Fact Check of PM Narendra Modi Election Speech : વડાપ્રધાન મોદી ભારતના એવા પહેલા PM છે જેઓ તેમના ચૂંટણી ભાષણોમાં સતત ખોટું બોલી રહ્યા છે !
21 થી 25 એપ્રિલની વચ્ચે દેશના વિવિધ ભાગોમાં યોજાયેલી ચૂંટણી રેલીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણોને ચેક કરતા ખબર પડી કે તેમણે લોકો સમક્ષ સતત જુઠ્ઠાણા જ ફેલાવ્યા છે
WND Network.New Delhi : મંગળસૂત્ર તથા કોંગ્રેસ દેશના લોકોની સંપત્તિ પડાવી લઈને તેને લઘુમતીઓને વહેંચી દેશે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવાદિત ચૂંટણી ભાષણ લઈને સતત વિવાદ થઇ રહ્યો છે. લોકો પણ સોશિયલ મીડિયામાં તેની ટીકા કરી રહ્યા છે. ત્યારે દેશના જુદા જુદા ભાગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ભાષણો The Wire એ એક ન્યૂઝ રિપોર્ટ પબ્લિશ કર્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચૂંટણી સભાઓમાં સતત વારંવાર ખોટું બોલ્યા છે. પીએમ મોદીના આ ભાષણો 21 એપ્રિલથી 25 એપ્રિલ વચ્ચેના સમયગાળા દરમિયાન બાંસવાડા, અલીગઢ, ટોંક સવાઈ માધોપુર, સાગર. સરગુજા, બૈતુલ, આગ્રા, મુરૈના અને આંવલા ખાતે સભામાં આપવામાં આવ્યા હતા. The Wire એ 'સ્ક્રોલ' ના આધારે આ ન્યૂઝ રિપોર્ટ તૈયાર કર્યો છે. કદાચ આ પહેલી વખત છે જેમાં અત્યાર સુધીના ભારતના કોઈ વડાપ્રધાન અંગેની આવી કોઈ હકીકત બહાર આવી હોય.
21મી એપ્રિલના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ રાજસ્થાન બાંસવાડાની ચૂંટણી સભામાં એવું કહ્યું હતું કે, કોંગ્રેસ લગ્ન કરેલી હિન્દૂ મહિલાઓના મંગળસૂત્ર સહિતની સંપત્તિઓનો સર્વે કરશે. ત્યારબાદ આ સંપત્તિને જપ્ત કરીને તેને મુસ્લિમોને વહેંચી દેવામાં આવશે. આવું કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું હોવાની વાત મોદીએ જાહેર સભામાં કરી હતી.
હકીકત એ છે કે, મહિલાઓના મંગળસૂત્રની વાત તો ઠીક પરંતુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આ પ્રકારે કોઈની પણ સંપત્તિને જપ્ત કરવાની વાત સુદ્ધાનો ઉલ્લેખ નથી.
આજ સભામાં મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે, અગાઉની કોંગ્રેસ સરકારે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. હકીકત એ છે કે, કોંગ્રેસના મનમોહનસિંહ આવું કાંઈ બોલ્યા જ નથી. મોદીએ તે વખતના પીએમ મનમોહનસિંહના વર્ષ 2009માં આપેલા ભાષણને જાણી જોઈને ફેરફાર કરીને બોલ્યા હતા. જેમાં મનમોહનસિંહે માત્ર ધાર્મિક લઘુમતીઓ જ નહીં પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, મહિલાઓ અને બાળકો સહિત તમામ વંચિત વર્ગોના ઉત્થાનની જરૂરિયાત વિશે વાત કરી હતી.
મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ તમારી સંપત્તિ લઈ લેશે અને તેને 'ઘૂસણખોરો' અને 'જેના વધુ બાળકો છે' તેમને વહેંચી દેશે. અહીં મોદીનો સ્પષ્ટ ઇશારો દેશના લઘુમતી સમુદાયના મુસ્લિમો તરફ હતો.
હકીકતમાં જોવા જઈએ તો ભારતમાં મુસ્લિમો 'ઘૂસણખોર' છે તેવા દાવા માટે કોઈ જ આધાર પુરાવા નથી. ખુદ મોદી સરકારે સંસદમાં કહેલું છે કે, તેમની સરકાર પાસે આવી કોઈ જ પ્રકારની માહિતી નથી. તો શા માટે મોદીએ જાહેરમાં આવું ખોટું નિવેદન કરું હશે ?
