સત્તા સાથે રહો તો ઇનામ મળે પરંતુ એ પહેલા જેલમાં પણ જવું પડે, જાણો શું સમાનતા છે ખેડા પોલીસ અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ વચ્ચે...
પથ્થરમારો કરનારા યુવાનોને જાહેરમાં ફટકારતી ખેડા પોલીસ સામે તપાસના હુકમ
WND Network.Kheda :- ખેડા પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા આરોપીઓને જાહેરમાં ફટકારવાની ઘટનાનાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોસીયલ મીડિયામાં ઘટનાની તરફેણ અને વિરુદ્ધમાં લોકો બોલી રહ્યા છે. ત્યારે ખેડા પોલીસનાં અમુક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અંજામ આપવામાં આવેલા આ બનાવમાં ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રીએ આપેલા નિવેદન પછી મામલો વધુ વિવાદમાં સપડાયો છે. જે રીતે ખેડા પોલીસના લોકોએ યુવાનોને માર્યા અને ત્યારબાદ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું તેના ઉપરથી એક વાત તો સાબિત થાય છે કે, પોલીસે સત્તાને ખુશ કરવા માટે આવું કર્યું છે. પરંતુ તેઓ ભૂલી ગયા કે, સત્તાને ખુશ કરવા જતા ઇનામ કે શાબાશી જરૂર મળે છે. પરંતુ તે પહેલા કાર્યવાહી અથવા તો જેલમાં પણ જવું પડે છે. આવું જ કઈંક ગુજરાતમાં થયેલા ફેક એન્કાઉન્ટર વખતે થયું હતું. જેમાં કેટલાક IPS અધિકારીઓ સહીત વીસથી વધુ પોલીસ કર્મચારીઓને વર્ષોનો જેલવાસ ભોગવો પડ્યો હતો. અલબત્ત ત્યાર પછી તે અધિકારીઓને પ્રમોશન સહીત એક જગ્યાએ લાંબુ ક્રીમ પોસ્ટિંગ પણ મળ્યું છે. અને કદાચ એટલે જ ખેડા પોલીસને પણ તેની મૂળ ફરજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાને બદલે ગુનેગારોને જાહેરમાં સજા કરવાનું સૂઝ્યું હશે તેવું લાગી રહ્યું છે.
ખેડા જિલ્લામાં ત્રીજી ઓક્ટોબરે બનેલી ઘટના અંગે હવે સૌ કોઈ જાણે છે. એટલે આપણે સૌથી પહેલા વાત કરીએ ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર અને તેમાં સપડાયેલા પોલીસ અધિકારીઓની. અત્યારે તેઓ કયાં છે અને શું કરી રહ્યા છે. કારણ કે ખેડાની ઘટનાને સમજવા માટે એ જરૂરી છે. ગુજરાત પોલીસ દ્વારા આમ તો ઘણા એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. તેમાં કેટલા સાચા અને કેટલા નકલી એમાં આપણે નથી પડવું. પરંતુ અમુક અથડામણ જે ચર્ચામા રહી અને જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીત નાના કર્મચારીઓને પણ જેલમાં જવું પડ્યું તેમાં સોરાબુદ્દીન, ઇશરત, સાદિક જમાલ, તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર છે. અને તેનો ગુજરાતની રાજનીતિમાં પણ ખાસ્સો એવો પ્રભાવ જોવા મળ્યો છે.
ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ જુદા જુદા એન્કાઉન્ટરમાં IPS અધિકારીઓમાં ડી.જી.વણઝારા, રાજકુમાર પાંડીયન,ડોકટર વિપુલ અગ્રવાલ, ગિરીશ સિંઘલ, અભય ચુડાસમા ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર તરુણ બારોટ, આશિષ પંડ્યા સહિતનાને ઘણું ભોગવવું પડ્યું હતું. કેટલાકે તો તેમની ઝિન્દગીનાં અમૂલ્ય વર્ષો જેલમાં જ કાઢી નાખ્યા હતા. ડી.જી. વણઝારાને તો જેલમાં જ નિવૃત્ત થવું પડ્યું હતું. પરંતુ આ બધામાં રાજકુમાર પાંડીયન,ડોકટર વિપુલ અગ્રવાલ, ગિરીશ સિંઘલ, અભય ચુડાસમા સહીત ઇન્સ્પેક્ટર તરુણ બારોટ અને આશિષ પંડ્યા નસીબદાર રહ્યા હતા. જેઓ જેલમાં ગયા હોવા છતાં ગુજરાત સરકારે તેમને કોર્ટના ચુકાદા પછી ન માત્ર તેમને સસ્પેનશનમાંથી બહાર કાઢ્યા પરંતુ સારું પોસ્ટિંગ પણ આપ્યું. અને હાલમાં તેઓ ક્રીમ પોસ્ટિંગ કહી શકાય તેવી જગ્યાએ નોકરી કરી રહ્યા છે. અને તે પણ લાંબા સમયથી. અને કદાચ એટલે જાહેરમાં પથ્થરમારાના આરોપીઓને ફટકારનારા ખેડા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને પણ એવું થયું હશે કે, સત્તાને ગમે તેવું કામ કરીશું તો તેમને પણ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ જેવો લાભ થશે.
જાણો કયાં ફરજ બજાવી રહ્યા છે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પોલીસ અધિકારીઓ :- DIG ડીજી વણઝારા તો જેલવાસ દરમિયાન જ નિવૃત્ત થઈ ગયા હતા. જયારે IPS રાજકુમાર પાંડીયન જેલમાંથી બહાર આવ્યા પછી એક નોન કેડર પોસ્ટીંગને બાદ કરતા રેન્જમાં જ ફરજ બજાવી રહ્યા છે. તેઓને જૂનાગઢ રેંજમાથી સુરત રેન્જમાં મુકવામાં આવ્યા હતા. જ્યા તેઓ ચાર વર્ષથી પણ વધુ સમયથી નોકરી કરી રહ્યા છે. તેવી જ રીતે ગિરીશ સિંઘલ પણ નોકરી ઉપર પાછા આવ્યા પછી પ્રમોશન સાથે IG તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP તરીકે ફરજ ઉપર હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી તેવા અભય ચુડાસમા હાલ ગાંધીનગર રેન્જના આઇજી છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરુણ બારોટને નિવૃત્તિ પછી ઍક્સટેંશન આપવામાં આવ્યું હતું. અને તેઓ Dy.SP તરીકે રીટાયર્ડ થયા હતા. તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટરમાં પાલનપુર જેલમાં રહી ચૂકેલા આશિષ પંડ્યા તેમના વતન કચ્છમાં લાંબા સમયથી ડીવાયએસપી છે. અને પંડ્યાના બોસ રહી ચૂકેલા IPS ડોક્ટર વિપુલ અગ્રવાલ નેશનલ રૂરલ હેલ્થ મિશનના ડિરેક્ટર છે. આમ મોટાભાગના પોલીસ અધિકારીઓ ભલે જેલમાં ગયા પરંતુ પછી તેમની સરકારે કદર કરી છે. અને કદાચ તેમને જોઈને ખેડા પોલીસના આ લોકો પણ સરકારને ખુશ રાખવા માટે કોર્ટની ભૂમિકામાં આવી ગયા હશે