Breaking : ભુજમાં ઓવેસીની પાર્ટી AIMIMના હોદ્દેદાર પાસાના આરોપીએ પોલીસ ઉપર ગાડી ચઢાવી દીધી, જાણો શું છે સમગ્ર મામલો...
બે મર્ડરના આરોપીને પોલીસ પકડી એલસીબીની ઓફિસે લઇ ગઈ
WND Network.Bhuj (Kutch) : કચ્છના પાટનગર ભુજમાં ઓવેસીની પાર્ટી AIMIMના હોદ્દેદાર એવા પાસાના આરોપીએ પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો એક ચોંકાવનારો બનાવ ગુરુવારે સાંજે બન્યો છે. જેમાં પોલીસે છેવટે આરોપીને પકડીને તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઇ આવી છે. સમગ્ર ઘટનાને પગલે ભુજમાં પોલીસ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળી હતી.
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, બે મર્ડર સહીત એક મારામારીના તાજેતરના બનાવમાં સંડોવાયેલા આરોપી મુજાહીદ હીંગોરજા નામના વ્યક્તિને પકડવા માટે એલસીબીની એક ટીમ ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલા ગાંધીનગરી રોડ ઉપર વોચમાં ગોઠવાઈ હતી ત્યારે પોલીસ ઉપર હુમલાનો આ બનાવ બન્યો હતો. ઓવેસીની રાજકીય પાર્ટી ઓલ ઇન્ડિયા મજલીશ-એ-ઈત્તેદાહુલ મુસ્લિમીનહીન (AIMIM )નાં કચ્છના જિમ્મેદાર તરીકે જેમની નિમણુંક કરવામાં આવેલી છે તેવા મુજાહીદ અલીમામદ હીંગોરજા નામના વ્યક્તિ સામે કચ્છ કલેક્ટર દ્વારા પાસાનો હુકમ કરવામાં આવ્યો હતો. આથી પોલીસ તેને બાતમીને આધારે પકડવા માટે ભુજમાં વોચ રાખીને બેઠી હતી. દરમિયાન મુજાહીદ અલીમામદ હીંગોરજાને ભુજના ગાંધીનગરી એરપોર્ટ રોડ ઉપરથી પસાર થવાની બાતમીને આધારે પોલીસે તેને ત્યાં રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન તેણે પોલીસ ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો.
પશ્ચિમ કચ્છના એસપી સૌરભસિંહ દ્વારા આ ઘટનાને સમર્થન આપવામાં આવીને જણાવવામાં આવ્યું હતું કે, તેમને પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટના ગુરુવારે રાતે આઠેક વાગ્યના અરસામાં બની હતી. ગાંધીનગરી રોડ પર LCBની ટુકડીએ પાસાનો વોરંટ બજાવવા માટે તેને રોકાવ્યો હતો ત્યારે તેણે દાદ ન આપી ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેની હરકતને નિષ્ફળ બનાવીને તેને ઝડપી લીધો હતો. અને ત્યારબાદ તેને કડક જાપ્તા હેઠળ ભુજમાં આવેલી એલસીની કચેરીએ લઇ જવામાં આવ્યો હતો.