22મી એપ્રિલ અલીગઢની જાહેર સભામાં વડાપ્રધાન મોદી એ ફરીથી એ જ જુઠને રિપીટ કરીને એવો દાવો કર્યો હતો કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખાનગી સંપત્તિનો સર્વે અને જપ્ત કરવાની વાત કરવામાં આવી છે. મોદીએ સભામાં આગળ કહ્યું હતું કે, 'કોંગ્રેસના રાજકુમાર (કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી) કહે છે કે જો તેમની સરકાર આવશે, તો તેઓ તપાસ કરશે કે કોણ કેટલું કમાય છે, કોની પાસે કેટલી મિલકત છે, કોની પાસે કેટલા પૈસા છે, કોની પાસે કેટલા ઘર છે. એટલું જ નહીં, તે આગળ કહે છે કે સરકાર આ મિલકતોનો કબજો લેશે અને દરેકને વહેંચી દેશે.
હકીકતમાં જોવા જઈએ તો, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આવી કોઈ જ વાત કહેવામાં આવી નથી. 6 એપ્રિલે કોંગ્રેસનો મેનિફેસ્ટો બહાર પાડતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'અમે દેશનો એક્સ-રે કરીશું. જેથી ખબર પડે કે, પછાત વર્ગો, દલિતો, આદિવાસીઓ, સામાન્ય વર્ગના ગરીબ લોકો અને લઘુમતીઓનો દેશમાં હિસ્સો શું છે.
આ સભામાં મોદીએ એમ પણ કહ્યું કે, જો કોંગ્રેસ ખબર પડશે કે ગામડામાં તમારું પૈતૃક ઘર છે અને તમે શહેરમાં પણ નવું લીધું છે તો બેમાંથી એક ઘર પડાવીને અન્ય લોકોને આપી દેશે. મોદીએ આગળ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ તમારી મહેનતના પૈસા અને તમારી સંપત્તિ પર પોતાનો પંજો મારવા માંગે છે.
હકીકતમાં આવું કાંઈ નથી. કોંગ્રેસે જમીન ટોચમર્યાદા કાયદા હેઠળ ગરીબોને સરકારી જમીન અને ફાજલ જમીનના આપવાની સિસ્ટમ ઉપર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટીની રચના કરવાની વાત કરી છે. કોંગ્રેસની આવી જાહેરાત કદાચ દેશમાં નવી ક્રાંતિ લાવશે. કારણ કે, ભારતનાં ગુજરાત સહિતના રાજ્યોમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં છે. આ કાયદાને 1960માં સામાજિક અસમાનતા દૂર કરવાના આશયથી લાવવામાં આવેલો છે. જો કાયદો ખોટો અથવા તેમાં ખામી છે તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદી કેમ કાંઈ બોલ્યા નથી ? અને આવી પાયા વિહોણી વાતો ચૂંટણી સમયે કરી રહ્યાં છે ?
23મી એપ્રિલના રોજ રાજસ્થાનના ટોંક સવાઈ માધોપુરમાં મોદીએ ફરી એ જ જૂની કેસેટને બીજા રાગમાં વગાડીને દાવો કર્યો કે, જો તમારા ઘરમાં રાખવામાં આવેલા અનાજ બાજરીમાં અંદર કંઈપણ રાખવામાં આવ્યું છે, તો તે પણ એક્સ-રે દ્વારા શોધવામાં આવશે. મોદીએ તેમના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે, જો તમારી પાસે જરૂરિયાથી વધારે સંપત્તિ હશે તો તેની ઉપર કોંગ્રેસ કબ્જો કરી લેશે અને પછી તેને વહેંચી દેશે. જો તમારી પાસે બે ઘર હશે તો કોંગ્રેસ સરકાર તેનો એક્સ રે કરીને એક ઘર લઇ લેશે.
હકીકતમાં કોંગ્રેસના ઢંઢેરામાં કે તેના નેતાઓના ભાષણોમાં સરકાર દ્વારા લોકોના મકાનો જપ્ત કરવાનો અને વહેંચવાનો કોઈ જ ઉલ્લેખ નથી.
આ જ સભાના ભાષણમાં મોદીએ તેમના દ્વારા કરવામાં આવેલા અગાઉના ખોટા દાવાને ફરીથી હવા આપતા કહ્યું કે, 'મનમોહનજીએ કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે'.
હકીકતમાં જોવા જઈએ તો, મનમોહન સિંહનું ઉપરોક્ત ભાષણ વડાપ્રધાન કાર્યાલય દ્વારા રાખવામાં આવેલા સંગ્રહમાં ઉપલબ્ધ છે. તે સમયે પણ વડાપ્રધાન કાર્યાલય દ્વારા સ્પષ્ટતાકરવામાં આવી હતી કે, દેશના સંસાધનો પરનો પ્રથમ અધિકાર માત્ર મુસ્લિમો નહીં પરંતુ SC, ST, OBC, મહિલાઓ, બાળકોનો છે. જેનો ઉપયોગ તેમની પ્રગતિ કરવા માટેનો છે.
