Kutch Betel Nut Scam : 'સોપારી કાંડની પોણા ચાર કરોડના તોડની ઘટના ‘વાઈબ્રન્ટ ગુજરાત’નો વિકાસ સૂચવે છે' - IPS Ramesh Savani

ગુજરાત કેડરનાં નિવૃત્ત પોલીસ અધિકારી આર.એસ. સવાણીએ કર્યું પોલીસ અને ગુજરાતની ભાજપ સરકારની કાર્યવાહીનું એનાલીસિસ

Kutch Betel Nut Scam : 'સોપારી કાંડની પોણા ચાર કરોડના તોડની ઘટના ‘વાઈબ્રન્ટ ગુજરાત’નો વિકાસ સૂચવે છે' - IPS Ramesh Savani

WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસ સહિત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા કચ્છના વિવાદાસ્પદ સોપારીના તોડકાંડની ચર્ચા જોરશોરથી થઈ રહી છે તેવામાં પોલીસ અને રાજ્યની ભાજપ સરકારની કાર્યપદ્ધત્તિ અંગે નિવૃત્ત IPS રમેશ સવાણીની એક ફેસબૂક પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાત કેડરનાં આ નિવૃત્ત પોલીસ અધિકારીએ તેમની ફેસબૂક પોસ્ટમાં પોલીસ અને સરકાર સામે કેવા પ્રહાર કર્યા છે તે તેમના જ શબ્દોમાં કઈંક આ પ્રકારે છે...

કચ્છના સાયબર સેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા/ ભરત ગઢવી/ રણવીરસિંહ ઝાલા/ રાજેનિદ્રસિંહ ઝાલાને સોપારીનો જથ્થો વિદેશથી આવ્યાની માહિતી 13 એપ્રિલ 2023ના રોજ મળે છે એટલે સોપારી ભરેલ ટ્રક પકડે છે અને સોપારીનો જથ્થો મંગાવનાર પંકજ ઠક્કરને કહે છે કે ‘તમારે 250 ગણી પેનલ્ટી ભરવી પડશે, એટલે 5 કરોડ આપો તો જવા દઈએ.’ તેમાં બે વચેટિયા પંકિલ મોતા/ શૈલેન્દ્રસિંહ સોઢા દ્વારા સોદાબાજીના અંતે રુપિયા 3.75 કરોડમાં મામલો પતે છે.

પોલીસને આંગડિયા મારફતે પોણા ચાર કરોડ મળી જાય છે એટલે સોપારી ભરેલી ટ્રક પોલીસ  છોડી દે છે ! દરમિયાન પંકજ ઠક્કર અને વચેટિયા વચ્ચે મનદુ:ખ થતાં 27 જૂન 2023ના રોજ, પંકજ ઠક્કરના એજન્ટ અનિલ પંડિતે ચાર પોલીસ કર્મચારીઓ સામે તોડકાંડ બાબતે અરજી કરી.

મામલો રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રી સુધી પહોંચે છે. ચારેય પોલીસને સસ્પેન્ડ કરી ડાંગ મૂકી દેવામાં આવે છે. તપાસ ડીસાના DySP કૌશલ ઓઝાને સોંપવામાં આવે છે. છેવટે 6 આરોપીઓ સામે, મુંદરા પોલીસ સ્ટેશનમાં રુપિયા પોણા ચાર કરોડનો તોડ કર્યાની FIR નોંધાઈ છે.

થોડાં પ્રશ્નો : [1] ચાર પોલીસ કોન્સ્ટેબલ પોણા ચાર કરોડનો તોડ કરે એ ઘટના; ‘વાઈબ્રન્ટ ગુજરાત’નો વિકાસ સૂચવતી નથી? જો કોન્સ્ટેબલ આટલી મોટી રકમનો તોડ કરતા હોય તો ઉપરી અધિકારીઓની તોડશક્તિનો અંદાજ લગાવી શકાય છે ! રાજકોટના તત્કાલિન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફરિયાદી પાસેથી જ 75 લાખનો તોડ કર્યો હતો અને સત્તાપક્ષના MLA/MP એ ફરિયાદ કરી હતી છતાં તપાસના અંતે મનોજ અગ્રવાલ દેવદૂત ઘોષિત થયા હતા ! શું મનોજ અગ્રવાલના કિસ્સાથી આ ચાર પોલીસ કોન્સ્ટેબલો મોટિવેટ થયા હશે?

