ધાર્મિક ટીપ્પણી પર શુક્રવારની નમાજ પછી દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન થયા...
ઉત્તર પ્રદેશના લખનૌ, પ્રયાગરાજ, દેવબંદ, ફિરોઝાબાદ અને મુરાદાબાદમાં વિરોધ પ્રદર્શન
WND Network. New Delhi : ધાર્મિક ટીપ્પણી પર શુક્રવારની નમાજ પછી દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ મુદ્દે ઉત્તર પ્રદેશના લખનૌ, પ્રયાગરાજ, દેવબંદ અને મુરાદાબાદમાં શુક્રવારની નમાજ બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સહારનપુરમાં, આંદોલન તંગ બની ગયું હતું અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જનો આશરો લીધો હતો.
દિલ્હીમાં, ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માની ધરપકડની માંગણી સાથે જામા મસ્જિદ ખાતે વિશાળ શાંતિપૂર્ણ વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે, મસ્જિદ સત્તાવાળાઓ દ્વારા વિરોધ માટે કોઈ કોલ આપવામાં આવ્યો નથી. શરૂઆતમાં વિરોધ લગભગ અડધો કલાક ચાલ્યો હતો, જેના પછી દેખાવકારો વિખેરાઈ ગયા હતા. અને ત્યારબાદમાં તેઓ ફરીથી ભેગા થયા. દિલ્હી પોલીસે કહ્યું કે, જામા મસ્જિદમાં દેખાવ કરવા માટે પરવાનગી ન હોવાથી પ્રદર્શનકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ડીસીપી શ્વેતા ચૌહાણે કહ્યું કે, “લગભગ 1,500 લોકો જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ માટે એકઠા થયા હતા. નમાજ પછી, લગભગ 300 લોકો બહાર આવ્યા અને નુપુર શર્મા અને નવીન જિંદાલની ભડકાઉ ટિપ્પણીનો વિરોધ કરવા લાગ્યા. 10-15 મિનિટમાં, અમે પરિસ્થિતિને કાબૂમાં લાવવામાં સફળ થયા. કોઈપણ પરવાનગી વિના રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા તેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના લખનૌ, પ્રયાગરાજ, દેવબંદ, ફિરોઝાબાદ અને મુરાદાબાદમાં પણ આ જ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સહારનપુરમાં, નવાબગંજ વિસ્તારમાં શુક્રવારની નમાજ પછી સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને ઘંટાઘર તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. પરિસ્થિતિ તંગ હતી, પરંતુ હાલ નિયંત્રણમાં છે.
રાંચીમાં, શર્માની ધરપકડની માંગ કરતા આંદોલનમાં પથ્થરમારો થયો, જેના પગલે પોલીસે વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો. પોલીસે ભીડને કાબૂમાં લેવા હવામાં ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટના ડેઈલી માર્કેટ નજીક શુક્રવારની નમાજ પછી બની હતી, જ્યાં દુકાનદારો આ મુદ્દાને લઈને દિવસભરનો બંધ પાળી રહ્યા હતા.