હનીટ્રેપ કેસમાં કચ્છ લડાયક મંચના રમેશ જોશી અને જ્યંતી ડુમરા સામે પોલીસને કેમ ફરિયાદ લેવી પડી ? જાણો શું છે સમગ્ર મામલો...
કચ્છના અનેક નામી લોકોની સીડી ઉતારી રૂપિયા પડાવવાનું ચાલી રહ્યું છે ષડયંત્ર
WND Network.Bhuj (Kutch) :- છેલ્લા કેટલાય દિવસથી તપાસનું બહાનું કરીને ભુજના ચકચારી હનીટ્રેપ કેસને લોકોથી છુપાવવા મથતી પોલીસને આખરે ફરિયાદ દાખલ કરવી પડે છે. કચ્છ લડાયક મંચ સંસ્થાના નામે જિલ્લાના અનેક મુદાઓમાં અવાર-નવાર મસમોટી જાહેરાતો આપનારા રમેશ જોશી સહીત જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી જ્યંતી ડુમર ઉપરાંત કચ્છ-ભુજના નામી લોકોને દસ કરોડના હનીટ્રેપ કેસમાં પોલીસે ફીટ કરી દીધા છે. માત્ર એટલું જ નહીં પરંતુ, ફરિયાદ દાખલ થયા પછી પણ પોલીસે કલાકો સુધી કેસને લગતી માહિતી મીડિયાથી છુપાવવાનો નિર્થક પ્રયાસ કર્યો હતો. તેમજ સમગ્ર મામલાને સેન્સિટિવ કેટેગરીમાં મૂકી FIR પણ ઓનલાઇન મૂકી ન હતી. ભુજના SP સહીતના પોલીસ અધિકારીઓ સમગ્ર મામલામાં ચૂપ થઈ ગયા હતા. ત્યારે એવું તો શું થયું કે પશ્ચિમ કચ્છ પોલીસને કુખ્યાત લોકોને સાંકળતા આ હાઈપ્રોફાઈલ કેસમાં કાર્યવાહી કરવી પડી, તે મુદ્દો કચ્છ સહીત મુંબઈના કચ્છી માડુમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કચ્છના આદિપુર ખાતે રહેતા હનીટ્રેપ કેસના ફરિયાદી એવા ખાવડા ફાયનાન્સના અનંત ચમનલાલ ઠક્કર એક યુવતી સાથેના વિડિયોને લીધે ફસાઈ ગયા હતા. જેમાં કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવતા કંટાળીને તેમણે પોલીસમાં જવાનું નક્કી કર્યું હતું. પરંતુ જે લોકો અનંત ઠક્કર પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી રહ્યા હતા તે લોકો કચ્છ-ભુજના જાણીતા અને કહેવાતા સમાજસેવી તથા બિલ્ડર લોબી ઉપરાંત મર્ડર કેસના આરોપી હતા. એટલે પોલીસ પણ સમગ્ર મામલામાં ફૂંકી ફૂંકીને આગળ વધી રહી હતી. સૂત્રોનું માનીએ તો પોલીસને ઢીલી તેમજ ડરેલી જોઈને છેવટે અનંત ઠક્કરે કચ્છ ભાજપના ઉપપ્રમુખ અને વ્યવસાયે તબીબ એવા ડોક્ટર મુકેશ ચંદેની મદદ માંગી હતી. ફરિયાદી અનંત તેમજ ડોક્ટર ચંદે એક સમાજના હોવા ઉપરાંત બંને વચ્ચે પારિવારિક સંબંધ છે. સૂત્રોએ કરેલા દાવા મુજબ, ડોક્ટર મુકેશ ચંદેએ કેસની ગંભીરતા અને ઢીલી-ડરેલી પોલીસને જોઈને સમગ્ર કેસ અંગે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વાત કરી હતી. અને છેવટે ઉપરથી દબાણ આવતા સમગ્ર મામલો પોલીસ ચોપડે ચઢ્યો હતો.
