Kutch Royal Family Defamation Case : કચ્છના મહારાવ 20 કરોડનો બદનક્ષીનો કેસ હારી ગયા, નલિયાના ઈન્દ્રજીતનો 4 કરોડની માનહાનીનો દાવો પણ ન ટક્યો, જાણો શું છે સમગ્ર મામલો
માતાના મઢ મંદિરના મહંત સહિતના અન્ય લોકો વિરુદ્ધ થયેલા બદનક્ષીના કેસમાં કચ્છ રાજવી પરિવારના મહારાવ ત્રીજાના અવસાન બાદ તેમના પત્નિ પ્રિતિદેવી અને નલિયાના જુવાનસિંહના વારસ તરીકે તેમના દીકરા ઈન્દ્રજીત પક્ષકાર તરીકે જોડાયેલા

WND Network.Bhuj (Kutch) : કચ્છમાં માતાના મઢ ખાતે દેશ દેવી કુળદેવી માઁ આશાપુરાના મંદિરે દર વર્ષે થતી પત્રી વિધિને લઈને છેલ્લા કેટલાય સમયથી મામલો ચર્ચામાં રહેલો છે અને આ મુદ્દો કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. દરમિયાન આવા એક પ્રકરણ - કેસમાં નખત્રણાની કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. જેમાં કચ્છના રાજવી કુટુંબના અંતિમ મહારાવ ત્રીજા પૃથ્વીરાજસિંહ જાડેજાનો 20 કરોડનો બદનક્ષીનો દાવો નખત્રાણા કોર્ટે ફગાવી દીધો છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાને મહારાવના કુંવર તરીકે ઓળખાવતા નલિયાના ઈન્દ્રજીતસિંહ જાડેજાનો ચાર કરોડનો માનહાનીનો દાવો પણ કોર્ટમાં ટક્યો ન હતો. વર્ષ 2009માં કચ્છ રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ જાડેજા ઉર્ફે મહારાવ ત્રીજાએ નલિયાના જુવાનસિંહ જાડેજાના હાથમાં ચામર આપીને પત્રિવિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો. માતાના મઢ ખાતે આવેલા આશાપુરા મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ તેમને આવું કરતા અટકાવ્યા હતા. એટલે સમગ્ર મામલાને પોતાના માન-સન્માન સાથે જોડી મહારાવ ત્રીજાએ તેમની બદનક્ષી થઈ હોવાનું માનીને આશાપુરા મંદિરના મહંત સામે માનહાનીનો દાવો કર્યો હતો.
કચ્છ રોયલ ફેમિલીના પૃથ્વીરાજસિંહ જાડેજા, જે મહારાવ ત્રીજા તરીકે પણ ઓળખાય છે તેમણે તારીખ 26-09-2009ના રોજ માતાના મઢ ખાતે આવેલા માઁ આશાપુરા મંદિરમાં તેમના પ્રતિનિધિ નલિયાના જુવાનસિંહને પત્રિવિધિ કરતા અટકાવનારા મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી બાવા સહીત અન્ય લોકો વિરુદ્ધ તેમની માનહાની અંગેનો નખત્રણા કોર્ટમાં કેસ કર્યો હતો. વીસ કરોડની બદનક્ષીના આ કેસની સુનાવણી દરમિયાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું અવસાન થતા તેમના પત્ની પ્રિતિદેવી જે કચ્છના મહારાણી તરીકે પણ ઓળખાય છે તેઓ વારસદાર - પક્ષકાર તરીકે કેસમાં સામેલ થયા હતા. મહારાવ ત્રીજાની જેમ નલિયાના જુવાનસિંહ જાડેજાએ પણ સમગ્ર મુદ્દે તેમની આબરૂ ગઈ હોવાનું માનીને ચાર કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો. તેમનું પણ કેસની દરમિયાન અવસાન થતા તેમના વારસ તરીકે તેમના દીકરા ઈંદ્રજિત જાડેજા પક્ષકાર તરીકે કેસમાં જોડાયા હતા.
મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાના તરફથી આ સમગ્ર મામલાના કેસની પેરવી કચ્છના પૂર્વ DGP અને સિનિયર એડવોકેટ યોગેશ ભાંડારકર તથા હનુવંતસિંહજી જાડેજા અને અન્ય વતી એડવોકેટ જે.કે.ઠક્કર કરી હતી. જેમાં બંને પક્ષની દલીલ રજૂઆતો અને આધાર પુરાવાને ધ્યાનમાં લઈને નખત્રાણાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના જજ સાહેબ દ્વારા મહારાવનો 20 કરોડ અને જુવાનસિંહનો 4 કરોડનો માનહાનીનો દાવો ફગાવી દીધો હતો.
વર્ષ 2009માં પત્રીવિધિ ન થઇ, ઘટનાને પગલે મહારાવ રાતે ઝબકીને જાગી જતા - ડિપ્રેશનમાં આવી ગયેલા : વર્ષ 2009માં નવરાત્રી વખતે કચ્છના રાજવી પરિવારના મોભી પૃથ્વીરાજસિંહ જાડેજા ઉર્ફે મહારાવ ત્રીજા ચાચરકુંડમાં સ્નાન કરીને પગે ચાલી મંદિર તરફ જય રહ્યા હતા. તે વખતે તેમણે ચામર પોતાની પાસે નહીં પરંતુ નલિયાના જુવાનસિંહ જાડેજાના હાથમાં આપી હતી. જેનો સીધો અર્થ એવો થતો હતો કે, પત્રીવિધિ જુવાનસિંહ કરવાના છે. મહારાવ અને જુવાનસિંહ સહિતના લોકો જેવા મંદિરમાં પ્રવેશ કરવા ગયા કે તરત જ મંદિરના મહંત યોગેન્દ્ર બાવાજી વચ્ચે આવીને ઉભા રહી તેમને અટકાવ્યા હતા. લાખો લોકોની વચ્ચે બનેલી આ ઘટનાથી કચ્છ રાજવી પરિવારના મોભી પૃથ્વીરાજસિંહ જાડેજા ખુબ જ વ્યથિત થઈ ગયા હતા. તેમને એમ લાગ્યું કે, યોગેન્દ્રસિંહ રાજાબાવા અને તેમના ભાઈએ મળીને તેમને કાયદેસરની વિધિ કરતા અટકાવીને તેમનું ઘોર અપમાન કર્યું છે. જેને લીધે સમાજમાં તેમની ખુબજ બદનક્ષી થઈ છે. જેને કારણે તેઓ રાતે નિરાંતે નીંદર પણ લઈ શકતા ન હતા. મહારાવ માનસિક આઘાતમાં ડૂબી ગયા હોય તેવું તેમને લાગતું હતું. તેમની તબિયત પણ દિવસે ને દિવસે બગડતી જતી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ ઘણી વખત તો તેઓ અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી જતા હતા અને તેમને થયેલા આઘાત અંગે દુઃખ વ્યક્ત કરતા હતા.
મંદિરના મહંત તરફથી આવી દલીલ કરવામાં આવેલી : કચ્છના રાજવી પરિવાર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠા ભર્યા માનહાનીના આ કેસમાં મંદિરના મહંત તરફથી કોર્ટ સમક્ષ કેટલીક મજબૂત દલીલો કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની ફરજમાં આવે છે કે પત્રીવિધિ યોગ્ય - જવાબદાર વ્યક્તિ કરે છે કે નહીં તે જોવાનું છે. નલિયાના જુવાનસિંહ રાજવી પરિવારમાંથી ન આવતા હોવાને લીધે તેઓ પત્રિવિધિ ન કરી શકે એટલે તેમને અટકાવ્યા હતા. આ સિવાય કાનૂની રીતે માનહાનિનો દાવો એક વર્ષની મુદ્દત દરમિયાન કરવો જોઈતો હતો, પત્રિવિધિની આ વિવાદવાળી ઘટના વર્ષ 2009માં બની હતી જયારે દાવો વર્ષ 2012માં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બદનક્ષીના કેસમાં જેમની માનહાનિ થઈ હોય તે વ્યક્તિ અન્ય કોઈને અધિકૃત કરીને કેસ લડવાનો પાવર ન આપી શકે.