ઇન્દોરમાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ઘસી પડતા મૂળ કચ્છના 11 સહીત પચાસથી વધુ લોકોના મોતની આશંકા
દુર્ઘટનાને પગલે કચ્છના નખત્રણા તાલુકાના પાટીદાર સમુદાયમાં શોકનો માહોલ
WND Network.Indore : ઇન્દોર ખાતે ગઈકાલે બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ઘસી પડી હતી. જેમાં અત્યાર સુધીમાં પચાસથી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટનાના કચ્છમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કારણ કે તેમાં મૂળ કચ્છના એવા નખત્રણા તાલુકા સાથે સંબંધ ધરાવતા 11 લોકોના પણ મોત નિપજયાના અહેવાલ છે. જેને પગલે કચ્છના નખત્રણા તાલુકાના પાટીદાર સમુદાયમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ગઈકાલે ગુરુવારે રામનવમીના તહેવાર નિમિત્તે ઈંદોરના સ્નેહનગરના પટેલનગર પાસે આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં કુવાની છત તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પચાસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં મૂળ કચ્છના અગિયાર લોકોનો પણ સમાવેશ થાય છે. ઇન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં જે 11 મૂળ કચ્છના લોકોના મોત નિપજ્યા છે તેમાં લક્ષ્મીબેન રતિલાલ દીવાણી ૭૦ (ટોડીયા), દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી ૫૮ (નખત્રાણા), કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી ૩૨ (નખત્રાણા), ગોમતીબેન ગંગદાસ પોકાર ૭૦ (રામપર સરવા), પુષ્પાબેન દિનેશભાઈ પોકાર ૪૯ (હરીપર), કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી ૭૩ (નખત્રાણા), પ્રિયંકા બેન પોકાર ૩૦(હરીપર), વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી ૫૮( વિરાણી મોટી), શારદાબેન કેશવલાલ પોકાર ૫૫ (રામપર, સરવા), રતનબેન નાનજીભાઈ રામાણી ૭૩ (નખત્રાણા) અને, જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી ૭૨ (નખત્રાણા)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ઇન્દોરમાં મૂળ કચ્છના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યા વસવાટ કરે છે.
મંદિરની અંદર આવેલી 60 ફૂટ ઊંડી વાવ ઉપર સ્લેબ બનાવ્યો હતો, જે તૂટી ગયો :- ઇન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરની અંદર 60 ફૂટ ઊંડી વાવ આવેલી છે. જેની ઉપર સ્લેબ બનવવામાં આવ્યો હતો. ગઈકાલે રામનવમીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે આ વાવ ઉપરનો સ્લેબ તૂટી પડતા અનેક લોકો વાવમાં પડી ગયા હતા. મધ્યપ્રદેશ સરકાર દ્વારા ઘટના અંગે તપાસના હુકમ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને રાજ્ય સરકારે પાંચ પાંચ લાખની સહાય કરવાની પણ જાહેરાત કરી છે.
આ નસીબદાર લોકો બચી ગયા :- દુર્ઘટનામાં જયાં એક તરફ પચાસથી વધુ લોકોની મોતની આશંકા સેવાઈ રહી છે ત્યારે તેમાં કેટલાક નસીબદાર પણ છે જેઓ બચી ગયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ જેમનો બચાવ થયો છે તેમાં જ્યોતિ પટેલ, શાંતા પટેલ, ભાવેશ પટેલ, પંકજ પટેલ, કનક પટેલ, વગેરેનો સમાવેશ થાય છે.
Web News Duniya