[2] આ કેસમાં તોડ કરનાર કોન્સ્ટેબલ છે એટલે કદાચ FIR નોંધી એરેસ્ટ કરવાના આકરાં પગલાં લેવાયા હશે? પરંતુ મુદ્દો એ છે કે પોલીસને આપવા માટે આટલા મોટા જથ્થામાં પૈસા નાગરિકો પાસે છે, તે ગુજરાતનો વિકાસ સૂચવે છે; તેવો દાવો કદાચ પાક્કા ભગતો અને મોટિવેશનલ સ્પીકર્સ કરે તો નવાઈ પામવી નહીં !

[3] શું 250 ગણી પેનલ્ટીની જોગવાઈ આવા તોડકાંડ પાછળ જવાબદાર નથી? શું સરકાર આ પ્રકારની પોલિસી નાગરિકોને લૂંટવા જ બનાવતી નથી? શું સરકારનો ઇરાદો અધિકારીઓ/ પદાધિકારીઓના કલ્યાણનો હશે?

[4] આ તોડકાંડના લાભાર્થી ઉપરી અધિકારી હોવાની પૂરી શક્યતા છે કેમકે કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા વર્ષોથી બોર્ડર રેન્જના RR-રેપિડ રીન્સપોન્સ Cellમાં અને ત્યાર બાદ તેના સ્થાને ઊભા થયેલ સાયબર સેલમાં છે. આ સિવાય બીજા તોડકાંડ નહીં થયા હોય? શું રેન્જ અધિકારીને પોતાનો સેલ શું કરી રહ્યો છે? તેની માહિતી ન હોય? રેન્જ અધિકારીએ, પોતાના સેલમાં ચોક્કસ એક જ કર્મચારીને શા માટે રાખ્યા હશે? તોડકાંડ 13 એપ્રિલ 2023ના રોજ થયો, તે અંગે ફરિયાદ 27 જૂન 2023ના રોજ થઈ; છતાં 10 ઓકટોબર 2023 સુધી કોઈ કાર્યવાહી ન થઈ; એ શું સૂચવે છે? વિપક્ષના નેતા એક સામાન્ય ટ્વિટ કરે તો તેને રાતોરાત એરેસ્ટ કરનારી પોલીસ તોડકાંડમાં આટલી ધીમી/શાંત કેમ? સાયબર સેલના PSI પી.બી.ઝાલા સામે પંકીલ પોતાને બે દિવસ સુધી પકડી રાખીને માર મારવાનો આક્ષેપ છે; ટૂંકમાં સાયબર સેલ ‘તોડસેલ’ તરીકે કામ કરતો હતો, તેની તપાસ કોણ કરશે? 

ભ્રષ્ટાચારમાં અનહદ વધારાનું કારણ કદાચ 2014થી વડાપ્રધાનના લાલ કિલ્લા પરથી ભ્રષ્ટાચાર ખતમ કરવાના જે જોશીલા ભાષણો આપે છે તે હોઈ શકે ! વડાપ્રધાનની ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કેટલી ખોખલી છે તે સાબિત કરવા જ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ તોડ કરતાં હશે? શું Electoral Bond-ઈલેકટ્રોલ બોન્ડની અપારદર્શકતાએ ભ્રષ્ટાચારને વેગવંતો બનાવ્યો નથી? CBI/ED/ITએ જેમના પર રેઈડ/કેસ કરેલ હોય તેવા નેતાને પોતાના પક્ષમાં લઈને તેમને મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો છે, તેથી ભ્રષ્ટાચાર વિકરાળ બન્યો હશે? વડાપ્રધાનની કથની અને કરણીમાં જે આભ-જમીનનો તફાવત છે; તેના કારણે સરકારી કર્મચારીઓ પોણા ચાર કરોડના તોડ કરવા લાગ્યા હશે?

સાભાર : IPS રમેશ સવાણીની ફેસબુક પોસ્ટ