મ્યાનમારને લઈને ભારત પર દબાણ, ભારત મહત્વની બેઠક બોલાવશે નહીં..?

ભારતમાં યોજાનારી આસિયાન વિદેશ મંત્રીઓની બેઠકમાંથી મ્યાનમારને બાકાત રાખવામાં આવી શકે છે, ધ હિન્દુએ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે...

મ્યાનમારને લઈને ભારત પર દબાણ, ભારત મહત્વની બેઠક બોલાવશે નહીં..?

વેબ ન્યૂઝ દુનિયા : એસોસિએશન ઑફ સાઉથ-ઈસ્ટ નેશન્સ (આસિયાન દેશો)ની બેઠકમાં મ્યાનમારનું પ્રતિનિધિત્વ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું કારણ કે ભારત પર તેના પાડોશી દેશને આ ઉચ્ચ સ્તરીય બેઠકથી દૂર રાખવા માટે દબાણ વધી રહ્યું હતું. તેની પાછળનું બીજું મોટું કારણ મ્યાનમાર અને આસિયાન દેશો વચ્ચેના બગડતા સંબંધો છે, જે 1 ફેબ્રુઆરી, 2021ના રોજ મ્યાનમારમાં સૈન્ય બળવા પછીથી બગડી રહ્યા છે. હિન્દુ અખબારે અગાઉ અહેવાલ આપ્યો હતો કે, ભારત મ્યાનમારના વિદેશ પ્રધાન વુન્ના મોંગ લ્વિનને આમંત્રણ આપે તેવી શક્યતા નથી. વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે, ASEAN ઇન્ડિયા સમિટમાં મ્યાનમારની ભાગીદારી 'ASEAN દેશોની સર્વસંમતિ' અનુસાર નક્કી કરવામાં આવશે.

મ્યાનમારના વિદેશ પ્રધાન વુન્ના મોંગ લ્વિન ગુરુવારની બેઠકમાં હાજરી આપી ન હોવાથી, એવું માનવામાં આવે છે કે, ભારત મ્યાનમારમાં લશ્કરી શાસન અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મ્યાનમારની સૈન્ય સરકારે લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ કરતા વિરોધીઓ સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો છે જેને લઈને પણ આંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતામાં છે. બુધવારની બેઠકમાં, ભારતે સંયોજક તરીકે ASEAN-ભારત સંબંધોને મજબૂત કરવામાં 'સિંગાપોરના સકારાત્મક યોગદાન અને સતત સમર્થન'નું સ્વાગત કર્યું હતું. આસિયાન દેશોએ પણ આ સમૂહને ભારતના સમર્થનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન, પ્રતિનિધિઓએ ASEAN અને ભારત વચ્ચે રાજકીય-સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક સંબંધોની સમીક્ષા કરી હતી. 

મ્યાનમાર ભારતનો મહત્વનો પાડોશી દેશ છે. ભારત અને મ્યાનમાર વચ્ચેની સરહદ લગભગ 1,640 કિલોમીટર લાંબી છે. આ સરહદ મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી પસાર થાય છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મ્યાનમાર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એકમાત્ર દેશ છે જે ભારતના પાડોશી હોવાની સાથે સાથે દેશની 'એક્ટ ઈસ્ટ પોલિસી'નો પણ એક ભાગ છે.