Kutch : KASEZથી ઘૂસાડેલા 1600 ટન કાળા મરી અંગે DRIના ઇન્ટરનરલ પત્રથી થયો મોટો ખુલાસો, બોગસ ડોક્યુમેન્ટ થકી આચરવામાં આવ્યું હતું 65 કરોડનું ડ્યુટી ચોરીનું કૌભાંડ
ગાંધીધામના આદિત્ય EXPORTSના નૈમિષ સોઢા(લોહાણા) અને મેહુલ પુજારાએ DRI સમક્ષ કરેલી કબૂલાત, નિવેદનમાં કબુલ્યું છે કે તેઓ તો માત્ર ફ્રન્ટમેન જ છે મૂળ વ્યક્તિ ગાંધીધામના ક્રિષ્ના શિપિંગના પંકજ ઠક્કર
WND Network.Bhuj (Kutch) : કચ્છ-મુન્દ્રાના કરોડો રૂપિયાના સોપારી કાંડની પોલીસ ફરિયાદ વચ્ચે કાળા મરીના કૌભાંડને લગતી કેટલીક સ્ફોટક માહિતી બહાર આવી છે. દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (Delhi DRI)ની ઓફિસનો એક ઇન્ટરનલ લેટર સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. અને તેમાંથી એવી હકીકત બહાર આવી છે કે, સોપારી કાંડમાં જેનું નામ આવે છે તેવા ગાંધીધામની ક્રિષ્ના શિપીંગવાળા પંકજ ઠક્કરે કાળા મરી (Black Pepper) આયાત કરવામાં 65 કરોડ રૂપિયાની ડ્યુટી ચોરી કરીને ભારત સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. અને આ વાતની કબૂલાત ગાંધીધામના આદિત્ય EXPORTSના ભાગીદારો નૈમિષ સોઢા(લોહાણા) અને મેહુલ પુજારાએ તેમના નિવેદનમાં કાબુલી છે. તેમણે પોતાના નિવેદનમાં એવો પણ દાવો કર્યો છે કે, કરોડો રૂપિયાના દાણચોરીના આ કૌભાંડમાં તેઓ તો માત્ર ફ્રન્ટમેન જ છે બાકી સમગ્ર વેરહાઉસ બિઝનેસ ગાંધીધામના પંકજ ઠક્કર ચલાવે છે. અગાઉ પણ અન્ય એક કૌભાંડમાં કસ્ટમ અને DRI પંકજ ઠક્કર અને મેહુલ પુજારાની ધરપકડ થઇ ચુકેલી છે. અને આ કેસમાં DRI અગાઉ આદિત્ય EXPORTSના નૈમિષ સોઢા(લોહાણા) અને મેહુલ પુજારાની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા હતા.
DRIના આ ઇન્ટરનલ લેટરમાં કાળા મરી આયાત કરવાના સમગ્ર કૌભાંડ અંગે સનસનીખેજ કહી શકાય તેવી ખુબ જ સ્ફોટક માહીતી છે. પત્રમાં જણાવાયું છે કે, કંડલા કાસેઝ (Kandla KASEZ)માં વેરહાઉસીંગ યુનિટ ચલાવતા આદિત્ય EXPORTS એ ૧૭૯૨ ટન કાળા મરીની કથિતપણે અફઘાનિસ્તાનથી ઓક્ટોબર ૨૦૨૨ અને માર્ચ ૨૦૨૩ વચ્ચે આયાત કરી હતી. આ કાળા મરીનું ડીટીએ (ભારતમાં) વેચાણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ રેવન્યુ ઇન્ટેલિજન્સ-DRIને એવી બાતમી મળી હતી કે, મે. આદિત્ય EXPORTS દ્વારા બંદર અબ્બાસ ખાતે કાળામરીનો આ જથ્થો ચડાવવાના ડોક્યુમેન્ટ્સ ફેક હતા. તેને લીધે લુધિયાણા DRI ઝોનલ યુનીટે આદિત્ય EXPORTSના કંડલા સેઝ ખાતેના સંકુલ સહીત તેના ભાગીદારોના નિવાસ સ્થાન અને ભારતમાં આદિત્ય EXPORTS પાસેથી આ જથ્થો ખરીદનારા Cuthbert Winner LLP, દિલ્હી અને Cuthbert Oceans LLPના દિલ્હી તેમજ સોનેપતના અમુક ગોડાઉનમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. અને આ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, જે 17 વોયેજ (સફર) બંદર અબ્બાસથી થયાનો દાવો કરવામાં આવે છે તેમાંથી 12 વોયેજમાં વેસલ્સ તો ત્યાં ગયા જ નથી. અને કાળા મરીની નિકાસ દુબઈના પોર્ટ પરથી થઇ છે. બાકીના 5 વોયેજની વિગતો પણ જે તે સમયે તપાસ દરમિયાન મળી ન હતી.
માત્ર એટલું જ નહીં પરંતુ, ગાંધીધામ સ્થિત આદિત્ય EXPORTSના શિપિંગ એજન્ટ્સ ઐયર શિપિંગ એજન્સી અને વિઝન કન્ટેઈનરે એવું કબુલ્યું હતું કે, બંદર અબ્બાસથી થયેલા તમામ બીલ ઓફ લેન્ડીંગ બોગસ - નકલી છે. અને કાળા મરી ખરેખર તો દુબઈના જેબેલ અલી પોર્ટ પરથી રવાના કરવામાં આવ્યા હતા. અને દિલ્હીની Cuthbert Winner અને Cuthbert Oceansના દિલ્હીના સરનામે તપાસ કરવામાં આવતા આવી કોઈ પેઢીઓનું અસ્તિત્વ જ ન હતું. આ પેઢીઓના ભાગીદારોના રહેણાકના પુરાવા જે આપવામાં આવ્યા હતા ત્યાં પણ કોઈનું અસ્તિત્વ ન હતું.
આદિત્ય EXPORTSના નૈમિષ સોઢા(લોહાણા) અને મેહુલ પુજારા જેલમાં ગયેલા : કરોડોની કરચોરીના આ કૌભાંડમાં આદિત્ય ફિટનેસ એન્ડ સપોર્ટ સહીત EXPORTSના ભાગીદાર નૈમિષ સોઢા અને મેહુલ પુજારાએ DRI સમક્ષ નિવેદનમાં કબુલ્યું છે કે, તેઓ તો માત્ર ફ્રન્ટમેન જ છે બાકી સમગ્ર વેરહાઉસ બિઝનેસ ગાંધીધામના પંકજ ઠક્કર ચલાવે છે. અગાઉ પણ અન્ય એક કૌભાંડમાં પંકજ ઠક્કર અને મેહુલ પુજારાની ધરપકડ થયેલી છે. આ કેસમાં DRIએ નૈમિષ સોઢા(લોહાણા)અને મેહુલ પુજારાની ધરપકડ કરી હતી અને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા, જયારે ક્રિષ્ના શિપિંગના પકંજ ઠક્કર જે તે સમયે ભાગેડુ હતા અને ત્યારબાદ તેમને કચ્છમાં કોર્ટ દ્વારા જામીન મળી ગયા હતા. આ એ જ પંકજ ઠક્કર છે જેના સોપારી કાંડને લઈને સિનિયર પોલીસ ઓફિસરથી માંડીને પોલીસ કર્મચારીઓને કરોડો રૂપિયાની તોડ કરી હોવાનો મામલો ચર્ચામાં છે. જેમાં હવે લાંચ રુશ્વત વિરોધી કાયદા હેઠળ મુન્દ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવેલી છે.