કચ્છ : વિધાનસભા ચૂંટણી ટાણે રાપરમાં કોંગ્રેસના ભચુ આરેઠીયાનો 'કારોબાર' સંભાળનાર બિલ્ડરની મુંબઈમાં ગોળી મારી હત્યા
ભચુભાઈનો જમણો હાથ માનવામાં આવતા સવજીભાઈ મંજરી (પટેલ) ને બાઈક ઉપર આવેલા બે વ્યક્તિએ ગોળી ધરબી દીધી
WND Network.Bhuj (Kutch) : નવી મુંબઈ ખાતે બુધવારે સાંજે મૂળ કચ્છના એક બિલ્ડરને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મૂળ પૂર્વ કચ્છના સાંય ગામના વતની એવા સવજીભાઈ મંજેરી (પટેલ) બુધવારે સાંજે નવી મુંબઈના નેરુલ એરિયામાં આવેલા અપના બજાર પાસે પાર્ક કરેલી તેમની કાર ચાલુ કરવા જેવા અંદર બેઠા કે, બાઈક ઉપર આવેલા બે અજાણ્યા વ્યક્તિએ ધડાધડ ત્રણ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી. પોલીસ આવે તે પહેલા તેમનું ઘટના સ્થળે કારમાં મોત નીપજ્યું હતું. આ ઘટના કચ્છમાં, ખાસ કરીને વાગડ પંથકમાં ચર્ચાનો વિષય બની છે. કારણ કે, અઢી મહિના પહેલા જ વ્યવસાયે એવા બિલ્ડર સવજીભાઈ મંજેરી (પટેલ) વિધાનસભા ચૂંટણી વખતે ખાસ્સા એવા સક્રિય રહ્યા હતા. તેમણે કચ્છમાં રાપર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઇ અરેઠીયા વાટી બધો 'વહીવટ' સંભાળ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ વહીવટી તંત્રથી માંડીને પોલીસ તેમજ કચ્છના મીડિયા સહિતના લોકોને સવજીભાઈ મંજેરી દ્વારા જ બ્રીફ કરવામાં આવતા હોવાને પગલે તેમને કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઇના ખાસ, જમણા હાથ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
મુંબઈમાં બિલ્ડર તરીકે કામ કરતા સવજીભાઈ મંજેરીની હત્યાને પગલે કચ્છમાં ખાસ કરીને વાગડના લેઉવા પટેલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. તેઓ મુંબઈના ઈમ્પૅરિયા ગ્રુપ સાથે સંકળાયેલા છે. રાપર વિધાનસભા બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણી વખતે જયારે કોંગ્રેસ દ્વારા સંતોકબેન આરેઠીયાને બદલે તેમના પતિ ભચુભાઇને ટિકિટ આપી ત્યારથી મૃતક સવજીભાઈ રાપરમાં આવી ગયા હતા. ભચુભાઇના એકદમ નજીકના અને વિશ્વાસુ હોવાને કારણે તેમને ચૂંટણીનો સમગ્ર કારોબાર સોંપવામાં આવ્યો હતો. સવજીભાઈ સામે મુંબઈ સહીત કચ્છમાં છેડતી, હુમલો કરવો વગેરે જેવી ફરિયાદ થયેલી છે. તેમજ સવજીભાઈએ પોતે કચ્છના વરસામેડી ખાતે આવેલી તેમની જમીન ખોટા બોગસ દસ્તાવેજો બનાવીને વેચી નાખવામાં આવી હોય તેવી પણ ફરિયાદ કરેલી છે. આમ મૂળ કચ્છના બિલ્ડરની હત્યાના તાર કચ્છ સાથે જોડાયેલા હોવાની પણ પુરેપુરી સંભાવના છે.
ધોળે દિવસે બનેલી મર્ડરની આ ઘટના અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા જયારે ભચુભાઇનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, સવજીભાઈ મારા સાવ અંગત મિત્ર હતા. સવજીભાઈની હત્યા કોણે, કેવી રીતે અને કયા સંજોગોમાં કરી છે તે અત્યારે કહેવું થોડું અઘરું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર,2022 વખતે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ટાણે કચ્છની તમામ છ વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. જેમાં રાપર બેઠક એકમાત્ર સીટ હતી જે કોંગ્રેસના 'પંજા'માં હતી અને તે પણ ભાજપે કબ્જે કરી લીધી હતી. અહીં ભાજપ દ્વારા કચ્છના ક્ષત્રિય સમાજના અગ્રણી અને માંડવીના તત્કાલીન ધારાસભ્ય એવા વિરેન્દ્રસિંહ જાડેજાને માંડવીથી ખસેડીને રાપર ટિકિટ આપવામાં આવી હતી. જયાં ભચુભાઇના પત્ની સંતોકબેન કોંગ્રેસના ચિન્હ ઉપર ચૂંટાઈ આવેલા ધારાસભ્ય હતા. ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના ભચુભાઇ આરેઠીયા વચ્ચે લડાયેલા ચૂંટણી જંગમાં ભાજપનો 577 મતથી વિજયી થયો હતો.