારેય ભરપાઈ ન થઈ શકે તેવું ગંભીર નુકશાન થશે. જેને પાછળથી દુનિયાની કોઈ કોર્ટ ભરપાઈ પણ નહીં કરી શકે. રાહુલ ગાંધી ભારતની સંસદમાં આવી જ ન શકે તેવા બદઈરાદાથી આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવેલી છે તેવી દલીલ પણ રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કરી હતી. જો કે, હાઈકોર્ટે હજુ આ કેસમાં સ્ટે આપ્યો નથી. અને ફરિયાદી પૂર્ણેશ મોદીને દસ્તાવેજો સહીત સોગંધનામુ રજુ કરવા માટે કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી મંગળવારે રાખવામાં આવી છે.
'રાહુલના નિવેદન મર્યાદામાં હોવા જોઈએ' જસ્ટિસ હેમંત એમ. પ્રચક : ખીચોખીચ ભરાઈ ગયેલા કોર્ટરૂમ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે, તેઓ સાંસદની રૂએ લોકશાહી પ્રણાલીમાં મળેલા અધિકારો હેઠળ ભાષણ આપ્યું હતું. ત્યારે જસ્ટિસ હેમંત દ્વારા એવી માર્મિક ટકોર કરવામાં આવી હતી કે, અરજદાર (રાહુલ ગાંધી) લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ તેમણે શું બોલવું તે અંગેની જવાબદારી વધી જાય છે. કારણ કે, તેમના ભાષણનો લોકો ઉપર પ્રભાવ પડતો હોય છે. સેશન્સ કોર્ટના ચુકાદાને લઈને પણ જયારે રાહુલ તરફથી રજૂઆત કરવામાં આવી ત્યારે જસ્ટિસ હેમંતે તેમના વકીલને કહ્યું હતું કે, સેશન્સ કોર્ટે સુપ્રીમ કોર્ટની ગાઈડ લઈને ધ્યાનમાં લીધી છે.