હવે સરકારના માનીતા કોર્પોરેટ હાઉસ વિરુદ્ધ બોલવું કે લખવું આતંકી કૃત્ય જેવો ગુન્હો ગણાશે, જાણો સંસદમાં રજુ થયેલા નવા કાયદાના બિલમાં મોદી સરકારની 'ગોઠવણ'
કેન્દ્ર સરકાર નક્કી કરશે કે આર્થિક કૌભાંડ અંગેના વિવાદમાં બોલવા કે લખવાવાળાની નિયત શું છે, મતલબ સાફ છે કે પ્રીતિપાત્ર ઉદ્યોગ ગૃહોનો વિરોધ કરશો તો સરકાર તમને જેલ ભેગા કરી દેશે
WND Network.New Delhi : દેશ અને દુનિયાનું ધ્યાન જયારે દિલ્હીમાં પાર્લિયામેન્ટમાં હાથમાં ધુમાડાવાળા ટેટા લઈને ઘુસેલા યુવાન ઉપર છે અને મીડિયા પણ બ્રેકીંગ કરવાની લ્હાયમાં સતત એ ન્યૂઝ બતાવી રહ્યું છે ત્યારે સંસદમાં એક એવું બિલ કાયદાનું સ્વરૂપ લેવા જઈ રહ્યું છે જેના ઉપર કોઈનું જોઈએ એટલું ધ્યાન નથી ગયું. અથવા તો જાણી જોઈને તે તરફ નજર કરવામાં નથી આવી રહી. ઇન્ડિયન પીનલ કોડ એટલે કે IPCની જગ્યાએ કેન્દ્રની મોદી સરકારે ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)માં એવી જોગવાઈ કરી છે કે જો હવે કોઈ સરકારના માનીતા ઉદ્યોગપતિ કે તેના ઉદ્યોગગૃહ વિરુદ્ધ બોલશે, લખશે કે ચર્ચા કરશે તો તેમની સામે જે રીતે આતંકી કૃત્યમાં કાર્યવાહી કરવામાં આવે છે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. મતલબ કે, હવે સરકારના પ્રીતિપાત્ર ઉદ્યોગપતિ વિરુદ્ધ તમે કંઈપણ કરશો તો કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. કારણ કે હવે સરકાર નવા કાનૂન અંગેના બિલમાં એવી જોગવાઈ કરી છે કે, સરકાર તમારી નિયત શું છે એ નક્કી કરશે. જો સરકારને એમ લાગશે કે, તમારી નિયત સારી નથી તો દેશના અર્થતંત્રની સ્થિતિને ડહોળવાની અને તેને અસુરક્ષિત કરવાની નિયત હેઠળ તમારી સામે લીગલ એક્શન લેવામાં આવશે. અને એ પણ સામાન્ય ગુન્હો હોય તેમ નહીં પરંતુ એક આતંકી કૃત્યની જેમ.
સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં કેન્દ્રની મોદી સરકારે વર્ષો જૂની ન્યાય અને કાનૂની પ્રક્રિયા માટેની ઇન્ડિયન પીનલ કોડ (IPC)નું નામ બદલીને તેમાં ફેરફાર-સુધારા કરવા અંગેના બિલ ઉપર ચર્ચા ચાલી રહી છે. જેને ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) નામ આપવામાં આવ્યું છે. નવા કાયદાને અમલમાં લાવવા માટેના આ બિલમાં ઘણા સુધરા-ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક જોગવાઈ એવી કરવામાં આવી છે છે કે, આર્થિક ગરબડ અંગેના મામલામાં હવે તેને આંતકી કૃત્ય જેટલી ગંભીર માનવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો જો સરકારને કોઈ આર્થિક કૃત્ય કે ગુન્હામાં એમ લાગે કે તેનાથી દેશનું અર્થતંત્ર ડામાડોળ થઇ જશે અથવા તો દેશની સુરક્ષાએ જોખમાશે તો તે અંગે જેમ ત્રાસવાદી કૃત્યમાં કાર્યવાહી થાય તેમ એક્શન લેવામાં આવશે. એટલે જો કોઈ સરકારના માનીતા ઉદ્યોગપતિ કે તેના કોર્પોરેટ હાઉસ સામે આંગળી ચીંધે અને સરકારને એમ લાગે કે, તેનાથી દેશનું અર્થતંત્ર ડગમગી રહ્યું છે, કે દેશની સુરક્ષા ઉપર ખતરો છે તો તેમાં સરકાર હવે આકરી કાર્યવાહી કરશે.
જો કોઈ આર્થિક ઘટના, કૃત્ય કે ચર્ચા અથવા તો વિવાદમાં સરકારને એમ લાગે કે તમારી નિયત સારી નથી તો તમારી સામે કડક લીગલ એક્શન લેવામાં આવશે. હવે સવાલ એ થાય કે, નિયત સારી છે કે ખોટી તે કોણ નક્કી કરશે ? તો એનો જવાબ આ બિલમાં છે. જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, સરકાર તમારી નિયત નક્કી કરશે. મતલબ બહુ સાફ છે. જો તમે સરકારના માનીતા કોર્પોરેટ હાઉસ સામે કઈ કર્યું હશે તો તમારી સામે આતંકી ઘટનામાં જેમ કાર્યવાહી કરવામાં આવે છે તે રીતે એક્શન લેવામાં આવશે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજુ કરવામાં આવેલા ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ 113માં આ મુજબની જોગવાઈઓ મુકવામાં આવી છે. કેન્દ્ર સંસદમાં બહુમત છે. એટલે સ્વાભાવિક છે કે આ બિલ કોઈપણ જાતની અડચણ કે વિવાદ વગર જ પસાર થઈને નવા કાયદા સ્વરૂપે બહાર આવશે.
નેશનલ સિક્યોરિટીના નામે કેન્દ્રની મોદી સરકાર અગાઉ ઘણું છુપાવી ચુકી છે : રાષ્ટ્રીય સુરક્ષા એટલે નેશનલ સિક્યોરિટી નામનો શબ્દ એટલો સંવેદનશીલ છે જેમાં કોઈપણ સાચા-ખોટા કામને સરકાર ધારે તે મુજબ તેને અંજામ આપી શકે છે. નવા કાયદા અંગેના બિલમાં પણ નેશનલ સિક્યોરિટી શબ્દ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ભૂતકાળમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સુપ્રિમ કોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને માહિતી આપવાનો ઇન્કાર કરી ચુકી છે. ભારતીય વાયુ સેના માટે ખરીદવામાં આવેલા રાફેલ યુદ્ધ વિમાનમાં કમિશનનો વિવાદ તમને યાદ છે ? જેમાં સુપ્રિમ કોર્ટમાં કેન્દ્રની મોદી સરકારના એટર્ની જનરલે યુદ્ધ વિમાનને કેટલા ભાવે ખરીદવામાં આવ્યા છે તે અંગેની માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ જયારે સુપ્રિમ કોર્ટથી માંડીને રાજનેતાઓ, પત્રકારો વગેરના મોબાઈલ ફોનની જાસૂસી કરવા માટેના ઇઝરાયેલના પેગાસીસ સોફ્ટવેરનો વિવાદ થયો હતો ત્યારે પણ સરકારે જાસૂસી ડિવાઇસિસનો ઉપયોગ થયો છે નહીં તે અંગેનો જવાબ આપ્યો ન હતો. અને તે વખતે પણ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જવાબ ન આપી શકાય તેવું મોદી સરકારે ભરી કોર્ટમાં કહ્યું હતું. મતલબ બહુ સાફ છે. સ્પષ્ટ બહુમતીને આધારે કેન્દ્રની મોદી સરકાર ભારતીય સંવિધાનની જોગવાઇઓનો તેમને અનુકૂળ હોય તે રીતે ઉપયોગ કરી રહી છે.
હવે ઈલેક્શન કમિશન, તેના કમિશનર ઉપર પણ કોઈ કાર્યવાહી, FIR નહીં કરી શકાય : સ્પષ્ટ બહુમતીને આધારે દિલ્હીથી રાજ કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર સંવિધાનમાં સંસદને સર્વોપરી માનવામાં આવી છે તે જોગવાઇનો 'સિસ્ટમ'માં રહીને તેનો ઉપયોગ કરી રહી છે. તંદુરસ્ત લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયાને સરકારના પ્રભાવથી મુક્ત રહે અને દેશમાં ઈલેક્શન મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે સંવિધાનમાં ચૂંટણી પંચને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. જેના મુખિયા તરીકે ચૂંટણી કમિશનર હોય છે. થોડા સમય પહેલા ભારતની સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે, મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરવા માટે એક કમિટી બને. જેમાં ત્રણ વ્યક્તિ, વડાપ્રધાન, વિરોધપક્ષના નેતા અને મુખ્ય ન્યાયમૂતિ રહેશે. મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આ આદેશને ફેરવીને સંસદમાં એવું બિલ લાવ્યા છે જેમાં મુખ્ય ન્યાયમૂર્તિને બદલે હવે ત્રીજા વ્યક્તિ તરીકે વડાપ્રધાન નક્કી કરે તે કેબિનેટ મિનિસ્ટર રહેશે. હવે જો આવું થશે તો મતલબ બહુ સાફ છે. સરકાર એટલે કે વડાપ્રધાન જેને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા માંગશે એ વ્યક્તિ જ કમિશનર તરીકે નિયુકત થશે. જેની નિમણુંક સરકારે કરી હોય તે વ્યક્તિ મુક્ત અને ન્યાયી ચૂંટણી કેવી રીતે કરાવી શકશે ? એ વ્યક્તિ તો સરકારને અનુકૂળ હોય તેમ જ કામ કરશે ને ? આટલું તો હતું એમાં ચૂંટણી કમિશનરની નિમણુંક કરવા અંગેના બિલમાં સરકારે એવી પણ જોગવાઈ કરી છે કે, ચૂંટણીપંચ, ચૂંટણી કમિશનર સામે દેશમાં ક્યાંય પણ, કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી શકાય. મતલબ કે FIR પણ નહીં કરી શકાય. ચૂંટણી દરમિયાન સરકારી મશીનરી એટલે સમગ્ર તંત્ર પંચને હવાલે હોય છે. ચૂંટણી દરમિયાન ઈલેક્શન ઓફીસર તરીકે કામ કરતા કલેક્ટર અથવા તો પોલીસ અધિકારી કોઈ ગરબડ કરશે તો તેમની સામે હવે પ્રાથમિક ફરિયાદ પણ નહીં કરી શકાય.