Off The Record : જુનિયર IAS દાસને CSનું પ્રમોશન આપી ભાજપે મહિલા IAS સુનયના તોમરને સુપરસીડ કર્યા, હર્ષ સંઘવી પછી હવે રિવાબા જાડેજાને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે ? મુખ્ય સચિવની જેમ DGPની નિયુક્તિ બાદ IPSમાં પણ સુપરસીડનો ખેલ ખેલાશે ?
દિલ્હીમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવતા ગુજરાત કેડરના કે.શ્રીનિવાસન કેબિનેટ સેક્રેટરી બનશે કે ગુજરાત CMOની કમાન સંભાળશે ? રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની Off The Record ચર્ચાઓ
એક વર્ષ જુનિયર IAS દાસને ચીફ સેક્રેટરીનું પ્રમોશન આપી ભાજપે મહિલા IAS સુનયના તોમરને સુપરસીડ કર્યા : સામાન્ય રીતે સનદી અધિકારીઓ IAS - IPS સિનિયર જુનિયરનું ખાસ્સું એવું મહત્વ હોય છે. એટલે સરકાર જયારે પણ કોઈ ચીફ સેક્રેટરી કે DGP જેવા પોસ્ટીંગમાં કોઈને ભેદભાવ થાય નહિ તેનું ધ્યાન રાખતી હોય છે. રાજ્ય સરકારે વર્ષ 1989ની બેચના IAS ઓફિસર તત્કાલીન મુખ્ય સચિવ પંકજ જોશીને સ્થાને તેમની નિવૃત્તિના બે દિવસ પહેલા જ 1990ની બેચના IAS એમ.કે.દાસની નિમણુંકની જાહેરાત કરી ત્યારે સચિવાલયમાં એમ ચર્ચા હતી કે, દાસથી સિનિયર 1989ની બેચના મહિલા IAS સુનયના તોમરની સિનિયોરિટીની ગરિમા જાળવીને સચિવાલયની બહાર તેમના હોદ્દાને અનુરૂપ તેમજ મુખ્ય સચિવ દાસના તાબાથી દૂર પોસ્ટિંગ આપશે. પરંતુ તેવું થયું નહીં. પરિણામે તાલ એવો સર્જાયો કે, જે સુનયના તોમરે તેમની સિગ્નેચરથી દાસને ચીફ સેક્રેટરી બનાવ્યા તેમને હવે દાસના વડપણ હેઠળ સચિવાલયમાં કામ કરવું પડશે.કામગીરી કરવી પડશે. IAS સુનયના તોમર પાસે શિક્ષણનો રેગ્યુલર ચાર્જ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગનો પણ હવાલો છે. તેઓ રાજ્યના નિવૃત્ત IPS અજય તોમરના પત્ની છે. રાજ્યની ભાજપની સરકાર ધારતી તો આ સ્થિતિને ટાળી શકતી હતી. એક તરફ ભાજપ ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાઓને પ્રાધ્યાન આપી રહી છે ત્યાં મહિલા IAS અધિકારીને શરમજનક સ્થિતિમાં મૂકી દેવાની ઓછી હરકત સચિવાલયમાં ટીકાને પાત્ર બની છે.
હર્ષ સંઘવી પછી હવે રિવાબા જાડેજાને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે ? : જુના મંત્રીમંડળમાં સિનિયર કેબિનેટ લેવલના મંત્રીઓ હોવા છતાં પ્રચાર અને દેખાડો માત્ર રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીનો થતો હોય તેવું લાગતું હતું. કામગીરીથી લઈને સોસીયલ મીડિયા સુધી ચારે તરફ હર્ષ સંઘવી જ છવાયેલા જોવા મળતાં હતા. પરિણામે જયારે રાજ્યકક્ષાના મંત્રીમાંથી ડેપ્યુટી સીએમ બનવવા છતાં કોઈને એટલી નવાઈ ન લાગી હતી. આવું જ કંઈ હવે પહેલી વખત મંત્રી બનેલા રિવાબા જાડેજાનું પણ થઈ રહ્યું છે. હર્ષ સંઘવી પછી 26ના નવા મંત્રીમંડળમાં ચર્ચા સૌથી વધારે ચર્ચામાં રિવાબા જાડેજા છે. તેમની સાથે અન્ય મહિલા મંત્રી પણ છતાં વાતો અને પ્રચાર - પ્રસાર રિવાબાનો થઇ રહ્યો છે. એટલે ભવિષ્યમાં સંઘવીની જેમ અચાનક રિવાબાનું નસીબ ચમકી જાય તો નવાઈ નહીં.
