ઓફ ધ રેકોર્ડ : ક્યા IPSને DGP ભાટિયા ગમતા નથી?, નિખિલ ભટ્ટનો બગડેલો CR કયા CSએ સુધારેલો?, IAS હૈદરની તપાસમાં ભીનું સંકેલાયું?

જાણો ગુજરાતના રાજકારણની અને IAS-IPS સહિતના અધિકારીઓની ખાટી-મીઠી વાતો...

ઓફ ધ રેકોર્ડ : ક્યા IPSને DGP ભાટિયા ગમતા નથી?, નિખિલ ભટ્ટનો બગડેલો CR કયા CSએ સુધારેલો?, IAS હૈદરની તપાસમાં ભીનું સંકેલાયું?

કયા IPS અધિકારીને DGP આશિષ ભાટીયા ગમતા નથી ? :- ગુજરાતનાં પોલીસ બેડામાં રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટીયાનું નામ બહુ આદરથી લેવામાં આવે છે. પરંતુ થોડાક સમયથી DGP ભાટીયા અંગે ઘસાતા ન્યૂઝ આવ્યા ત્યારે પોલીસ અધિકારીઓ સહીત સૌને નવાઈ લાગી હતી. કારણ કે, ભાટીયા અત્યાર સુધી કયાંય વિવાદમાં આવેલા નથી. તેમની કડકાઈ અને પ્રામાણિકતા અંગે પણ પ્રશ્ન નથી. પરંતુ પોલીસ ભવનના એક IPSને તેમની કાર્યશૈલી પસંદ ન હોવાને કારણે પોતાના જુના મીડિયા સંપર્કો દ્વારા ભાટીયા કેવી રીતે મિટિંગ લે છે, કેમ કામ છે વગેરે વાતો પહોંચાડે છે. વાત ત્યાં સુધી વણસી છે કે, તેઓ હવે DGP આશિષ ભાટીયાને મળવાનું પણ ટાળે છે. ભૂતકાળમાં ક્રીમ પોસ્ટિંગ મેળવવાનો રેકોર્ડ પ્રાપ્ત કરનાર આ IPS તેમના હાલના પોલીસ ભવનના પોસ્ટીંગથી નારાજ છે.

નિખિલ ભટ્ટના CRમાં ડાગુરે કરેલી નોંધ મુખ્ય સચિવ જે.એન.સિંગે સુધારેલી :-  45 દિવસ પછી ત્રીજી વખત ઍક્સટેંશન મેળવનારા નિખિલ ભટ્ટ મીડિયા સહીત ગાંધીનગર સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યા છે. નિખિલ ભટ્ટનો બીજો ઍક્સટેંશનવાળો કાર્યકાળ પૂરો થયો અને તેમને ફરી ઓર્ડર ન મળ્યો ત્યારે પણ એટલી જ ચર્ચા થયેલી. પરંતુ 45 દિવસમાં ફરીથી પોસ્ટિંગ મેળવીને અધિક સચિવ ભટ્ટે તેમના વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. ભટ્ટની કાર્યશૈલી અને તેમની પ્રામાણિકતા અંગે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. તેમ છતાં તેમની સર્વિસ દરમિયાન ગૃહ વિભાગના તત્કાલીન એડિશનલ ચીફ સેક્રેટરી એમ.એસ.ડાગુર દ્વારા નિખિલ ભટ્ટના CRમાં નેગેટિવ નોંધ કરવામાં આવી હતી. જે બહુ ઓછા લોકો જાણે છે. આ તો અધિક સચિવ ભટ્ટનો સર્વિસ રેકોર્ડ સારો હતો એટલે તે વખતના મુખ્ય સચિવ જે.એન.સિંગ દ્વારા ખાસ કિસ્સામાં ઓફ લાઈન સુધારો કરવામાં આવ્યો હતો. નિખિલ ભટ્ટ લાંબા સમયથી ગૃહ વિભાગમાં IPS અને GPS કેડરના અધિકારીઓની બઢતી-બદલીનું  ટેબલ સંભાળી રહ્યા છે. 

