Kutch Mandvi Police : પોલીસ પણ ધમકાવીને ખંડણી માંગે છે, નકલી પોલીસ સાથે મળીને ખંડણી માંગતો કચ્છનો અસલી પોલીસ કર્મચારી દોઢ વર્ષે ઝડપાયો
છેતરપિંડી અને પ્રોહીબીશનના કેસમાં ભચાઉમાં રહેતો અને માંડવી પોલીસમાં ફરજ બજાવતો ફરાર પોલીસ કર્મચારી રુદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દોઢ વર્ષે પોલીસને મળ્યો, પશ્ચિમ કચ્છ પોલીસે ઓળખ છુપાવીને માત્ર નોકરીનો ઉલ્લેખ કર્યો

WND Network.Mandvi (Kutch) : છેતરપીંડી અને દારૂના એક કેસમાં ધમકાવી ખંડણી માંગવાના દોઢેક વર્ષ જુના પ્રકરણમાં જે તે સમયે માંડવી પોલીસમાં ફરજ બજાવતા અને ભચાઉમાં રહેતા એક પોલીસ પોલીસે ઝડપી લીધો છે. કચ્છમાં થોડા દિવસથી પોલીસ લોકોને ખંડણી માંગવાની ઘટનામાં ડર્યા વિના આગળ આવીને લોકોને ફરિયાદ આપવાની અપીલ કરી રહી છે તેવામાં ખુદ પોલીસનો જ એક કર્મચારી નકલી પોલીસની સાથે મળીને ખંડણી મંગાવાના એક પ્રકરણમાં દોઢેક વર્ષથી ફરાર હતો તેને ઝડપી લેવામાં આવ્યો છે. જો કે સમગ્ર ઘટનામાં પોલીસે ઝડપાયેલો આરોપી પોલીસ કર્મચારી છે તે વાત કોઈને ખબર પડવા દીધી ન હતી. મીડિયા દ્વારા જયારે આ મામલે સંબંધિત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો કે, દોઢેક વર્ષથી ભાગેડુ આરોપી પોલીસ કર્મચારી છે.
સમગ્ર મામલાની જાણ ત્યારે થઇ જયારે, છેતરપીંડી અને પ્રોહિબિશનના કેસમાં માંડવી પોલીસે એક આરોપીને પકડ્યો છે તેવી માહિતી વિગત ખુદ પોલીસ અધિકારીના સોસીયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 'વેબ ન્યૂઝ દુનિયા' એ આ મામલે માંડવી પોલીસના ઇન્સ્પેક્ટર ચેતક બારોટનો સંપર્ક કરીને વાત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ચેતકભાઈ કહ્યું કે, દોઢેક વર્ષ જુના કેસમાં એક આરોપીને પકડવામાં આવ્યો છે. જેમાં આરોપીઓ સામે છેતરપીંડી અને પ્રોહીબીશનના પ્રકરણમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ દ્વારા ખંડણી મંગાવામાં આવી હતી. પોલીસની જાહેરાતમાં ભચાઉનો રુદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અંગે માત્ર નોકરી કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે વધુ પૂછતાં માંડવી પોલીસના ઇન્સ્પેક્ટરભાઈ બારોટે કહ્યું કે, રુદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નોકરી કરે છે. જો કે તેમણે એ ફોડ ન પાડ્યો કે રુદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અસલી પોલીસ કર્મચારી છે અને તે નકલી પોલીસ સાથે મળીને ખંડણી માંગી રહ્યો હતો. 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા જયારે સામેથી પૂછવામાં આવ્યું ત્યારે માંડવીના ઇન્સ્પેક્ટ ચેતકભાઈએ ઉમેર્યું કે, તે અસલી પોલીસ કર્મચારી છે અને હાલમાં ભચાઉમાં છે. જો કે તેમને હજુ સુધી એ ખબર ન હતી કે, રુદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને જે તે વખતે સસ્પેન્ડ કરીને બનાસકાંઠામાં થરા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.
આશિષ જોશીના ચર્ચાસ્પદ મર્ડર કેસમાં ભૂમિકા ખુલી હતી : માંડવીના મસ્કા ખાતેના આશિષ જોશી મર્ડર કેસમાં પણ પોલીસ કર્મચારી રુદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. મર્ડર કેસના મુખ્ય આરોપી સુખવિન્દર નામના વ્યક્તિ સાથેના તેના કોલ રેકોર્ડ મળ્યા હતા. જેને પગલે તત્કાલીન બોર્ડર રેંજ આઇજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલાની ગંભીરતાને પારખીને તેને કચ્છ બહાર મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારથી તે બનાસકાંઠાના થરા ખાતે હતો. અને જેવા રેન્જ આઇજી ડી.બી.વાઘેલા બદલાયા કે તરત રુદ્રસિંહ પાછો માંડવી પોલીસ સ્ટેશનમાં ગોઠવાઈ ગયો હતો. જેના ઉપરથી કલ્પના કરી શકાય કે, કચ્છ પોલીસમાં કેટલી હદે સડો ફેલાય ગયો હતો.જો કે મજાની વાત એ છે કે, ગામ આંખની ખબર રાખતી પશ્ચિમ કચ્છ પોલીસ જ આ વાતથી અજાણ છે.