ગટરમાં ગૂંગળાઈ જવાથી કામદારો મોતને ભેટતા હોય તો આખો દેશ ગટર જેવો થઈ ગયો છે એમ ના કહેવાય ? જાણો, શા માટે પ્રો. હેમંત શાહ આવું કહી રહ્યા છે...

વાયબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસમાં સાત સફાઈ કામદારોને તેમની જિંદગીનું આખરી "નમસ્તે" કહી દેવાયું

ગટરમાં ગૂંગળાઈ જવાથી કામદારો મોતને ભેટતા હોય તો આખો દેશ ગટર જેવો થઈ ગયો છે એમ ના કહેવાય ? જાણો, શા માટે પ્રો. હેમંત શાહ આવું કહી રહ્યા છે...

WND Network.Ahmedabad : વાયબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસમાં સાત સફાઈ કામદારો એ જીવ ગુમાવ્યા છે. એક તરફ વિશ્વગુરુ બનવાના અભરખા, લેટેસ્ટ ટેકનોલોજી અને મંગળ ઉપર જવાની વાતો વચ્ચે આજે પણ સફાઈ કરવા માટે કામદારોને ગટરમાં ઉતરવા મજબુર કરવામાં આવે છે. અને પરિણામે તેઓ જિંદગીથી હાથ ધોઈ બેસે છે. ત્યારે દેશમાં આવી સ્થિતિ માટે આખો દેશ ગટર જેવો કહેવાય એવો વેધક સવાલ કરી રહ્યા છે જાણીતા રાજકીય વિશ્લેષક એવા પ્રો.હેમંત શાહ. મીડિયામાં બહુ નાની જગ્યા રોકતા આ બનાવો અંગે પ્રો. હેમંત શાહ દ્વારા જે વાત કરવામાં આવી છે. તો આવો એમના શબ્દોમાં જ જાણીએ કે શા માટે દેશ ગટર જેવો બની ગયો છે.

"દેશનો આ અમૃત કાળ ચાલે છે એ યાદ રાખો, કારણ કે એમ નરેન્દ્ર મોદીની સરકારે જાહેર કરેલું છે.

ગઈ કાલે ભરુચ પાસેના દહેજ  ખાતે ગટર સાફ કરતા ત્રણ સફાઈ કામદારોનાં ગટરમાં જ ગૂંગળાઈ જવાથી મોત થયાં.  રાજકોટ અને વલસાડમાં પણ આવી બે ઘટનાઓ છેલ્લા ૧૫ દિવસમાં જ બની છે, કે જે બંને ઘટનામાં ચાર કામદારોનાં મોત થયાં હતાં. 

મહાન ટેક્નોલોજી યુગમાં અને દેશના અમૃત કાળમાં આપણે જીવી રહ્યા છીએ અને છતાં આવાં મોત અટકે તે માટે ભાગ્યે જ કશું થાય છે. એનું એક કારણ એ છે કે આવું મોત પામનારા ગરીબ અને કહેવાતા નિમ્ન સામાજિક વર્ગના હોય છે. 

તા. ૧૪-૦૭-૨૦૨૨ના રોજ મોદી સરકારે એમ જાહેર કર્યું હતું કે તા. ૧૬-૦૮-૨૦૨૨થી આ રીતે સફાઈ કામદારોનાં મોત ગટરમાં ગૂંગળાઈને ના થાય તે માટે એક 'નમસ્તે' યોજના અમલમાં મૂકવામાં  આવશે. અને છતાં વાયબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસમાં સાત સફાઈ કામદારોને તેમની જિંદગીનું આખરી "નમસ્તે" કહી દેવામાં આવ્યું! વિકાસની લાયમાં આ સફાઈ કામદારોની જિંદગી બચાવવાનું કામ પ્રાથમિકતામાં આવતું નથી. 

છેલ્લા ૧૫ દિવસમાં જે સાત કામદારો ગટરમાં જ મોત પામ્યા તેમાં, તેમના નામ પરથી કહી શકાય તો, છ તો હિન્દુ છે. કોઈ હિંદુ હિત રક્ષક સંગઠન આમને માટે અવાજ ઉઠાવશે? કે પછી ભગવો ઝંડો તલવારો સાથે લઈને સરઘસો જ કાઢશે? 

શરમ આવે છે આવા વિકાસ પર અને આવી ગરવી ગુજરાત પર કે જેમાં ગટરની સફાઈ માટે મશિન ટેકનોલોજી બજારમાં પ્રાપ્ય હોવા છતાં ૨.૫ લાખ કરોડ રૂપિયાના બજેટમાં આ સફાઈ કામદારોની જિંદગી બચાવવા માટે પૈસા નથી! 

સફાઈ કામદારોને શા માટે ગટરમાં ઊતરવું પડે? મશિન દ્વારા ગટરની સફાઈ કરી શકાતી હોય તો શા માટે મશિન વાપરવામાં આવતાં નથી? સ્પષ્ટ છે કે આ વિકાસમાં ગરીબોની જિંદગી સસ્તી છે માટે એમણે વિકાસ માટે ભોગ તો આપવો જ પડે! કે પછી ગટરમાંથી ગેસ પેદા થાય અને ગટરમાં પાઇપ નાખીને ગેસ લઈને તેના પર ચા બનાવાય માટે સફાઈ કામદારોની જિંદગીનો ભોગ લેવામાં આવે છે?

જો આ રીતે ગટરમાં ગૂંગળાઈ જવાથી કામદારો મોતને ભેટતા હોય તો આખો દેશ ગટર જેવો થઈ ગયો છે એમ ના કહેવાય? ભગવી ગેંગ હવે એમ કહેશે કે આવાં મોત કોંગ્રેસના રાજમાં ક્યાં નહોતાં થતાં? હા, વાત સાચી, થતાં જ હતાં. પણ ગુજરાતમાં આશરે ૨૭ વર્ષથી ભાજપ છે, તો એણે આ સફાઈ કામદારો માટે શું ઉકાળ્યું તે સવાલ પૂછી શકાય કે નહિ? કે સવાલ પૂછનાર દેશદ્રોહી કહેવાય? 

આને સફાઈ કામદારોનું મોત ના કહેવાય, સમજો જરા. આને તો ભારતવર્ષના અમૃત કાળમાં ચાલતા વિકાસ યજ્ઞમાં કર્મયોગીએ આપેલી આહુતિ કહેવાય.

અને હા, આમ તો, આખા દેશમાં વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ મારીને નાગરિકોને ગૂંગળાવી નાખવાનો જ પ્રોજેક્ટ ભગવી ગેંગ દ્વારા ક્યાં નથી ચાલી રહ્યો? 

( હેમંતકુમાર શાહ, તા.૦૫-૦૪-૨૦૨૩.)