Kutch : વિશ્વ હિન્દૂ પરિષદના અગ્રણી ઉપર કોઠારમાં તલવારથી હુમલો કર્યો, જાણો કોણ હતા એ ત્રણ બુકાનીધારી હુમલાખોર...

કોઠારા બ્રહ્મ સમાજના પ્રમુખ એવા સિનિયર સિટીઝને હાથ વડે તલવાર પકડી લેતા ઘાયલ થયેલા, જાણો શું છે ઇનસાઇડ સ્ટોરી

Kutch : વિશ્વ હિન્દૂ પરિષદના અગ્રણી ઉપર કોઠારમાં તલવારથી હુમલો કર્યો, જાણો કોણ હતા એ ત્રણ બુકાનીધારી હુમલાખોર...

WND Network.Kothara (Kutch) : થોડા દિવસ પહેલા પશ્ચિમ કચ્છમાં આવેલા બોર્ડર એરિયાના કોઠારા ગામે એક વૃદ્ધને તલવાર વડે હુમલો કરવાની એક ઘટના બની હતી. પ્રથમ નજરે તે એક સામાન્ય લાગે તેવી ક્રાઇમની ઘટના હતી. પરંતુ હકીકત કઈંક અલગ છે. કચ્છમાં વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ રહી ચૂકેલા અને હાલમાં સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારણીમાં સભ્ય એવા કોઠારા બ્રહ્મ સમાજના પ્રમુખ ઉપર બુકાનીધારી બુટલેગરે તલવારથી હુમલો કર્યો હતો. તેની સાથે અન્ય બે શખ્સ પણ મોઢે કપડું બાંધીને હાથમાં લાકડીઓ લઈને VHPના અગ્રણીને મારવાનો પ્રયાસ કર્યો હતો. તલવારને હાથમાં પકડી લેતા અગ્રણી બચી તો ગયા પરંતુ તેઓ ઘાયલ થયા હતા. કોઠારા પોલીસે ત્રણ હુમલાખોરને ઝડપી લીધા છે. અને  સમગ્ર ઘટના પાછળ એક મંદિરનો વિવાદ હોવાનો દાવો કરે છે. પરંતુ વાત અલગ છે.  

પોલીસમાં થયેલી સત્તાવાર ફરિયાદ મુજબ, કોઠારા ગામમાં રહેતા ચેતનભાઈ રાવલ તેમના ભત્રીજા સાથે બેન્ક એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયા હતા. તેઓ પાછા પાછા ફરી રહયા હતા ત્યારે કોઠારા PGVCL હાઇવે ઉપર એક ઇનોવા કાર તેમને ટક્કર મારે છે. અને તેઓ પડી જાય છે. ત્યારબાદ કારમાંથી એક બુકાનીધારી વ્યક્તિ હાથમાં તલવાર લઈને તેમને મારવા માટે જાય છે. આ હુમલાખોરની સાથે અન્ય બે બુકાનીધારી પણ હાથમાં લાકડીઓ લઈને દોડે છે. પરંતુ હંગામો થઈ જાય છે અને લોકો ભેગા થઈ જાય છે. એટલે હુમલાખોર ભાગી ગયા હતા. જેને પાછળથી ઝડપી લેવામાં આવ્યા હતા. 

'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા ચેતનભાઈ રાવલે જણાવ્યું હતું કે, પોલીસની વાતમાં તથ્ય નથી. આ કોઈ મંદિરનો વિવાદ નથી. હકીકતમાં તેમને મારવાના આશયથી મોઢે બુકાની બાંધીને આવેલો હરપાલ નામનો વ્યક્તિ બુટલેગર છે. હરપાલ સામે તો માનકુવા પોલીસમાં દારૂનો કેસ પણ થયેલો છે. પોલીસ દાવો કરે છે તે પ્રમાણે, હરપાલની કોઈ રાશનની દુકાન નથી. હકીકતમાં દુકાન કોઠારા મંડળીની છે. કોઠારા અને તેની આસપાસના વિસ્તારમાં ઘણી અસામાજિક એક્ટિવિટી થાય છે. જેમાં રાષ્ટ્ર વિરોધી તત્વો પણ ભાગ ભજવતા હોય છે. અને તેઓ આવા અસામાજિક તત્વોને આશરો આપે છે. જેમને અમારા જેવા જાગૃત લોકો ખટકે છે.  

કોઠારા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ જાડેજાએ 'વેબ ન્યૂઝ દુનિયા' ને જણાવ્યું કે, મામલો કામેશ્વર મંદિરના ભંડોળનો છે. અગાઉ પણ ચેતનભાઈ ઉપર હુમલો થયેલો છે. આ ઉપરાંત રાશનની એક દુકાનને મામલે ચેતનભાઈ અવારનવાર ફરિયાદો કરતા રહે છે. જેનું મનદુઃખ રાખીને વિંઝાણ ગામના હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજાએ ગોંધીયાસર ગામના રવિરાજસિંહ જાડેજા અને ડુમરા ગામના રણજિતસિંહ સોઢાએ સાથે મળીને હુમલો કર્યો હતો. આરોપીઓને પોલીસે પકડી લીધા છે તેવું પીએસઆઇ જાડેજાએ અંતમાં ઉમેર્યું હતું.    

હુમલા પાછળ કોઠારા પોલીસના હેડ કોન્સ્ટેબલની ભૂમિકા ? :- સામાન્ય લાગતી આ ઘટનામાં ત્યારે ટર્નિંગ પોઇન્ટ આવે છે જયારે હુમલામાં ઘાયલ થયેલા ચેતનભાઈ રાવલ સમગ્ર મામલા પાછળ પોલીસની ભુમિકા અંગે કહે છે. તેમણે કહ્યું કે, કોઠારા પોલીસ મથકમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના હેડ કોન્સ્ટેબલ છેલ્લા છ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. હુમલાખોર સાથે તેમના પારિવારિક રિલેશન છે. માત્ર એટલું જ નહીં પરંતુ ચેતનભાઈએ તો એમ પણ દાવો કર્યો કે, હુમલાની આ ઘટના પાછળ ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના કોઠારા પોલીસ મથકના આ હેડ કોન્સ્ટેબલનું ભેજું છે.