Black Money in Swiss Bank : કાળું નાણું ભારતમાં પાછું લાવવાની વાત છોડો, વર્ષ 2022માં સ્વિસ બેંકોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 30,000 કરોડે પહોંચ્યું હતું
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો લૂલો બચાવ, સ્વિસ બેંકમાં કેટલું કાળું નાણું છુપાયેલું છે તેનો કોઈ અંદાજ નથી
WND Network.New Delhi : ચૂંટણી દરમિયાન પ્રચાર વખતે સ્વિસ બેંકોમાં જમા થયેલું કાળું નાણું ભારતમાં લાવીને તેમાંથી દરેક ભારતીયને પંદર લાખ આપવાની વાતને ભલે ભાજપના નેતા અમિત શાહે 'ચુનાવી જુમલા' કહીને ઉડાવી દીધી હોય. પરંતુ દિવસેને દિવસે સ્વિસ બેંકોમાં ભારતમાંથી જમા થતા નાણાંનો પ્રવાહ વધી રહ્યો છે તે એક નગ્ન સત્ય છે. સ્વિસ બેંકોના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં સ્વિસ બેંકોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 30,000 કરોડને પણ પાર કરી ગયું છે. જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સતત બીજી વખત હતું જ્યારે સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરવામાં આવેલા ભંડોળમાં આટલો મોટો વધારો થયો છે. વર્ષ 2020માં ભારતીય ખાતાઓમાં કુલ 2.55 અબજ સ્વિસ ફ્રેંક (રૂ. 20,700 કરોડથી વધુ) નોંધાયા હતા, જે 2019માં 899 મિલિયન સ્વિસ ફ્રેંક (રૂ. 6,625 કરોડ) કરતાં 183% વધુ હતા.
યાદ રહે કે, છેલ્લી બે ટર્મથી દિલ્હીમાં પ્રખર રાષ્ટ્રવાદી એવા નરેન્દ્રભાઈ મોદી સત્તાનું સુકાન સંભાળી રહ્યા છે. મોદી સરકાર પહેલાની સરકારોના સમયગાળા દરમિયાનથી કાળું નાણું સ્વિસ બેંકોમાં જમા હોવાની વાત જગજાહેર છે. અને મોદી સરકાર સત્તામાં આવશે તો કાળું નાણું ભારત પાછું લાવવામાં આવશે તેવી દેશના લોકોને આશા હતી. પરંતુ તેવું હજુ સુધી થયું નથી.
કેન્દ્રની મોદી સરકારનો લૂલો બચાવ : છેલ્લા 10 વર્ષથી સ્વિસ બેંકમાં જમા કાળા નાણાંના અંદાજ અંગે કેન્દ્ર સરકારને કોઈ માહિતી નથી. સ્વિસ બેંકોમાં ભારતમાંથી કેટલા લોકોએ કેટલું નાણું જમા કરાવ્યું છે તે અંગેનો પ્રશ્ન ઉઠાવ્યા બાદ લોકસભામાં કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જે તે સમયે સંસદમાં આ મુજબનો જવાબ આપ્યો હતો. કેન્દ્રના આ મંત્રીએ કાળા નાણાં અંગે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે તેવા પ્રશ્નના જવાબમાં આ પ્રકારે કહ્યું હતું. અલબત્ત સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીયો દ્વારા રખાયેલા કથિત કાળા નાણાંના ન્યુઝ મીડિયા અહેવાલોનું નાણાં મંત્રાલયે જે તે સમયે ખંડન પણ કર્યું હતું.
અત્યાર સુધી સ્વિસ બેંકો દ્વારા મોદી સરકારને એકાઉન્ટ હોલ્ડરની વિગતોવાળા પાંચ સેટ આપી મોકલી આપવામાં આવ્યા છે : 'મિન્ટ'માં પ્રસિદ્ધ થયેલા એક મીડિયા રિપોર્ટ મુજબ, સ્વિસ બેંકો દ્વારા ભારતીય સત્તાવાળાઓ સાથે શેર કરવામાં આવેલી નવી વિગતોમાં અનેક નાણાકીય ખાતાઓને લગતી માહિતી પુરી પાડવામાં આવેલી છે. જેમાં ભારતના અનેક વ્યક્તિઓ, કોર્પોરેટ હાઉસીસ અને ટ્રસ્ટો સાથે સંકળાયેલા એકથી વધુ ખાતા તેમજ ઘણા કેસને લગતી માહિતીનો સમાવેશ થાય છે. જો કે ત્યારબાદ મોદી સરકારે તે માહિતીને આધારે શું કાર્યવાહી કરી તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
ઉલ્લેખનીય છે કે, પોતાના ગ્રાહકોના એકાઉન્ટની માહિતીને સિક્રેટ રાખવાની પોલિસીને કારણે ભારત સહિતના દેશોના લોકો સ્વિટ્ઝર્લેન્ડની બેંકોમાં એકાઉન્ટ ખોલાવે છે. વર્ષ 1934માં, સ્વિટ્ઝર્લેન્ડમાં આલ્પાઇન રિપબ્લિક દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. અને આ કાયદા મુજબ વિદેશી દેશો સાથે પોતાના ગ્રાહકોની માહિતી શેર કરવી એ ફોજદારી ગુનો બને છે. અને એટલે જ ટેક્સ ચોરી કરીને ભારતના માલેતુજારો ત્યાં એકાઉન્ટ ખોલાવતા હોય છે. જો કે, કેટલાક દેશોના દબાણને પગલે, સ્વિટ્ઝર્લેન્ડે વર્ષ 2018થી તેમની બેંકોમાં ખાતા ધરાવતા લોકો વિશેની માહિતી અન્ય દેશો સાથે શેર કરવાનું શરૂ કર્યું. આ માહિતીમાં બેંકમાં એકાઉન્ડ ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું, રહેઠાણનો દેશ અને ટેક્સ ઓળખ નંબર તેમજ રિપોર્ટિંગ સંસ્થા, એકાઉન્ટ બેલેન્સ અને મૂડી આવકનો સમાવેશ થાય છે. અને તે અંતગૅત ભારતની મોદી સરકારને આવા એકાઉન્ટ અંગેની માહિતીઓ આપવામાં આવી ચુકી છે.