આવું ઇન્ડિયામાં જ થાય, ચુંટણી બોન્ડ ખરીદયા કંપનીઓએ, બોન્ડના અબજો રૂપિયા વાપર્યા નેતાઓએ, અને બોન્ડ છાપવાનો ખર્ચ ચૂકવ્યો દેશના લોકોએ !
કેન્દ્રની મોદી સરકારે અબજો રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડઝ માટે સ્ટેટ બેંક ઓક ઇન્ડિયાને કમિશન પેટે બાર કરોડમાંથી 8.57 કરોડ ચૂકવ્યા, બોન્ડ છાપનારી નાસિકની પ્રેસને બે કરોડ આપ્યા
WND Network.New Delhi : સુપ્રિમ કોર્ટના આદેશને પગલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જ્યારથી ઇલેક્ટોરલ બૉન્ડઝ અંગેની માહિતી સાર્વજનિક કરી છે ત્યારથી રોજ સવાર પડેને અવનવી અને ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. માત્ર ભારતનું જ નહીં પરંતુ દુનિયાનાં મોટા વસૂલી રેકેટ તરીકે કુખ્યાત થઈ ચૂકેલા ઇલેક્ટોરલ બોન્ડઝ અંગે હવે એક માહિતી એવી બહાર આવી છે જેને જાણીને તમેએમ જ કહેશો કે, આવું તો ઇન્ડિયામાં જ થાય ! નવી મળેલી માહિતી પ્રમાણે, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ ચલાવતી ભારતીય સ્ટેટ બેંકે કમિશન તરીકે સરકાર પાસેથી લગભગ 12 કરોડ રૂપિયા (જીએસટી સહિત)ની માંગણી કરી છે, જેમાંથી કેન્દ્રની મોદીભાઈની સરકારે 8.57 કરોડ રૂપિયા તો ચૂકવી પણ દીધા છે. મતલબ કે, ચુંટણી ભંડોળ માટેના બોન્ડ ખરીદનાર કોઈ વ્યક્તિ કે કંપનીને એક રૂપિયાનો પણ ઘસારો આવ્યો નથી. બીજી બાજુ રાજકીય પાર્ટીઓએ આ અબજો રૂપિયા વટાવી પણ લીધા. કરોડો રૂપિયાની લેતી-દેતી કરનારને કોઈ ખર્ચો આવ્યો નથી. માત્ર એટલું જ નહીં પરંતુ બોન્ડ છાપનારી નાસિકની પ્રેસને પણ મોદીભાઈની સરકારે બે કરોડ ચૂકવી આપ્યા છે. સરકારે બોન્ડ માટે જે ખર્ચો કર્યો એ આપણાં ટેકસનાં રૂપિયા છે.
સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવી ગુપ્ત યોજના હતી જેમાં છુપી રીતે કરોડો રૂપિયાનું દાન આપનાર કોઈપણ વ્યક્તિ અથવા કંપની પાસેથી કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવ્યો ન હતો. છેવટે જેને દેશની સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય યોજના હોવાનું જાહેર કર્યું તેને ચલાવવા માટે લગભગ રૂ. 13.98 કરોડનો ખર્ચ જાહેર તિજોરીમાંથી એટલે કે ભારત દેશના કરદાતાઓ અથવા સાદા શબ્દોમાં કહીએ તો જનતાના નાણાંમાંથી કરવામાં આવ્યો હતો. જેને નરેન્દ્ર મોદીની સરકાર છેવટ સુધી પારદર્શી હોવાનો દાવો કરતી રહી હતી.
ચુંટણી બોન્ડની માહિતી જાણવા માટે RTI હેઠળ મળેલી માહિતીમાં કેટલીક રસપ્રદ બાબતો પણ પ્રકાશમાં આવી છે. જેમાંથી એવું ખબર પડે છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા અત્યાર સુધી વેચાયેલા બોન્ડનું કુલ મૂલ્ય રૂ. 16,518 કરોડ હતું. આ વેચાયેલા બોન્ડમાંથી લગભગ 95 ટકા બોન્ડ રૂ. 1 કરોડના હતા. 30 તબક્કામાં વેચાયેલા બોન્ડમાંથી માત્ર રૂ. 25 કરોડના 219 બોન્ડ જ રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવ્યા નથી.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 25 કરોડ રૂપિયાની આ રકમ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં જમા કરવામાં આવી હતી.
બીજી ચોંકાવનારી બાબત સામે આવી છે કે, જ્યારે 2018 થી 2024 વચ્ચે કુલ 6,82,600 ઈલેક્ટોરલ બોન્ડ છપાયા હતા,ત્યારે વેચાયેલા ઈલેક્ટોરલ બોન્ડની સંખ્યા માત્ર 28,030 હતી, જે કુલ છપાયેલા બોન્ડના માત્ર 4.1 ટકા હતી.