IAS Puja Khedkar : આખરે UPSC એક્શનમાં આવ્યું, આયોગ સાથે છેતરપિંડી કરીને IAS બનેલી પૂજા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી

ખોટી માહિતી રજુ કરીને સિવિલ સર્વિસીસની પરીક્ષામાં નિયત પ્રયત્ન કરતા વધુ વખત પરીક્ષાએ આપીને પૂજા આઈએએસ બની હોવાનો ખુલાસો થયો

IAS Puja Khedkar : આખરે UPSC એક્શનમાં આવ્યું, આયોગ સાથે છેતરપિંડી કરીને IAS બનેલી પૂજા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી

WND Network.New Delhi : દેશમાં લાખો પ્રતિભાશાળી યુવક અને યુવતીઓ સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરવા માટે તનતોડ મહેનત કરે છે ત્યારે પૂજા જેવી વ્યક્તિઓ ખોટી માહિતી, પ્રમાણપત્ર આપીને IAS બની જવાની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે સંઘ લોક સેવા આયોગ (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન- UPSC) હરકતમાં આવ્યું હતું. આયોગોએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, IAS પ્રોબેશનર પૂજા ખેડકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ FIR દાખલ કરી છે. સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માંથી પૂજાની ઉમેદવારી રદ કરવા માટે અને તેને શા માટે પ્રતિબંધિત ન કરવી જોઈએ તે માટે કારણ બતાવો નોટિસ પણ આપી છે. 

મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) આઇએએસ અધિકારી છે. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર 2023 બૅચની અધિકારી છે અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષામાં દેશભરમાં 841 મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ 2024 ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા. વૈભવી ઓડી કાર ઉપર લાલ લાઈટ લગાવીને સીનસપાટા કરતી હોવાના વિડીયો વાયરલ થયા બાદ તે ચર્ચામાં આવી હતી. 

પૂનામાં કાર્યરત હતી ત્યારે પૂજાએ પોતાના માટે અલગ ઓફિસ અને અલગ કારની માંગ કરી હતી. ઓફિસ ન મળતાં એણે પરવાનગી વિના જ એડિશનલ કલેક્ટરની ઑફિસ પર કબજો જમાવી લીધો હતો અને ઑફિસનું ફર્નિચર પણ પોતાની પસંદ મુજબ બદલાવી દીધું હતું. એ પોતાની અંગત કાર પર લાલ બત્તી લગાવીને ફરતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અંગત લાભ માટે વાહનો પર લાલ બત્તીનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. દેશના વડાપ્રધાનને સુદ્ધાં એમની ગાડી પર લાલ બત્તી લગાવવાની છૂટ નથી હોતી. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર વગેરે આપાતકાલીન (ઇમરજન્સી) વાહનોને જ લાલ બત્તી વાપરવાની છૂટ હોય છે. લાલ બત્તી ઉપરાંત પૂજાએ પોતાની ઓડી સિડાન કાર પર વીઆઈપી નંબર પ્લેટ અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર પણ લગાડેલું હતું. એ જ કાર ભૂતકાળમાં એકથી વધુ વખત ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ તેને પોલીસે દંડ પણ ફટકારેલો છે. 

અનેક સામે નકલી EWS સર્ટિફિકેટને આધારે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હોવાનો સોશિયલ મીડિયામાં દાવો : પૂજાના વિવાદ બાદ સોશિયલ મીડિયામાં ખાસ કરીને X મીડિયા પ્લેટફોર્મ ઉપર નકલી EWS સર્ટિફિકેટને આધારે અનેક લોકો સનદી પરીક્ષા પાસ કરી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. કેટલાક લોકોએ તો વિકલાંગતાનું પ્રમાણપત્ર આપીને IAS કેડરમાં પ્રવેશ લીધો હોય તેવા પણ આક્ષેપ થઇ રહ્યા છે. આવા અપંગ હોવાનો દાવો કરતા લોકોના રમત રમતા કે સાયકલિંગ કરતા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેને કારણે UPSC જેવી સર્વોચ્ચ સંસ્થાની શાખ સામે પણ હવે સવાલ થઇ રહ્યા છે.