IAS કે.શ્રીનિવાસન કેબિનેટ સેક્રેટરી બનશે કે ગુજરાત CMOની કમાન સંભાળશે ? : IAS એમ.કે.દાસને ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા પછી ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલય (CMO)માં કોણ આવી શકે છે તેની ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. જેમાં મોસ્ટ એલિજિબલ ઓફિસર તરીકે ગુજરાત કેડરના 1989ની બેચના કે.શ્રીનિવાસનનું નામ આગળ હોવાનું સચિવાલયમાં ચર્ચાઈ રહ્યું છે. મૂળ હૈદરાબાદના શ્રીનિવાસન હાલ કેન્દ્રમાં હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. IAS પંકજ જોશીની નિવૃત્તિ બાદ તેઓ ગુજરાત કેડરના સૌથી સિનિયર ઓફિસર છે. એટલે સંભવ છે કે, વડાપ્રધાન મોદી ગુજરાત કેડરમાંથી આવતા કે.શ્રીનિવાસનને કેબિનેટ સચિવ બનાવીને દિલ્હીના બાબુડોમમાં ગુજરાતને શિરપાવ આપે. અથવા એવું પણ બને કે, દાસના સીએસ બન્યા પછી કે ખાલીપો CMOમાં આવ્યો છે તેને ભરવા કે.શ્રીનિવાસનને ગુજરાત પાછા પણ લાવી શકે છે.
મુખ્ય સચિવની જેમ DGPની નિયુક્તિ બાદ IPSમાં પણ સુપરસીડનો ખેલ ખેલાશે ? : હાલ ગુજરાત સહીત સમગ્ર દેશમાં તાલ એવો છે કે, કયારે શું થશે તે લોકો કે અન્ય ને તો ઠીક ભાજપના દિગ્ગજ નેતાઓને પણ ખબર હોતી નથી. સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું હોય તેમ સમગ્ર નિર્ણય દિલ્હી રાયસીના હિલ્સથી લેવામાં આવી રહ્યા છે. IAS - IPSની બઢતી કે બદલીના ઓર્ડરમાં પણ દિલ્હીની અસર જોવા મળે છે. જેને લીધે ગુજરાતના મુખ્ય સચિવની નિયુક્તિ બાદ જે રીતે મહિલા IAS સુનયના તોમરને સુપરસીડ કરવામાં આવ્યા તેને જોતા ગુજરાતની IPS કેડરમાં પણ આવું બનશે કે કેમ તેની ચર્ચાઓ અત્યારથી શરુ થઈ ગઈ છે. કારણ કે, હાલના DGP IPS વિકાસ સહાયનું છ મહિનાનું ઍક્સટેંશન ડિસેમ્બર,2025માં એટલે કે બે મહિના બાદ પૂરું થઇ રહ્યું છે. સહાય પછીના સૌથી સિનિયર મોસ્ટ IPS સમશેર સિંહ હાલ કેન્દ્રમાં BSFના એડિશનલ DG તરીકે ડેપ્યુટેશન ઉપર છે. એટલે સંભવ છે કે, જેમ અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકને રાતોરાત કેન્દ્રની પ્રતિનિયુક્તિમાંથી પરત બોલાવીને અમદાવાદના કમિશનર ઓફ પોલીસ બનાવવામાં આવ્યા તેમ સમશેર સિંહને પણ દિલ્હીથી બોલાવીને ગુજરાતના DG તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. પરંતુ તેમની નિવૃત્તિને ત્રણ મહિના બાકી રહે છે. એટલે નિયમ મુજબ જેમનો કાર્યકાળ છ મહિનાથી પણ ઓછો હોય તેમને DGP તરીકે નિમણુંક ન કરી શકાય ( જો કે હવે આવા નીતિ નિયમો ભાજપની સરકારમાં ચાલતા નથી એ પણ હકીકત છે). સમશેર સિંહ દિલ્હીના BJPના નેતા પ્રવેશ સિંહ સાહેબ સિંહ વર્માના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જો એમ ન થાય તો તેમના બાદના સિનિયર મોસ્ટ આઇપીએસ ઓફિસર ડો.કે.એલ.એન.રાવનો પણ નંબર લાગી શકે છે. IPS ડો.રાવને થોડા સમય માટે DGP બનાવી મોદી સરકાર આંધ્રના તેમના સહયોગી TDPના નેતા ચંદ્રબાબુ નાયડું ઉપર હાથ રાખી શકે છે. જો અને તો ના આ ખેલમાં IPS જી.એસ.મલિક હુકમના એક્કા સમાન છે. જેમનું ગુજરાતના DGP થવું નક્કી જ છે. હવે જોવાનું એ રહ્યું કે, મોદી સરકાર સુનયના તોમરની જેમ રાવ ને સુપરસીડ કરે છે કેમ.
