Kutch IPS Conspiracy : બુટલેગર સાથે ઝડપાયેલી CID ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલનો કોર્ટમાં દાવો, સોપારી કાંડમાં બે IPS-બે ઇન્સ્પેક્ટર સામેની ગુપ્ત તપાસને લીધે તેને ફસાવવામાં આવી છે

પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી, કોર્ટે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની દલીલો બાદ રિમાન્ડની અરજી ફગાવી દીધી, બુટલેગરે LCB-પોલીસની ટીમ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો ત્યારે બુટલેગર સાથે કારમાંથી CID ક્રાઇમની મહિલા પોલીસ ઝડપાયેલી

Kutch IPS Conspiracy : બુટલેગર સાથે ઝડપાયેલી CID ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલનો કોર્ટમાં દાવો, સોપારી કાંડમાં બે IPS-બે ઇન્સ્પેક્ટર સામેની  ગુપ્ત તપાસને લીધે તેને ફસાવવામાં આવી છે

WND Network.Gandhidham : ભચાઉના ચોપડવા પુલ પાસે રવિવારે સાંજે  ચીરઈના બુટલેગરે LCB-પોલીસની ટીમ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસની ઘટનામાં એક બહુ મોટો ખુલાસો આજે  ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં થયો હતો. જેમાં બુટલેગર સાથે પકડાયેલી CID ક્રાઇમની મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે, તેની પાસે કચ્છના ચકચારી સોપારી તોડ કાંડની ગુપ્ત તપાસની કામગીરી હતી. એટલે તેમાં સંડોવાયેલા બે IPS ઓફિસર ઉપરાંત બે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓને રેલો આવે તેમ હતો. એટલે તેને ફસાવી દેવા માટે આ કાવતરું કરવામાં આવ્યું છે. પોલીસે બુટલેગર યુવરાજ અને નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસ ઉપરાંત પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો હતો અને તેની વધુ  તપાસ માટે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં નીતા અને યુવરાજની દલીલો સાંભળ્યા બાદ પોલીસની માંગણી ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ફગાવી દીધી હતી. 

નીતા અને યુવરાજના સિનિયર એડવોકેટ દિલીપભાઈ જોશીએ ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસની રિમાન્ડની માંગણી સામે તેનો વિરોધ કર્યો હતો. તેમણે નીતા અને યુવરાજ વતી દલીલ કરતા એવો દાવો હતો કે, CID ક્રાઇમમાં ફરજ બજાવતા તેમના અસીલ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી કચ્છના પાંચ કરોડના ચકચારી સોપારી તોડકાંડ ની સીઆઇડી ક્રાઇમની ગુપ્ત તપાસમાં કામ કરી રાહ્ય હતા. જેમાં બે IPS અધિકારી ઉપરાંત બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI ) તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓની ભૂમિકા બહાર આવી રહી હતી. એટલે તેમને દબાવવા માટેના કાવતરાના ભાગરૂપે તેમને આ કેસમાં કિન્નાખોરી રાખીને ફસાવવામાં આવ્યા છે. ઘટના વેળાએ તેઓ યુવરાજની સાથે બેઠા હતા. તેમ છતાં તેમની ઉપર હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 

સમગ્ર ઘટનામાં પોલીસે બનાવ સાંજે સવા સાતે બન્યો હોવા છતાં FIR દાખલ કરવામાં મોડું કેમ કર્યું તે પણ એક તપાસનો વિષય છે તેમ નીતા ચૌધરીના વકીલ દિલીપભાઈ જોશીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. FIR દાખલ કાર્ય પછી પહેલા પોલીસે ગણતરની મિનિટો પછી પહેલા યુવરાજની ધરપકડ બતાવે છે. જયારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતાને બીજા દિવસે અગિયાર વાગે ધરપકડ કરે છે. આટલો સમય કોના ઈશારે લેવામાં આવ્યો તેવી દલીલ પણ તેમણે કરી હતી. 

પોલીસે બંને આરોપીને ગઈકાલે સાંજે ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીની કોર્ટમાં સાંજે રજુ કર્યા હતા. એટલે સરકારી વકીલની દલીલો બાદ જયારે આરોપી પક્ષે રજુઆત કરવાનો સમય થયો ત્યારે સાંજ પડી ગઈ હોવાથી કોર્ટે સુનાવણી માટે આજે મંગળવારે રાખી હતી. રાતે બંને આરોપીને ગળપાદર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. 

પોલીસના સાત દિવસના રિમાન્ડની માંગણી સામે આરોપી પક્ષે સિનિયર એડવોકેટ દિલીપ જોશીની દલીલો બાદ ભચાઉના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ પોલીસની રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી. 

સોપારી કાંડમાં હજુ બે પોલીસ કર્મચારી પકડાયા નથી ! : શરૂઆતથી સોપારી-તોડ કાંડમાં કચ્છ પોલીસના અમુક ભ્રષ્ટ અધિકારીઓને ભૂમિકાને લઈને સવાલો થઇ રહ્યા છે. ત્યારે મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીના ભરી કોર્ટમાં કરેલા દાવાથી ફરી એક વખત સમગ્ર પ્રકરણ લોકોને યાદ આવી ગયું હતું. હજુ પણ આ ઘટનામાં બે પોલીસ કર્મચારીને કચ્છની પોલીસ પકડી શકી નથી. સમગ્ર મામલામાં સિનિયર IPS ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને ભાજપના યુવા નેતા સંડોવાયેલા હોવાની વાતે ભારે ચર્ચા થઈ હતી. પોલીસે સમગ્ર તપાસ માટે એક ખાસ તપાસ દળની પણ રચના કરી હતી. પરંતુ સમય જતા સમગ્ર મામલો ભેદી રીતે આટોપી લેવા આવ્યો હોય તેવી ચર્ચા વચ્ચે મહિલા પોલીસ નીતા ચૌધરીના દાવાથી હજુ પણ આ મામલે કઈંક રંધાઈ રહ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.