24મી એપ્રિલના સાગરની સભામાં મોદીએ દાવો કર્યો હતો કે, કર્ણાટકમાં કોંગ્રેસે ગેરકાયદેસર રીતે ધર્મના આધારે અનામતની વ્યવસ્થા કરી છે. મોદીએ એમ પણ કહ્યું કે, ‘કોંગ્રેસે તમામ મુસ્લિમોને ઓબીસી ક્વોટામાં મૂક્યા અને ઓબીસી આરક્ષણનો મોટો હિસ્સો છીનવી લીધો અને ધર્મના આધારે તેમને આપ્યો.’
હકીકતમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 1962માં ધર્મના આધારે નહીં પરંતુ આર. નાગણા ગૌડા કમિશનની ભલામણ પર મુસ્લિમ સમુદાયની કેટલીક (તમામ નહીં) જાતિઓને ઓબીસીમાં સામેલ કરવામાં આવી હતી. અને આ વ્યવસ્થા તો મૈસુરના મહારાજાએ 1921માં મુસ્લિમો માટે આરક્ષણની નીતિ પહેલાથી જ જ શરૂ કરી હતી.
બાદમાં, 1994માં, એચડી દેવગૌડાની જનતા દળ-સેક્યુલર સરકારે કર્ણાટકના તમામ મુસ્લિમ સમુદાયોને OBC સૂચિમાં સામેલ કર્યા અને તેમના માટે 4% પેટા-ક્વોટા પણ બનાવ્યો હતો. ( આ જ જનતા દળ-સેક્યુલર હાલમાં ભાજપનો સહયોગી છે, મોદી તેમના માટે પ્રચાર પણ કરી રહ્યા છે ) કર્ણાટક એ ગુજરાત સહિતના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંનું એક છે, જ્યાં સામાજિક અને આર્થિક પછાતતાના આધારે મુસ્લિમ સમુદાયોને OBC યાદીમાં સામેલ કરવામાં આવેલા છે. ત્યાં સુધી કે, નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં, જયાં તેઓ 12 વર્ષ મુખ્યમંત્રી રહી ચુક્યા છે ત્યાં પણ OBCમાં મુસ્લિમોની 70 પેટા જ્ઞાતિને સામેલ કરવામાં આવેલી છે. સમાચાર સંસ્થા ANI સાથેના ઇન્ટરવ્યૂમાં આવું મોદી ખુદ કબૂલાત કરી ચુક્યા છે.
25મી એપ્રિલના દિવસે મોદીએ મુરૈનામાં એવું બોલ્યા કે, જયારે ઇન્દિરા ગાંધી હયાત ન રહ્યા ત્યારે તેમના પુત્ર રાજીવ ગાંધીને તેમની મિલકતનો વારસો મળવાનો હતો. આ સમયે મિલકત સરકાર પાસે ન જાય તે માટે વડા પ્રધાન રાજીવ ગાંધીએ વારસાગત વેરો નાબૂદ કર્યો હતો.
હકીકતમાં મોદી અહીં પણ ખોટું બોલ્યા, આવું રાજીવ ગાંધીએ નહીં પરંતુ તત્કાલીન કેન્દ્રીય નાણાં મંત્રી વી.પી. સિંહ દ્વારા 1985માં જે વેરો નાબૂદ કરવામાં આવ્યો હતો તે મૃત વ્યક્તિની મિલકત પરની સંપત્તિ ઉપરની ડ્યૂટી હતી, વારસાગત વેરો ન હતો.
25મી એપ્રિલે આંવલામાં તો મોદીએ હદ જ કરી નાખી હતી. તેમણે દાવો કર્યો કે, માત્ર આર્થિક જ નહીં, પરંતુ કોંગ્રેસ સરકારી સંસ્થાઓ અને કાર્યાલયોનો પણ સર્વે કરવા માંગે છે. મતલબ કે, જો કોઈ એક પછાત દલિત પરિવારમાં બે વ્યક્તિને નોકરી છે તો કોંગ્રેસ તેમાંથી એકની નોકરી લઈને અન્ય લોકોને આપી દેશે જેમનો દેશના સંસાધનો ઉપર પહેલો હક છે.
હકીકતમાં કોંગ્રેસેના મેનિફેસ્ટોમાં કે ન તો તેના નેતાઓના ભાષણોમાં આ રીતે પછાત વર્ગ કે દલિત પરિવારો પાસેથી નોકરીઓ છીનવી લેવાની કોઈ જ વાત કરી નથી .
(આ ન્યૂઝ અહેવાલ મૂળ 'સ્ક્રોલ' અને The Wire ઉપર પ્રકાશિત કરવામાં આવેલો છે)