Fake Gazette Order : ખરેખર હવે તો હદ થાય છે, ચૂંટણી કમિશનરની નિમણુંક અંગેના ગેઝેટનો ઓર્ડર પણ નકલી !

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતની ઘડીઓ વચ્ચે ચૂંટણી કમિશનરની નિમણુંકનો ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ થયો, PIB ફેક્ટ ચેકમાં થયેલો ખુલાસો

Fake Gazette Order : ખરેખર હવે તો હદ થાય છે, ચૂંટણી કમિશનરની નિમણુંક અંગેના ગેઝેટનો ઓર્ડર પણ નકલી !

WND Network.New Delhi : નકલી અંગેની વણથંભી વણઝાર વચ્ચે આજે ભારતીય ચૂંટણી પંચમાં બે ઈલેક્શન કમિશનરની નિમણુંક કરવામાં આવી હોવાનો ભારતીય ગેઝેટનો નકલી ઓર્ડર વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો.  જેને લઈને ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મવશન બ્યુરોના ફેક્ટ ચેક કરવાના માધ્યમથી તેની ખરાઈ કરીને ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આવો કોઈ ઓર્ડર થયો નથી. ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી અરુણ ગોયલ નામના ચૂંટણી આયુક્ત દ્વારા રાજીનામુ આપી દીધા બાદ કમિશનરની બે પોસ્ટ ખાલી છે અને ટૂંક જ સમયમાં તે અંગેની જાહેરાત થવાની છે તેવામાં ભારતીય રાજપત્રના આ નકલી ઓર્ડરને લઈને અમુક કલાકો સુધી સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.  

ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં નકલી PMOના ઓફિસરથી શરુ થયેલી વણથંભી વણઝારમાં ઘણું બધુ નકલી બહાર આવી ચૂક્યું છે ત્યારે બે ઈલેક્શન કમિશનરની નિમણુંકનો નકલી ઓર્ડર મીડિયા અને સરકારી અધિકારીઓના સોશિયલમાં વાયરલ થયો હતો. જેને પ્રથમ નજરે જોતા સાચુકલો લાગે તેમ હતો. પરંતુ તેમાં લખવામાં રહેલી ભાષા અને દેખાવમાં તે નકલી હોવાનું કેટલાક હોંશિયાર અધિકારીઓ પામી ગયા હતા. બીજી બાજુ હજુ કેન્દ્ર સરકારની સર્ચ કમિટી દ્વારા ચૂંટણી કમિશનરની પેનલ તૈયાર કરવાની બાકી છે અને તેના માટે આગામી 15મી માર્ચ સુધીમાં વડાપ્રધાનની અઘ્યક્ષતામાં બેઠક થવાની છે તે મુજબના સમાચાર પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ પણ છે. 

ખેર જે હોય તે, સરકાર આ પ્રકારના નકલી ઓર્ડર બનાવીને વાયરલ કરનારાઓની સામે કાર્યવાહી કરે છે કે નહીં તેને બાદ કરીને પણ સમગ્ર મામલાને જોઈએ તો એક વાત તો ચોક્કસ છે કે, લોકસભા માટેની આગામી ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે.