શાળા પ્રવેશોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પદાધિકારીઓ સાથે અંતર કેમ રાખ્યું ? કૈલાસનાથન પછી કોણ - IAS શ્રીનિવાસન કે ટોપનો ?

જાણો ગુજરાતના રાજકારણમાં અને IAS-IPS સહિતના સનદી અધિકારીઓ અંગે શું ચાલી છે અવનવી વાતો

શાળા પ્રવેશોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પદાધિકારીઓ સાથે અંતર કેમ રાખ્યું ? કૈલાસનાથન પછી કોણ - IAS શ્રીનિવાસન કે ટોપનો ?

ડાંગમાં શાળા પ્રવેશોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકીય પદાધિકારીઓ સાથે અંતર કેમ રાખ્યું ? : આ વખતે સ્ટેટ લેવલના શાળા પ્રવેશોત્સવની શરૂઆત દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાની કરવામાં આવી હતી. જેમાં સીએમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન એકપણ રાજકીય વ્યક્તિ - પદાધિકારીઓને બિલકુલ મળ્યા ન હતા. તેઓ હેલિપેડથી સીધા કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા. લોકસભાની ચુંટણીમાં અહી ભાજપની લીડ ખૂબ જ ઘટી ગઈ છે. કદાચ એટલે જ દાદાએ આડકતરો મેસેજ આપવા માટે જ રાજકીય વ્યક્તિઓને ન મળવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે

કૈલાસનાથન પછી કોણ ?, IAS શ્રીનિવાસન કે ટોપનો ? બંને હોમ કેડરમાં પાછા ફરી શકે છે : લાંબા સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો પડછાયો બનીને કામ કરી ચૂકેલા ગુજરાત કેડરનાં IAS કે. શ્રીનિવાસન અથવા રાજીવ ટોપનો કૈલાસનાથનનો મજબૂત વિકલ્પ હોવાનું સચિવાલયમાં ચર્ચાઈ રહ્યું છે. માત્ર મોદી જ નહીં પરંતુ કેન્દ્રની UPA સરકારમાં વડાપ્રધાન મનમોહન સાથે પણ કામ કરવાનો અનુભવ ધરાવનારા રાજીવ ટોપનો પણ પીએમ મોદીની પસંદ - નાપસંદ બખૂબી જાણે સમજે છે. હાલ તેઓ વર્લ્ડ બેંકમાં અમેરિકા ખાતે ફરજ બજાવી રહ્યા છે અને તેમનું ડેપ્યુટેશન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે તેવામાં IAS રાજીવ ટોપનો ને કેકેના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યા છે. IAS શ્રીનિવાસન રાજીવ ટોપનો કરતા સાત વર્ષ સિનિયર છે. આ સંજોગોમાં બંનેમાંથી કોઈપણ આવે ત્યારે પહેલાની જેમ જ ટેબલ ફાળવણી રહેશે કે કેમ તે પ્રશ્ન છે. કારણ કે અઢિયા પણ બનેથી સિનિયર છે

નિવૃત્તિ માટે KK ને લંડન સ્થિત દીકરીનું દબાણ હતું ? : લાંબા સમયથી ગુજરાતના વહીવટની ધુરા સંભાળનાર કે.કૈલાસનાથન અંતે નિવૃત્ત થઈ ગયા છે. તેમને હવે દિલ્હીમાં સ્થાન મળશે કે અન્ય કોઈ મહત્વની જવાબદારી આપવામાં આવશે તેવી વિવિધ અટકળો વચ્ચે બાબુઓમાં એક ચર્ચા એવી પણ છે કે, કેકે ને હવે નોકરી ન કરવા દેવા માટે તેમના ફેમિલી તરફથી જ દબાણ હતું. ખાસ કરીને તેમની લંડન સ્થિત દીકરી એવું ઈચ્છતી હતી કે, ડેડી હવે નોકરી ન કરે. સાચું ખોટું ભગવાન જાણે પણ અનેક અધિકારીઓના પાલક પિતા કેકે હાલ તો ઘરે બેસી ગયા છે એ હકીકત છે.

દાદાનું હેલિકોપ્ટર ન ઉડ્યું, IAS હરિત શુક્લાને એવીએશનનો ચાર્જ નડી ગયો : ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર નક્કી હતો પરંતુ શરૂઆત IAS હરિત શુક્લાથી થશે એવી કોઈને કલ્પના ન હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સરકારી હેલિકોપ્ટરનો અનુભવ સારો નથી રહ્યો. હરિત શુક્લા પાસે અન્ય વિભાગની સાથે સાથે સ્ટેટ સિવિલ એવીએશનનો પણ ચાર્જ હતો. એટલા જેટલા મોઢા એટલી વાતની જેમ બાબુ ડોમમાં શુક્લાને મુખ્ય ચુંટણી અધિકારી બનાવી દેવાની બદલીને દાદાના હેલિકોપ્ટરની ઘટના સાથે પણ જોડવામાં આવી રહી છે.

દિલ્હીમાં પી.કે.મિશ્રાની ભૂમિકા બદલાઈ શકે છે : કેકેની વિદાય બાદ હવે ગુજરાતની પાવર લોબી સહિત દિલ્હીમાં પણ લોકો મોટા ફેરફાર થશે એમ માની રહ્યા છે. વડાપ્રધાનના સચિવ તરીકે કાર્યરત પી.કે.મિશ્રાનું યુપી કનેક્શન પણ જગજાહેર છે. એટલે લોકોને મજા આવે તેમ પોતાની રીતે ગોઠવણ કરી રહ્યા છે. એક ચર્ચા એવી છે કે, પીકે ને રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવશે. બીજી વાતમાં તો એવું આવે છે કે, યુપીની સરકારમાં પી.કે.મિશ્રાને સેટ કરવામાં આવશે. અલબત્ત તેઓ યોગીનો વિકલ્પ હશે કે કેમ તે રહસ્ય છે. કેકે હવે નોકરી નહીં કરે એ વાત પાક્કી છે છતાં વાત એવી પણ સંભળાઈ રહી છે કે, જો પીકે જાય તો કેકે ત્યાં ગોઠવાઈ જશે. જો કે મીડિયા સહિત તમામને સરપ્રાઇઝ આપવા માટે જાણીતા પીએમ મોદી કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતા છે એ વાત પણ ન ભૂલવી જોઈએ.

ફિલ્ડને બદલે હવામાં ઊડતી અમદાવાદ પોલીસ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ :  લાંબા સમયથી સોશિયલ મીડિયામાં એક્ટિવ અમદાવાદ પોલીસ આ વખતે હવામાં ઊડવાને લીધે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. વાત જાણે એમ બની કે, રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ છેલ્લા કેટલાક દિવસથી અવનવા ગતકડાં કરી રહી છે. જેમાં છેલ્લે હેલિકોપ્ટરથી એરિયલ પેટ્રોલિંગની ઘટનાએ લોકો સહિત IPS લોબીમાં પણ આંખો પહોળી થઈ ગઈ હતી. જે કામ ડ્રોનથી સસ્તામાં બહુ સારી રીતે થાય તે માટે ચોપર ઉડાવવાની હરકતને સોશિયલ મીડિયામાં લોકોએ આડે હાથે લીધી હતી.

