Exclusive : કચ્છના નાગોરની જમીનના મુદ્દે અમદાવાદની કંપની સામે CBIની તપાસ, જાણો શું છે કરોડો રૂપિયાનો મામલો...

અમદાવાદના એક મહિલા સહિત બે ઉદ્યોગપતિઓ સામે કેન્દ્રીય એજન્સીની કાર્યવાહી

Exclusive : કચ્છના નાગોરની જમીનના મુદ્દે અમદાવાદની કંપની સામે CBIની તપાસ, જાણો શું છે કરોડો રૂપિયાનો મામલો...

WND Network.Bhuj (Kutch) :- કચ્છના ભુજ તાલુકામાં આવેલા નાગોર ગામની એક જમીનના મુદ્દે કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નાગોર ગામમાં જ્યાં જમીનના ભાવ સાવ તળિયે છે ત્યારે અહીં આવેલા પ્લોટ પર સાત ગણા ઉંચા ભાવની વેલ્યુ દર્શાવીને લોન લઈને છેતરપિંડી કરવાના ગુન્હા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના એક મહિલા સહિત બે ઉદ્યોગપતિઓએ બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે ૪૫૦ લાખની છેતરપીંડી કરી હતી. હાલે વ્યાજ સહીત આ લોનની રકમ ૯૩૬ લાખથી વધુ થઇ ગઈ છે. અમદાવાદની  ઋષિ કોટેક્ષ નામની કંપનીના ડાયરેકર સહીત ગાંધીનગરના એક લેન્ડ વેલ્યુઅર સામે કાર્યવાહી કરવામાં આવી છે.  

CBI સાથે સંકળાયેલા વિશ્વસ્નીય સુત્રોના જણાવ્યા મુજબ, ભુજ તાલુકાના નાગોર ગામમાં આવેલા સર્વે નં. ૪૮/એ પરના અવિનાશ પાર્કના પ્લોટ નં. ૨૫૯ થી ૩૧૮, એમ કુલ ૬૦ પ્લોટ પર તથા હારીજની એક અન્ય જમીન પર વર્ષ ૨૦૧૨ દરમિયાન અમદાવાદના ઋષિ કોટેક્ષ પ્રા. લી. નામની કંપની દ્વારા ૩૦૦ લાખની લોન બેંક ઓફ મહારાષ્ટ્રની ભદ્ર (અમદાવાદ) શાખામાંથી લેવામાં આવી હતી. જે પાછળથી ૨૦૧૩માં વધારીને ૪૫૦ લાખ કરવામાં આવી હતી. ગાંધીનગરના લેન્ડ  વેલ્યુઅર મયુર જી.શાહે વર્ષ ૨૦૧૨માં નાગોરની આ જમીનની વેલ્યુ રૂ. ૩૫૮.૭૫ લાખ આંકી હતી. જે બેંક દ્વારા લોન NPA થયા પછી ફરીથી ૨૦૧૬માં અંકાવવામાં આવતાં રૂ. ૫૦.૬૪ લાખની જ થઇ હતી. આમ લગભગ ૭ ગણી ઉંચી વેલ્યુએશન પર બેન્કે લોન આપી હતી અને તે NPA થતા સીબીઆઈ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હોવાનું સુત્રોએ વધુમાં ઉમેર્યું હતું.    

પાટણ અને અમદાવાદ ખાતે રહેતા ઋષિ કોટેક્ષ પ્રા. લી. કંપનીના ડાયરેક્ટર શૈલેષ નરેન્દ્ર પંડ્યા તેમજ મીનાક્ષીબેન જગદીશ સોની (અમદાવાદ) તથા આ મહિલા ડાયરેક્ટરના પતિ અને કંપનીના સીઇઓ જગદીશ મનુભાઈ સોની (અમદાવાદ), વેલ્યુઅર મયુર જી. સોની (ગાંધીનગર) વિરુદ્ધ બેન્ક દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે CBIએ તપાસ શરુ કરી દીધી છે. લાખના કરોડ કરવાના ફ્રોડના આ કેસ અંગે સુત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૨થી ૨૦૧૪ના સમયની ૪૫૦ લાખની આ લોન પર ૨૦૨૧ સુધીમાં વ્યાજ સહીત રૂ. ૯૩૬ લાખ જેટલી રકમ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં આ ધિરાણ NPA થયું હતું. આ બન્ને ડાયરેક્ટર ઋષિ ઇન્ફોવેબ પ્રા. લી. નામની અન્ય એક કંપનીમાં પણ ડાયરેક્ટર છે. 

ખોટા ટ્રાન્ઝેક્શન પણ ઉભા કરાયા :- CBI સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાનું ફ્રોડ કરનારી આ કંપની ઋષિ કોટેક્ષ પ્રા. લી. અને અન્ય એક ભાગીદારી પેઢી, દિશા ઇન્ડસ્ટ્રીઝ  વચ્ચે કોઈ પણ જાતના ઉત્પાદન કે માલની આપ-લે વગર ૯૦ લાખ રૂપિયાના ખોટા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. જેની પાછળ બેન્કના ધિરાણને સાચું ઠરાવવા માટેની મોડેસ ઓપરેન્ડી હતી.