Kutch Breaking : ગુજરાત ATS દ્વારા માંડવીમાં રહેતા ઇન્ડિયન નેવીના સોર્સ હૈદર થેમ સહીત બે વ્યક્તિને મધરાતે ઉઠાવી લેવાયા, જાણો શું છે સમગ્ર મામલો...
છેલ્લા કેટલાક સમયથી દરિયામાં કરવામાં આવતા NCB અને નેવલ ઇન્ટેલિજન્સ યુનિટનાં જોઈન્ટ ડ્રગ્સ ઓપરેશનથી ડખો થયો હોવાની સંભાવના
WND Network.Bhuj (Kutch) : છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં કામ કરતી વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સી (Intelligence Agency) અને ATS જેવી ઓપરેશનલ બ્રાન્ચ વચ્ચેનાં આંતરિક ટકરાવની ઘટનાઓ વચ્ચે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડ - એટીએસ (ATS)ની એક ટીમ દ્વારા મંગળવારની રાતે કચ્છ(Kutch)ના માંડવી ખાતેથી બે વ્યક્તિને ઉઠાવી લીધા હોવાની વાત ચર્ચાઈ રહી છે. પહેલા ગુજરાત ATS માટે અને ત્યાર પછી નેવલ ઇન્ટેલિજન્સ યુનિટ (NIU)નો સોર્સ બની ગયેલા માંડવીના હૈદર થેમ નામના વ્યક્તિની સાથે સાથે માંડવી-સલાયાના એક વ્યક્તિને રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટના પાછળ દરિયામાં થઈ રહેલા નાર્કોટિક્સ કોન્ટ્રો બ્યુરો (NCB) અને નેવીના ડ્રગ્સ ઝડપી લેવાના જોઈન્ટ ઓપરેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, થોડા સમય પહેલા ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવેલા માંડવીના હૈદર થેમને મંગળવારે માંડવીમાંથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. તેની સાથે માંડવી સલાયાના અન્ય એક વ્યક્તિને પણ લઇ જવામાં આવ્યો છે. બંને શખ્સને કયા કારણોસર ઉઠાવવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી. પરંતુ સૂત્રો દાવો કરી રહ્યા છે કે, જયારથી હૈદરે ગુજરાત ATS માટે કામ કરવાનુ બંધ કરીને નેવીનો સોર્સ બન્યો છે ત્યારથી આ ડખો ચાલી રહ્યો છે.
હંમેશની જેમ, કોઈ બોલવા તૈયાર નથી :- 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ગુજરાત એટીએસના આ ઓપરેશન અંગે વધુ માહિતી મેળવવા માટે ATSના ડીઆઈજી દીપન ભદ્રનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ થોડી વાતચીત પછી તેમનો કોલ કટ થઈ ગયો હતો. અને ત્યારપછી તેમણે કોલ ઉપાડ્યો ન હતો. ટેક્સ્ટ મેસેજ કરીને પણ DIG ભદ્રન પાસેથી માહિતી માંગવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ પ્રત્યત્તર મળ્યો ન હતો.
હૈદરને ઉઠાવવા પાછળ ડીઝલ કૌભાંડ કે ડ્રગની ટીપ જવાબદાર :- થોડા સમય પહેલા કચ્છ માંડવીના એક શખ્સ દ્વારા લાખો રૂપિયાનું ઓઇલ તેના પેટ્રોલ પમ્પ માટે દરિયા માર્ગે મંગાવવામાં આવ્યું હતું. જે ઇન્ટેલિજન્સ એજન્સી અને ઓપરેશનલ બ્રાન્ચના સપોર્ટ વિના શક્ય ન હતું. એટલે તરત હરકતમાં આવીને જે તે સમયે ગુજરાત ATS દ્વારા ભુજથી નીકળેલી ટ્રેનમાં વિરમગામ પાસે શૈલેષ મડીયાર નામના વ્યક્તિને ઉઠાવી લેવામાં આવ્યો હતો. શૈલેષની સાથે સાથે માંડવીના હૈદર થૈમને પણ અમદાવાદ ખાતે આવેલી ATSની કચેરીમાં બેસાડી દેવામાં આવ્યો હતો. જેમાં પાછળથી ગુજરાત એટીએસ અને નેવલ ઇન્ટલિજન્સના આ ખટરાગમાં NCB દ્વારા મધ્યસ્થતા કરવામાં આવી હતી. અને શૈલેષ મડીયાર અને હૈદર થૈમને કચ્છ પાછા મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પ્રથમ દ્રષ્ટિએ જોતા તે વખતે મામલો પતી ગયો હોય તેવું લાગ્યું હતું. પરંતુ જે રીતે ફરીથી હૈદરને ઉઠાવવામાં આવ્યો છે તેને જોતા એમ લાગી રહ્યું છે કે, એજન્સીઓ વચ્ચેનો આ ડખો વધે તેમ છે.
રૉ (R&AW)માં ડેપ્યુટ ગુજરાતના IPS હિમાંશુ શુક્લ પણ કચ્છ આવેલા :- કચ્છમાં ભારતની પ્રીમિયમ ઇન્ટેલિજન્સ એજન્સી રૉ નું સ્ટેશન હેડ ક્વાર્ટર આવેલું છે. સરહદી રાજ્ય હોવાને કારણે અહીં વિવિધ ઇન્ટેલ એજન્સીઓ ઉપરાંત ATS જેવી ઓપરેશનલ બ્રાન્ચના લોકો પણ સક્રિય હોય છે. ત્યારે ઇન્ટેલ એજન્સીના અધિકારીઓ અવાર નવાર કચ્છમાં આવતા-જતા હોય છે. થોડા દિવસો પહેલા દિલ્હી ખાતે રૉમાં ડેપ્યુટ રહીને કામ કરી રહેલા ગુજરાત કેડરના IPS હિમાંશુ શુક્લ કચ્છ આવ્યા હતા. તેઓ રૉ (R&AW)માં ડેપ્યુટેશનમાં ગયા તે પહેલા ગુજરાત ATSમાં ફરજ બજાવતા હતા. માંડવીનો હૈદર તેમનો ખાસ માણસ હોવાનું એજન્સીના સૂત્રો દાવો કરે છે. તેવામાં હૈદરનું ATSના સોર્સ તરીકે કામ કરવાનું મૂકીને નેવલ ઇન્ટેલિજન્સ માટે કામ કરવાને પગલે સમગ્ર ડખો થયો હતો. અને ત્યારબાદ એક પછી એક નેવી અને NCBના મોટા સક્સેસફુલ ઓપરેશન બહાર આવ્યા છે.