ગુજરાત રાજ્યના શીર્ષ વહીવટી સ્થાન ચીફ સેક્રેટરી અને DGPની પોસ્ટ ઉપર બિહારી બાબુઓનો દબદબો બરકાર : રાજ્યની વહીવટની ધુરામા સૌથી ઊંચું સ્થાન મુખ્ય સચિવનું છે. એવી જ રીતે પોલીસમાં DGPનું હોય છે. યોગાનુયોગ કહો કે ગમે તે પરંતુ આ બંને સ્થાન ઉપર લાંબા સમયથી બિહારમાંથી આવતા IAS - IPSનો દબદબો રહેતો આવ્યો છે. નવનિયુક્ત ચીફ સેક્ર્ટરી IAS મનોજકુમાર દાસ બિહારના દરભંગા જિલ્લામાંથી આવે છે. તેવી જ રીતે ઍક્સટેંશન ઉપર ચાલી રહેલા DGP IPS વિકાસ સહાય પણ બિહારના વતની છે. અગાઉ સીએસ તરીકે બિહારથી આવેલા જે.એન.સીંગ અને પંકજ કુમાર કાર્યભાર સાંભળી ચુક્યા છે. તેવી જ રીતે DGP તરીકે ફરજ બજાવી ચૂકેલા રિટાયર્ડ IPS શિવાનંદ ઝા પણ મૂળ બિહારના હતા. અગાઉ પણ બિહાર સ્ટેટમાંથી આવતા IAS - IPS ગુજરાતમાં શીર્ષ સ્થાન ઉપર ફરજ બજાવી ચુક્યા છે.
જર્ક(GERC)ના ચેરમેનની પોસ્ટ માટે વધુ એક દાવેદાર, રિટાયર્ડ IAS પંકજ જોશીનો ઉમેરો થયો : ગુજરાતની તમામ સરકારી ઉર્જા કંપની - નિગમ ઉપરાંત અદાણી-અંબાણી અને ટોરેન્ટ જેવા મોટા ખાનગી ઉદ્યોગ સમૂહ ઉપર કંટ્રોલ એટલે નિયંત્રણ કરવા માટેના ગુજરાત સરકારના ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન - ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC)ના ચેરમેન રિટાર્યડ IAS અનિલ મુકીમનો કાર્યકાળ ઓગસ્ટની પંદર તારીખે વય મર્યાદાને લીધે પૂરો થઈ ગયો છે. છતાં સરકારે આ જગ્યા ઉપર કોઈની નિયુક્તિ કરી નથી. ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે રિટાર્યડ થયેલા નિવૃત્ત IAS અનિલ મુકીમ (Anil Mukim)ને સ્થાને કોણ ગોઠવાશે તે જાણવા માટે મોટા ખાનગી ઉદ્યોગ સમૂહ સહીત ગુજરાતની IAS લોબી ઉપરાંત રાજકારણીઓ પણ ઉત્સુક છે. મુકીમના સ્થાને થોડા સમય પહેલા નિવૃત્ત થયેલા IAS જે.પી.ગુપ્તા, કમલ દયાની ની સાથે સાથે હાલમાં સેવારત IAS એસ.જે. હૈદરનું નામ ચર્ચામાં છે. દયાની અને ગુપ્તા થોડા દિવસ પહેલા જ વડોદરામાં કાર્યરત નિગમના MD તરીકેનું ઇન્ટરવ્યૂ આપી આવ્યા છે. હવે આ નામોમાં નિવૃત્ત IAS પંકજ જોશીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. કરોડો નહીં પરંતુ હજારો અબજો રૂપિયાની 'સત્તાવાર' લેવડ દેવડ ઉપર અસર કરનારી આ પોસ્ટ માટે ગુજરાત સરકાર કોના નામ ઉપર મત્તુ મારે છે એ આગામી સમયમાં જ ખબર પડશે.
