East Kutch Police Breaking : બે સપ્તાહ પહેલા જ કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં ઝડપાયેલા બે આરોપી પૂર્વ કચ્છ પોલીસના પંજાબમાં જાપ્તામાંથી ફરાર !
પોલીસનો દાવો પંજાબમાં પૂછપરછ બાદ કચ્છ પાછા આવી રહ્યા હતા ત્યારે સામખિયાળી પોલીસની ગાડીમાં પંક્ચર પડ્યું અને આરોપી ભાગી ગયા
WND Network.Gandhidham (Kutch) : બે સપ્તાહ પહેલા જેમને પૂર્વ કચ્છની પોલીસે East Kutch Police)કરોડો રૂપિયાના કોકેઈન સાથે કચ્છમાંથી ઝડપી લીધા હતા તેમાંથી બે પુરુષ આરોપી પોલીસને ચકમો આપીને ભાગી ગયા છે. માદક પદાર્થ સાથે પકડાયેલા બે પંજાબી દંપતીમાંથી બે પુરુષ આરોપીને લઈને સામખિયાળી પોલીસ પંજાબ તપાસ કામે લઈ ગઈ હતી. જયારે પોલીસ તેમને પાછા કચ્છ લાવી રહી હસ્તી ત્યારે પંજાબમાં કારમાં પંક્ચર પડ્યું અને તેનો લાભ ઉઠાવીને બંને આરોપી છુમંતર થઈ ગયા હતા. પૂર્વ કચ્છના સ્પેશ્યિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસ દ્વારા આ આરોપીઓને બે મહિલા સાથે કચ્છમાં 1.47 કરોડની કિંમત વાળા કોકેઈન સાથે કચ્છમાં પ્રવેશ કરતી વેળાએ ઝડપી લીધા હતા.
બે દિવસ પહેલા પૂર્વ કચ્છની સામખિયાળી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા આરોપીઓની હકીકત અંગે જણાવતા ગાંધીધામ એસપી સાગર બાગમારે (IPS Sagar Bagmar) જણાવ્યું હતું કે, આ ઘટના બે દિવસ પંજાબના મલેકપુર નામના સ્થળે રાત્રીના સમયે બની હતી. કચ્છમાં કોકેન સાથે પોલીસે ઝડપેલા બંને પુરુષ અપરાધીને લઈને પંજાબમાં તપાસ માટે પોલીસની ટીમ ગઈ હતી. પાછા ફરતી વેળાએ પોલીસની કારમાં પંક્ચર પડ્યું હતું. આ દરમિયાન બંને આરોપી પોલીસના જાપ્તામાંથી ભાગી ગયા હતા.
28મી નવેમ્બર ગુરુવારે પૂર્વ કચ્છ SOG અને લાકડીયા પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં આરોપીઓને હરિયાણા પાસિંગની કારમાં પકડયા હતા. તેમની પાસેથી પોલીસે કારમાં બોનેટ નીચે એર ફિલ્ટર પાસે સંતાડેલું 1.47 કરોડનું કોકેઈન મળી આવ્યું હતું. બે મહિલા સાથે કુલ ચાર આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરીને પૂર્વ કચ્છ પોલીસ બેડામાં આવતા લાકડીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરીને તપાસ સામખિયાળી પોલીસને આપી હતી. વધુ તપાસ માટે સામખિયાળી પોલીસ બે પુરુષ આરોપીને પંજાબ લઈ ગઈ અને આ કાંડ બન્યો હતો.
નાની નાની ઘટનામાં પ્રેસનોટ, ડ્રગ્સના આરોપી ભાગી ગયા તો પોલીસ ચૂપ ! : સાવ નાની ઘટના, ચીભડ ચોરી કે નેત્રમ સેન્ટરની મુલાકાતની મસમોટી ફોટા સાથેની પ્રેસનોટ આપીને પોતાની પીઠ થાબડતી પોલીસ બે આરોપી ભાગી ગયાની ઘટના બે દિવસથી ચૂપ બેઠી છે. મીડિયા સામેથી ઘટના અંગે પૂછે છે તો, પોલીસ અધિકારી મિટિંગમાં હોવાનું કહીને આજે સવારથી વાત કરવાનું ટાળી રહ્યા હતા. સામખિયાળી પોલીસના ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવીએ પહેલા તો ફોન ઉપાડી લીધો હતો. પરંતુ જેવું બે આરોપી ભાગી ગયા હોવાનું પૂછવામાં આવ્યું તો, 'મિટિંગમાં છું પછી વાત કરું' કહીને ફોન કાપી નાખ્યો હતો. સવારથી સાંજ સુધી પીઆઇ ગઢવીની મિટિંગ પુરી જ થઈ ન હતી. સતત ફોન કોલ કરવા છતાં ગઢવીએ ફોન ઉપાડ્યો ન હતો.
પૂર્વ કચ્છ આ એસપી સાગર બાગમારે પણ સવારે કોલ કે મેસેજના જવાબ આપ્યા ન હતા. છેક સાંજે સતત ફોન કરવાને પગલે છેવટે તેમણે મૌન તોડીને બે આરોપી પોલીસના જાપ્તામાંથી ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી.
મિસ્ટર હોમ મિનિસ્ટર હર્ષભાઈ, ડ્રગ્સના આરોપી ભાગી ગયાની આ બીજી ઘટના : એક તરફ ડ્રગ્સ પકડી લેવાની ઘટનાને ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સિદ્ધિ તરીકે વર્ણવે છે ત્યાં બીજી તરફ ડ્રગ્સના આરોપી ભાગી જાય છે ત્યારે પોલીસની નબળી કામગીરી સામે કાર્યવાહી તો ઠીક ઘટના પણ માંડ બહાર આવે છે. પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી અગાઉ પણ આ રીતે જ ડ્રગ્સના આરોપીઓ ભાગી ગયા હતા. આ બીજી ઘટના છે. હવે જોઈએ મિસ્ટર હોમ મિનિસ્ટર હર્ષભાઈ X મીડિયા ઉપર શું પોસ્ટ કરે છે અને પોલીસ સામે શું કાર્યવાહી કરે છે.