ખુલાસા કરીને મીડિયા સામે આંખો કાઢતી અમદાવાદ પોલીસ : ચકચારી અકસ્માતમાં જપ્ત કરવામાં આવેલી કાર અંગેના ન્યૂઝ તેમજ ACPની ઓફિસમાં ભાજપના નેતાનો બર્થ ડે સેલિબ્રેટ કરવાની ઘટનાને મેઇન મીડિયામાં ચમકી તો અમદાવાદ પોલીસને તે ન ગમ્યું. મોટેભાગે કોઈપણ ન્યૂઝ અંગે ચૂપ રહેતી અમદાવાદ પોલીસ અચાનક ખુલાસા કરવા માંડી છે. પત્રકારોના વોટ્સએપ ગ્રુપમાં પણ બંને ઘટના અને પોલીસના ખુલાસાની ખાસ્સી એવી ચર્ચા થઈ હતી. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિક તેમની આગવી કામગીરી માટે જાણીતા છે. એટલે વાત પોલીસની કામગીરીની હોય કે મીડિયા રીપોર્ટસની, IPS મલિકની અસર પોલીસના ખુલાસામાં સાફ જોઈ શકાય છે.

કચ્છમાં ભુજ એસપીની સાથે સાથે કલેકટર પણ આવશે, IAS-IPSની બદલીનો રાઉન્ડ ટૂંક સમયમાં : લોકસભા ચુંટણી બાદ રાજ્યના પોલીસ બેડા ઉપરની વહીવટી તંત્રમાં બદલીઓની જાહેરાત અંગે કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. જુનિયર IASથી લઈને સચિવ કક્ષાએ તેમજ IPS કેડરમાં પણ ફેરફાર થવાના છે એ નક્કી છે. ચુંટણી ટાણે એસપી કક્ષાએ પ્રમોશન આપીને અમુક IPS ને DIG બનાવીને તેમની જૂની જગ્યાએ અપગ્રેડ કરવામાં આવી હતી. જેમાં ભુજના SPને પણ પ્રમોશન મળ્યું હતું. રાજકોટના આગનાં બનાવ બાદ જે IPS ને બદલવામાં આવ્યા તેમાં ભુજના DIG મહેન્દ્ર બગડિયાને રાજકોટમાં બદલી કરવાને લીધે હાલ ભુજ એસપીની જગ્યા ચાર્જ ઉપર છે. એટલે અહીં કોઈને SP તરીકે મૂકવા પડશે. રાજકોટના આગનાં બનાવમાં કયાંક ને કયાંક સંડોવાયેલા IAS - IPS સામે બદલીરૂપી કાર્યવાહી માટે સરકાર ઉપર દબાણ છે. એટલે રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા IAS અમિત અરોરાને પણ કચ્છ કલેક્ટર પદેથી હટાવીને સાઈડ પોસ્ટિંગ થવાની સંભાવના છે. અરોરાની સાથે સાથે તેમના પત્નિ પ્રીતિ શર્મા હાલમાં PGVCL ઇન્ચાર્જ MD તરીકે ભુજમાં છે. અધિકારી યુગલને તકલીફ ન પડે તે માટે અરોરાની સાથે તેમની પણ ટ્રાન્સફર થાય તો નવાઇ નહીં. વલસાડમાં પણ કલેક્ટરની સાથે સાથે DDOઓનું પોસ્ટિંગ કરવું પડે એમ છે. અરવલ્લી જિલ્લામાં તો ગયા ચોમાસાથી DDO ની પોસ્ટ ચાર્જ ઉપર ચાલી રહી છે.

શું GPCBનાં ચેરમેન આર.બી.બારડ PMOમાં જાય છે ? : સ્ટેટ સિવિલ કેડરમાંથી આવતા વર્ષ 2006ની બેચના પ્રમોટી IAS આર.બી.બારડ દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં જાય તેવો ગણગણાટ થઈ રહ્યો છે. GPCBનાં ચેરમેન હોવા ઉપરાંત વર્ષ 2006ની બેચના IAS બારડ પાસે SSRDનો ચાર્જ પણ છે. સુરતના મહેસૂલ વિભાગની ગરબડ શોધનારા બારડની ઈમેજ આમ જોવા જઈએ તો સાફ અને બિનવિવાદાસ્પદ અધિકારી તરીકેની છે. બારડ બે મહિના બાદ નિવૃત્ત થઇ રહ્યા છે. પરંતુ જો તેઓ PMO જશે તો ઍક્સટેંશન નક્કી છે.