ગૃહ વિભાગના સચિવની પસદંગી રાજ્ય સરકાર માટે કસોટી સમાન : નવનિયુક્ત મુખ્ય સચિવ પાસે એમ.કે.દાસ પાસે ગૃહ વિભાગનો હવાલો હતો. એટલે હવે આ જગ્યા પણ ખાલી પડી છે. સૂત્રોનું માનીએ તો, સરકાર માટે હોમ માટે ACSની પસંદગી થોડી અઘરી બની છે. IAS અરુણ સોલંકી અને ચંદ્ર વાન સોમ રાજ્ય સરકારની ગુડ બુકમાં નથી. એટલે વાત આવે છે મહિલા IAS ડો.અંજુ શર્મા અને રેવન્યુ સેક્રેટરી જયંતિ રવિની. મહિલા અધિકારી અંજુ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની પહેલી પસંદ નથી. અને જયંતિ રવીને મહેસુલ છોડાવવામાં સરકારને રસ નથી. બંને મહિલા IAS 1991ની બેચના છે. આ બેચમાં IAS એસ.જે.હૈદર પણ છે. હવે જોવાનું રહ્યું કે, હર્ષ સંઘવી સાથે કામ કરવાનો મોકો કોને મળે છે.
વડોદરાનું રેવન્યુ પ્રકરણ GAS કેડરના એડિશનલ કલેક્ટર પ્રજાપતિને નડયું, CMOના રિટાયર્ડ IAS અતુલ ગોરને ઉની આંચ પણ નહીં : રાજ્ય સરકારે જયારે થોડા સમય પહેલા GAS કેડરના ઓફિસર્સના ટ્રાન્સફર ઓર્ડર કાર્ય હતા ત્યારે વડોદરાના એડિશનલ કલેક્ટર બી.એસ.પ્રજાપતિ નામના અધિકારીને ઘણા મહિનાઓ સુધી પોસ્ટિંગ આપવામાં આવ્યું ન હતું, હેંગિંગ રાખવામાં આવ્યા હતા. હવે તેમને કચ્છમાં સિવિલ ડિફેન્સનો ચાર્જ આપવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે, વડોદરાના એક જમીન પ્રકરણમાં તેમની સાથે IAS અતુલ ગોરનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું. અતુલ ગોર થોડા સમય પહેલા જ IAS કેડર નિવૃત્ત થયેલા છે. ગોર હાલમાં CMOમાં ફરજ બજાવી રહ્યા છે. મજાની વાત એ છે કે, અતુલ ગોર CMOમાં રેવન્યુ જોઈ રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, આ બંને ઓફિસરના નિર્ણયને લીધે સરકારી તિજોરીને ખાસ્સું એવું નુકશાન થયું હતું. એટલે પ્રજાપતિને હોલ્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના માહિતી ખાતાએ બિહાર ચૂંટણીની પ્રેસનોટ આપીને અચંબામાં મૂકી દીધા : રાજ્યના સરકારના માહિતી ખાતાનું કામ આમ તો સરકારની કામગીરી સહીત મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળના કામકાજથી મીડિયાને વાકેફ રાખવાનું છે. રાજકીય કાર્યકમો કે તેની કામગીરી માટે જે તે રાજકીય મીડિયા સેલ કામ કરતો હોય છે. પરંતુ તાજેતરમાં જયારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ જયારે બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા ત્યારે CM પટેલે બિહારમાં કયાં સભા કરી અને શું બોલ્યા તેની પ્રેસનોટ હતી. જે અત્યાર સુધીના ઇતિહાસમાં કયારેય બન્યું નથી. લોકોની નાડ પારખવાનો દાવો કરતા ગુજરાતના અખબારો અને ચેનલો એ લાજ કાઢી પણ વિપક્ષ કોંગ્રેસ પણ આ મુદ્દે ચૂપ રહ્યો હતો.
મંત્રીઓના ગજગ્રાહનો ફાયદો અધિકારીઓને થશે અને લોકોનો મરો થશે : મંત્રીમંડળને લઈને ખાસ્સું એવું એનાલિસિસ થઇ ગયું છે તેમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી એ છે કે, મંત્રીમંડળ મોટું કરીને ભાજપે તેના નેતાઓને સાચવી લીધા પરંતુ તેમાં લોકોના કામ નહીં થાય અને ફાયદો અધિકારીઓને થશે. પહેલા એક વિભાગમાં એક મંત્રી હતા અથવા તો એકની પાસે જ અન્ય વિભાગના હવાલા હતા. જેને લીધે મંત્રીઓ કોઈપણ નિર્ણય બાબતે અધિકારીઓને તાબે થતા ન હતા. પરંતુ હવે એક વિભાગમાં બે મંત્રી હોવાને લીધે બે મંત્રી હોવાનો ફાયદો અધિકારી ઉઠાવીને વિભાગને ગોટે ચઢાવી શકે છે. જેને લીધે લોકોના કામ નહીં થાય. એટલે આગામી સમયમાં બે મંત્રીઓના આંતરિક ડખાની વાતો આવે તો નવાઈ નહીં પામતા.
Web News Duniya