શું છે દસ કરોડની હનીટ્રેપનો મામલો :- વડોદરામાં રહેતી આશા નામની યુવતીએ વોટ્સએપ ઉપર મેસેજ કરીને ફરિયાદી અનંત ચમનલાલ ઠક્કરને તેની મોહજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેઓ હોટેલમાં મળ્યા હતા. અને તે વખતે ચોરી છુપીથી યુવતીએ વિડીયો ઉતાર્યો હતો. અને એ વીડિયોને આધારે યુવતીએ અનંત ચમનલાલ ઠક્કરને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું હતું. અનંત ઠક્કરે શરૂઆતમાં તો થોડા રૂપિયા આપી પણ દીધા હતા. પરંતુ વધુ રૂપિયા પડાવવાની લાલચમાં તેણે આ કેસના આરોપીઓ એવા ભુજના ઉષા ડેવલોપર્સના વિનય રેલોન ઉર્ફે લાલો, ભચાઉના વકીલ હરેશ કાંઠેચા , જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી જયંતિ ઠક્કર ડુમરાવાળો, અંજારના મનીષ મેહતા, મુંબઈમાં રહેતા કચ્છ લડાયક મંચના 'સમાજસેવી' રમેશ જોશી, તેમના ભાઈ શંભુ જોશી તેમજ ખુશાલ ઉર્ફે લાલાએ મળીને ખાવડા ફાયનાન્સના અનંત ઠક્કર પાસેથી શરૂઆતમાં ત્રણ કરોડ અને પછીથી દસ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
મોટાભાગના મામલામાં નીકળે છે જયંતિ ભાનુશાલી મર્ડર કેસનું કનેક્શન :- માનો કે ન માનો પરંતુ કચ્છના મોટાભાગના હાઈપ્રોફાઈલ કહી શકાય તેવા કેસમાં છેવટે તો જયંતિ ભાનુશાલી મર્ડર કેસનું કનેક્શન જ નીકળે છે. દસ કરોડના હનીટ્રેપ કેસમાં પણ કઈંક આવું કનેક્શન છે. કેસનો આરોપી જયંતિ ઠક્કર ડુમરા જયંતિ ભાનુશાલી મર્ડર કેસનો આરોપી છે. તેવી જ રીતે કચ્છના નલિયા કાંડ વખતથી ચર્ચામાં આવેલા અને કચ્છના તમામ અખબારોમાં મસમોટી જાહેરાતો આપી કચ્છના હિતની વાતો કરતા કચ્છ લડાયક મંચના પ્રમુખ એવા 'સમાજસેવી' રમેશ જોશીએ પણ આ કેસમાં આરોપી તરીકે પોલીસ ચોપડે ચઢયા છે. કચ્છનું હીત જેમના હૈયે વસેલું છે તેવા રમેશભાઈ જોશી મીડિયાને પણ સારી રીતે 'કવર' કરતા રહ્યા છે. તેઓ દર દિવાળીએ સ્ટીલના ડબ્બામાં શુદ્ધ દેશી ઘી સહિતની વિવિધ ગિફ્ટ પત્રકારોને આપતા રહ્યા છે. જયારે ભેખધારી પત્રકારત્વનો ઝંડો લઈને ફરતા જિલ્લા કક્ષાના એક અખબારે 'નરો વાં કુંજરો વા' કહેવતની જેમ તેની જૂની આદત પ્રમાણે વાચકોને ભ્રમિત કરીને ન્યૂઝ તો કવર કર્યા છે પરંતુ સાથે સાથે રમેશભાઈ જોશી દ્વારા આપવામાં આવેલી યાદીને પણ 'કવર' કરી લીધી છે. ભચાઉના વકીલ હરેશ કાંઠેચા જયંતિ ભાનુશાલી મર્ડર કેસમાં છબીલ પટેલના એડવોકેટ છે. અંજારના મનીષ મહેતા રાષ્ટ્રીય અખબાર દિવ્ય ભાસ્કરના અંજાર ખાતેના પ્રતિનિધિ રહી ચુક્યા છે. એસી ફ્રિજ રિપેર કરીને આગળ આવેલા ભુજના ઉષા ડેવલોપર્સના વિનય રેલોન ઉર્ફે લાલો પણ આ કેસનો આરોપી છે. લાલા સામે પણ જમીન સંબંધી ફરિયાદો ઉપરાંત પત્રકારને ધમકાવવાના કેસમાં એટ્રોસિટીની ફરિયાદ પણ થઈ ચુકી છે. આમ જેમની સામે હનીટ્રેપની ફરિયાદ કરવામાં આવી છે તેઓ પહોંચેલા વ્યક્તિઓ છે. અને કદાચ એટલે જ પોલીસ ફરિયાદ લેવામાં ડરતી હતી. અને ફરિયાદ દાખલ થયા પછી મીડિયાને માહિતી આપવામાં પણ આનાકાની કરતી રહી હતી.
કચ્છના કહેવાતા કુરિયનને પણ હનીટ્રેપમાં આપવા પડ્યા છે કરોડો રૂપિયા :- કચ્છમાં જાણીતા નામી લોકોને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર લાંબા સમયથી ચાલી રહ્યા છે. જેમાં કેટલીક ટુકડી સક્રિય છે. આ ગેંગ દ્વારા કચ્છના માલદાર લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. જેમાં મોટાભાગના કિસ્સાઓમાં આ જાણીતા લોકો લાખો-કરોડો રૂપિયા આપીને પોતાને બચાવી લે છે. અને જયારે સહનશક્તિ ખૂટે ત્યારે અનંતભાઈ જેવા લોકોને પોલીસ ફરિયાદ કરવી પડે છે. કચ્છ ભાજપના એક મહત્વના નેતા અને પોતાને કચ્છના કુરિયન તરીકે પ્રોજેક્ટ કરતા રાજકારણી પણ મહારાષ્ટ્ર્ની એક યુવતી સાથે ફસાઈ ગયા હતા. વિધાનસભા ચૂંટણી વખતે ટિકિટ લેવાની હોવાથી તેઓ હાલ તો કરોડો રૂપિયા આપીને બહાર નીકળી ગયા છે. આગાઉ આ નેતા જયંતિ ભાનુશાલી મર્ડર કેસની આરોપી મનીષા ગોસ્વામી સાથે અમદાવાદ સર્કિટ હાઉસમાં 'કેદ' થઇ ગયા હતા. તેવી જ રીતે રેલડીની ફાર્મ હાઉસમાં વિડીઓમાં આવી ગયેલા ખાણ-ખનીજ વિભાગમાં અધિકારી રહી ચૂકેલા એક ઓફિસરને તો કચ્છમાં જેઓ તે કમાયા હતા તે બધુ આપીને જિલ્લો છોડવો પડ્યો હતો. કચ્છના નલિયા કાંડ પણ કઈંક આવું જ થયું હતું. એમાં તો કચ્છ ભાજપમાં કેટલાય નેતા આવી ચુક્યા હતા.