Kutch : દોઢ મહિના પૂર્વે મુન્દ્રાનાં દરિયા કિનારેથી મળેલી લાશનું રહસ્ય ખૂલ્યું, જાણો કોણ હતી એ મહિલા અને શા માટે તેનું મર્ડર થયું...
માધાપરનાં જમાઈની હમીરામોરા ગામની મહેમાનગતી મુન્દ્રા મરીન પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ
WND Network.Mundra (Kutch) : દોઢ મહિના પહેલા કચ્છમાં મુન્દ્રાનાં દરિયા કિનારેથી ખૂબ ખરાબ હાલતમાં મળેલી કોહવાઈ ગયેલી લાશનું રહસ્ય ખુલી ગયું છે. લાશ ભુજ પાસે આવેલા માધાપરમાં રહેતી એક મહિલાની હતી. પશ્ચિમ કચ્છ પોલીસની કાબિલેદાદ તપાસને કારણે આ રહસ્ય છતું થયું છે. સામાન્ય રીતે પોલીસ લાશથી ગુનેગાર સુધી પહોંચતી હોય છે. પરંતુ આ કિસ્સામાં પોલીસ ગુનેગારથી લાશની ઓળખ સુધી પહોંચી હતી. ૧૩મી જુલાઇના રોજ મુન્દ્રા મરીન પોલીસના વિસ્તારમાં આવતા હમીરામોરા ગામનાં નિર્જન સીમાડામાં કોહવાઈ ગયેલી હાલતમાં એક લાશ મળી હતી. પરંતુ તેની ઓળખ થાય તેવા કોઈ સંજોગ ન હતા. આવી સ્થિતિમાં પોલીસે એક તરફ લાશને ઓળખવા માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા ત્યાં નિર્જન દરિયા કિનારે લાશ કેવી રીતે આવી તેની તપાસ ચાલુ રાખતા છેવટે એક સગીરા સહિત બે વ્યક્તિને ઝડપી લેતા લાશનું રહસ્ય ખૂલ્યું હતું.
૧૩મી જુલાઈના રોજ પશ્ચિમ કચ્છ પોલીસ અંતર્ગત આવતા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર વિજયસિંહ જાડેજા તેમનું રૂટિન કામ કરી રહ્યા હતા ત્યારે તેમને લુણી ગામના સરપંચનો મોબાઈલ ઉપર કોલ આવ્યો હતો. સરપંચે લુણી અને હમીરામોરા ગામની સીમમાં લાશ પડી હોવાનું કહ્યું હતું. જયાં કોઈ વ્યક્તિ પણ માંડ જોવા મળે અથવા જાય ત્યાં લાશ પડી હોવાનું જાણતા જ પીએસઆઈ વી.એ.જાડેજા સમગ્ર પરિસ્થિતિ પામી ગયા હતા. અને તાબડતોડ લાશ જયાં પડી હતી ત્યાં તેમના સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. લાશની કોહવાઈ ગયેલી સ્થિતિને પગલે તેની ઓળખ થાય તેમ ન હતી. એટલે તરત જ બોર્ડર રેંજના આઇજી જશવંત મોથાલિયા સહિત પશ્ચિમ કચ્છનાં તત્કાલીન એસપી ડૉ. કરણરાજ વાઘેલાને સમગ્ર વાતથી અવગત કરવામાં આવ્યા હતા. અનુભવી પોલીસ અધિકારીઓ સમજી ગયા હતા જે, આ કોઈ સામાન્ય ક્રાઈમની ઘટના નથી. એટલે તરત જ લોકલ પોલીસની સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસમાં સામેલ કરવામાં આવી હતી.
ભુજ ડિવિજનનાં ડેપ્યુટી એસપી આર. ડી.જાડેજા અને એલસીબીનાં પોલીસ ઇન્સ્પેકટર સંદીપસિંહ ચુડાસમાએ ટેકનિકલ સર્વેલન્સથી માંડીને બાતમીદારોને કામે લગાડી દીધા હતા. લાશની ઓળખ તેમજ કયા સંજોગોમાં તેનું મોત નિપજ્યું હોય શકે તે તમામ બાબતો અંગે ફોરેન્સિક સાયન્સનો પણ સપોર્ટ લેવામાં આવ્યો હતો. પોલીસ માટે સૌથી મોટું અઘરું કામ લાશની ઓળખ સ્થાપિત કરવાનું હતું. પરંતુ લાશ ખૂબ જ ખરાબ હાલતમાં કોહવાયેલી મળી હતી. એટલે પોલીસે બીજો છેડો પકડ્યો અને લાશની ઓળખ પહેલા આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
દરમિયાન મુન્દ્રા મરીન પોલીસના સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહ જાડેજાએ જે વિસ્તારમાંથી લાશ મળી હતી તેની આસપાસના એરિયામાં કઈ અજાણી વ્યક્તિઓ તે સમયગાળા દરમિયાન આવી હતી તેનું સ્ક્રીનીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. બાતમીદારોને પણ કામે લગાડી દેવામાં આવ્યા હતાં. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે, લાશ મળી તે સમયગાળામાં હમીરામોરા ગામમાં કેટલાક લોકો મહેમાન બનીને આવ્યા હતાં. જેમાં ગામનો એક જમાઈ પણ હતો. પોલીસે તરત જ મહેમાન બનીને આવેલા ચાર લોકોની માહિતી મેળવી તો ખબર પડી કે, જે લાશ મળી છે તેવી એક મહિલા પણ તેમાં હતી. આરોપીએ ખૂબ ચાલાકીપૂર્વક સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાથી પોલીસે ગુપ્ત રીતે મોબાઈલ ફોનના રેકોર્ડ સહિતની તપાસ હાથ ધરી હતી. છેવટે નક્કર માહિતી અને આધાર પુરાવા મેળવીને હમીરામોરા ગામના જમાઈ અને માધાપરના નવાવાસના યોગેશ કમલપ્રસાદ જોટિયાણાને પકડી પૂછપરછ કરતા તેણે ગુન્હો કબુલી લીધો હતો.
પ્રેમની આડે આવતી માં ને સગીરાએ તેના પ્રેમી સાથે મળીને મારી નાખી : માધાપર નવા વાસની મડવાળી શેરીમાં રહેતા જીતેન્દ્ર ભટ્ટની ૩૮ વર્ષની બીજી પત્ની લક્ષ્મીને એક સગીર વયની દીકરી હતી. આ દીકરીને જૂના વાસના નારણ બાબુલાલ જોગી સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ તેની માં લક્ષ્મીને આ સંબંધ મંજૂર ન હતો. અલબત્ત ત્રણેય એકબીજાને સારી રીતે ઓળખતા હતા. અને એટલે જ મુન્દ્રા દરિયા કિનારે ફરવા જવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. નારણનાં મિત્ર યોગેશને સાસરી હમીરામોરા ગામમાં હતી. નક્કી કરેલા પ્લાન મુજબ ત્રણેય દરિયા કિનારે જાય છે અને પછી લક્ષ્મીને ત્યાં જ મારી નાખીને લાશ મૂકી પાછા આવે છે. જે જગ્યાએ લક્ષ્મીનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું તે સાવ અવાવરૂ નિર્જન જગ્યા હતી. ભાગ્યેજ કોઈ વ્યક્તિ ત્યાં જતા હતા. આ વિસ્તારના સ્થાનિક લોકો સિવાય કોઈ અહી પહોંચે તેમ ન હતું. અને પોલીસે પણ આ થિયરી ઉપર વર્કિંગ કરતા ગુનેગારો સુધી પહોંચી હતી.