UGC's Committee on Caste Discrimination : શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા જાતિ આધારિત ભેદભાવની તપાસ માટે રચવામાં આવેલી UGCની સમિતિ સાવ નિષ્ફળ !
PhDના સ્ટુડન્ટ વેમુલા અને મેડિકલની છાત્રા ડૉ.પાયલની આત્મહત્યા બાદ સુપ્રીમ કોર્ટે UGCને તપાસ માટે સમિતિ રચવાનો આદેશ કર્યો હતો
WND Network.New Delhi : કોલેજો અને યુનિવર્સીટીઓ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા જાતિ આધારિત ભેદભાવની તપાસ માટે રચવામાં આવેલી UGCની સમિતિ સાવ નિષ્ફળ રહી છે. આ સમિતિએ અત્યાર સુધીમાં માત્ર ત્રણ વખત બેઠક કરી છે. છતાં જે મુદ્દે તેની રચના કરવામાં આવી હતી તે અંગે કોઈ ઠોસ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. જાન્યુઆરી,2016માં હૈદરાબાદ યુનિવર્સીટીમાંથી PhD કરી રહેલા રોહિત વેમુલા નામના યુવાને જાતિ આધારિત અપમાનને પગલે આત્મહત્યા કરી લીધી હતી. તેવી જ રીતે આદિવાસી સમુદાયમાંથી આવતી ડો.પાયલ તડવી નામના આશાસ્પદ મેડિકલ સ્ટુડેન્ટને પણ પછાત જ્ઞાતિમાંથી આવતા હોવાને કારણે હેરાન કરવામાં આવી હતી. આ બંને છાત્રાઓની માતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અને સુપ્રીમ કોર્ટે ત્યારબાદ યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન (UGC)ને આ મુદ્દે તપાસ કરવાનો હુકમ કર્યો હતો અને એક તપાસ સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો.
રોહિત અને પાયલની માતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને ગયા વર્ષે જુલાઈમાં આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ સમસ્યાને 'ગંભીર' અને 'સંવેદનશીલ' ગણાવી હતી. ત્યારબાદ યુજીસીએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ તેના નિયમો અને યોજનાઓ પર ફરીથી વિચાર-વિમર્શ કરવા માટે 9 સભ્યોની કહેવાતા નિષ્ણાત સભ્યોની સમિતિની રચના કરી હતી. યુજીસી દ્વારા જે સમિતિ રચવામાં આવી હતી તેના સભ્યો પાસે આવી કોઈ તપાસ કરવાનો અનુભવ ન હતો. ઉલટાનું તેઓ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોવાને કારણે સમિતિ પ્રામાણિક અને નિષ્પક્ષ તપાસ કરશે કે કેમ તેમાં પણ શંકા રહી હતી. અને આ શંકા માટે પૂરતા કારણો પણ છે.
સમિતિના અધ્યક્ષ તરીકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ શૈલેષ એન.ઝાલાને નિયુકત કરવામાં આવ્યા હતા. સમિતિના સભ્યોનું બેકગ્રાઉન્ડ જોઈને સ્પષ્ટ દેખાય છે કે, તેમને એમના કોઈ એકેડેમિક બેકગ્રાઉન્ડ ને લીધે નહીં પરંતુ રાજકીય પક્ષ સાથેની તેમની 'નજદીકીયાં' ને લીધે નિયુકત કરવામાં આવેલા છે. સમિતિના અધ્યક્ષની વાત કરીએ તો શૈલેષ ઝાલા ભાવનગર યુનિવર્સીટીના કુલપતિ બન્યા તે પહેલા RSSની વિદ્યાર્થી શાખા ABVPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. સમિતિના અન્ય સભ્ય એવા દિલ્હીની સત્યવતી કોલેજના વિજય શંકર મિશ્રા ભૂતકાળમાં અનામતના રોસ્ટરનું પાલન ન કરવાનો ગંભીર આરોપ થયેલો છે. મિશ્રા જેવી વ્યક્તિ જાતિ ભેદભાવ દર્શાવતા આરોપો છે ત્યારે તેમને સમિતિમાં રાખવાનો UGCનો નિર્ણય ગંભીર પ્રકારના પ્રશ્નોને જન્મ આપે તેવો છે. હવે જો ખરેખર આવી પરિસ્થિતિ હોય ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશથી અસ્તિત્વમાં આવેલી સમિતિ કે યુજીસી આ પ્રકારના અતિ સંવેદનશીલ મામલે કોઈ ઠોસ એક્શન લેશે કે કેમ તે પણ યક્ષ પ્રશ્ર છે.