IAS એસ,જે.હૈદરને ક્લીન ચીટ?, રજા ઉપરથી આવીને સંભાળી રહ્યા છે કલાઈટમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટનો હવાલો :-  શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કામગીરી સંભાળી રહેલા IAS ઓફિસર એસ.જે. હૈદર GEDAની પેનલ્ટી માફીના એક પ્રકરણમાં વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ રજામાં ઉતરી ગયા હતા. તેમના લીવ પિરિયડ દરમિયાન ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સંભાળી રહેલા એનર્જી ડિપાર્ટમેન્ટના સચિવ મમતા વર્માએ વિવાદને પગલે GEDAના ડિરેક્ટર શિવાની ગોયલ ઉપરાંત GEDAના કર્મચારીઓને તેમની કચેરીમાં બોલાવી લાંબા સમય સુધી તપાસ કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સ્વર્ણિમ સંકુલમાં એવી ચર્ચા થતી કે, વર્ષોથી ક્લાઈમેટ ચેન્જ વિભાગનો હવાલો સંભાળી રહેલા IAS હૈદર રજા ઉપરથી પાછા ફરશે એટલે તેમની ચાર્જ લઈ લેવામાં આવશે. પરંતુ હૈદર પાસે આજની તારીખે પણ આ વિભાગનો હવાલો છે. જેને કારણે તપાસમાં હૈદરને ક્લીન ચીટ આપી દેવામાં આવી હોય તેવું સચિવાલયમાં ચર્ચાઈ રહ્યું છે. 

ભુપેન્દ્ર પટેલની સરકારમાં એડિશનલ કલેક્ટર ચંદ્રેશ કોટકની બીજી ટ્રાન્સફર, હવે મહેસાણા બદલી :-  મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકાર દરમિયાન જેમનો અભૂતભુર્વ કહી શકાય તેવો દબદબો હતો, તેવા 'GAS - ગેસ' કેડરના ઓફિસર ચંદ્રેશ કોટકની મહેસાણા ખાતે SPIPAમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ચંદ્રેશ કોટક તત્કાલીન રેવન્યુ મિનિસ્ટર કૌશિક પટેલના PS ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્વાગત કાર્યક્રમ જેવા મહત્વપૂર્ણ વિભાગમાં નિષ્ઠાથી ફરજ બજાવી ચુક્યા છે. પરંતુ ભુપેન્દ્ર પટેલ સરકારમાં ટૂંકા ગાળામાં તેમની આ બીજી ટ્રાન્સફર છે. વળી આ વખતે તો તેમને અમદાવાદ કે ગાંધીનગરને બદલે મહેસાણા મોકલી દેવામાં આવ્યા છે. મીડિયા ફ્રેન્ડલી ઓફિસર એવા કોટક હાર્ટની બીમારીથી પીડાય છે છતાં તેમની આ રીતે કેમ બદલી કરવામાં આવી તે વાત સચિવાલયમાં પણ લોકોને ગળે નથી ઉતરી રહી. સ્વાગત કાર્યક્રમ દરમિયાન કોટકની રાજ્યની બિલ્ડર લોબી અંગે આવતી ફરિયાદોમાં કડકાઈથી કામ લેવાની કુનેહ તેમની નડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

કે. રાજેશ પછી હવે ગુજરાત કેડરના કયા IAS ઓફિસરનો નંબર છે ?:- કે. રાજેશ સામે CBI દ્વારા ધરપકડ કર્યા પછી ગુજરાત કેડરના વધુ એક ઓફિસર સામે તપાસનો તખ્તો તૈયાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેની ફરજ દરમિયાન કરવામાં આવેલી ગેરરીતિ અંગે સનદી અધિકારી રાજેશ સામે કાર્યવાહી થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જ એક જમીનના મામલામાં આઉટ ઓફ વે જઈને કરોડોની જમીનને બિનખેતી કરવા બદલ વધુ એક IAS સામે તપાસ-કાર્યવાહી થાય તેવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. કારણ કે જે ગ્રાઉન્ડ અને માહિતીને આધારે રાજેશ સામે એક્શન લેવામાં લેવામાં આવ્યું છે, કઈંક તેવી જ સિસ્ટમ આ IAS દ્વારા કરવામાં આવી હતી. છેક નીચેથી ફાઈલમાં નેગેટિવ નોટ કરવામાં આવી હોવા છતાં ટોચ મર્યાદાની જમીનમાં સનદી અધિકારીએ બિનખેતીના હુકમમાં સહી કરી દીધી હતી. હવે જોવાનું એ રહ્યું કે, તેમની સામે સીબીઆઈ તપાસ આવે છે કે રાજ્ય સરકાર પોતે તપાસ કરે છે.