Off The Record : CMનો કાફલો વરસાદમાં ફસાયો છતાં શરમ ન આવી, કચ્છમાં મંત્રીને સવાલ કર્યો તો પોલીસ પકડી ગઈ, 100થી પણ વધુ IASની બદલીમાં કોણ કટકી કરી ગયું..?

બદલી પછી પણ હર્ષ સંઘવીની ઓફિસમાં દબદબો જાળવી રહેલા ઓફિસર્સ, ભુજના સાંસદ કાર્નિવલમાં જજ તરીકે ભુજ SPના પત્ની, CRમાં ઓછા માર્ક મળ્યા, ટ્રિબ્યુનલમાં જઈને સુધાર્યા, પોસ્ટિંગ પણ સારું મળ્યું, SP અને મહિલા ASIનો પ્રેમ 'બેધડક' લખવા ગયા અને ભરાઈ ગયા, રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની Off The Record ચર્ચાઓ

Off The Record : CMનો કાફલો વરસાદમાં ફસાયો છતાં શરમ ન આવી, કચ્છમાં મંત્રીને સવાલ કર્યો તો પોલીસ પકડી ગઈ, 100થી પણ વધુ IASની બદલીમાં કોણ કટકી કરી ગયું..?

CMનો કાફલો વરસાદમાં ફસાયો, શરમ ન આવી ? : તાજેતરમાં અમદાવાદમાં પડેલા વરસાદને લીધે હંમેશની જેમ રિયલ CM (કોમન મેન) તો ફસાયા જ હતા પરંતુ આ વખતે ગાંધીનગરની કાફલો લઈને નીકળેલા સરકારી CMને પણ અમદાવાદના અભૂતભુર્વ વિકાસનો અનુભવ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમના કાફલા સાથે સરખેજ - ગાંધીનગર હાઇવે ઉપર પેલિડિયમ મોલ પાસે વરસાદને લીધે સર્જાયેલા ટ્રાફિકને લીધે ફસાઈ ગયા હતા. સામાન્ય રીતે જયારે પણ CM તેમના કાફલા-કોન્વોય સાથે ગાંધીનગરથી નીકળે ત્યારે તેમના રૂટ અંગે IB થી લઈને સંબંધિત પોલીસ અને વહીવટી તંત્રને એલર્ટ આપવામાં આવતું હોય છે. SG હાઇવે ઉપર આમ પણ ટ્રાફિકની સમસ્યા રોજની છે એવામાં ભારે વરસાદે બાકીની કસર પુરી કરી દીધી હતી. ત્યારે સવાલ એ થાય કે, CMના કોન્વોય રૂટનું મોનીટરીંગ કરતા કોઈને પણ ખબર ન પડી  કે, સાહેબ આવી રહ્યા છે. મજાની વાત એ છે કે, આવું મોટેભાગે દાદાની સાથે જ થાય છે. જેમની પાસે ગૃહ વિભાગનો હવાલો છે તેવા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી કોઈ દિવસ આવી રીતે અટવાઈ ગયા હોય તેવું ધ્યાનમાં આવે છે ? 

કચ્છમાં ગુજરાત સરકારના મંત્રીને સવાલ કર્યો તો પોલીસ પકડી ગઈ : ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાના સાદગી ભર્યા જીવનના અવાર-નવાર વખાણ કરવામાં આવે છે. માસ્તરના નામથી પણ જાણીતા અંજાર વિધાનસભા ક્ષેત્રના આ ધારાસભ્ય થોડા દિવસ પહેલા અંજાર તાલુકાના એક સભાને સંબોધિત કરી રહ્યાં હતા. તેવામાં તેમના જ સમાજના એક વ્યક્તિએ જાહેરમાં મંત્રી  ત્રિકમ છાંગાને સવાલ કરવા માંડ્યા. મોબાઈલ કેમેરા ચાલુ હતા ત્રિકમભાઇ માસ્તર તો સમજી ગયા પરંતુ મંત્રીની ચાપલુસી કરવાના આશયથી પૂર્વ કચ્છ પોલીસના કર્મચારીઓ રજૂઆત કરતા વ્યક્તિને જાહેર સભા સ્થળેથી  ઉઠાવી ગયા હતા. આ તો સારું થયું કે, આ ઘટના દિલ્હીના જંતર મંતર પહેલાની છે નહીંતર પોલીસને ખબર પડી જાત કે સામાન્ય માણસને હેરાન કરવું કેટલું ભારે પડી શકે છે. 

બદલી પછી પણ ડેપ્યુટી CM હર્ષ સંઘવીની ઓફિસમાં દબદબો જાળવી રહેલા જોઈન્ટ સેક્રટરીઓ : સારું કામ કહો કે ચાપલુસી પરંતુ ગૃહ વિભાગમાંથી ટ્રાન્સફર થયા પછી પણ સચિવાલય કેડરના જોઈન્ટ સેક્રટરી લેવલના આશિષ વાળા, મનોજ પટેલ અને પ્રદીપસિંહ નામના સંયુક્ત સચિવનો રુઆબ-દબદબો હજુ પણ બરકરાર છે. હોમ ડિપાર્ટમેન્ટમાંથી ઉર્જા તેમજ અન્ય વિભાગમાં બદલાય છતાં હજુ પણ આ સાહેબોનો પડ્યો બોલ ઝીલવામાં આવી રહ્યો છે. બની શકે કે, કદાચ હર્ષભાઈને ખબર ન પણ હોય. જો ખરેખર ખબર ન હોય તો બહુ ખરાબ કહેવાય. કારણ કે, આખા રાજ્યની ખબર રાખવાની જવાબદારી ગૃહ પ્રધાનની હોય છે. અને તેમની જ ઓફિસમાં... 

રાહુલ ગાંધીને લીધે ગુજરાત કોંગ્રેસના નેતાઓને પોલીસનો સામનો કરવો પડ્યો : એકાદ બે ને બાદ કરતા ગુજરાતમાં ભાજપની 'બી' ટીમ તરીકે જાણીતા કોંગ્રેસના નેતાઓને લાંબા સમય પછી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું. દિલ્હીમાં જંતર મંતર ખાતે થયેલા દેખાવો દરમિયાન રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદીના ઘર સામે ધરણા કર્યા હતા. પાર્ટીના ટોપના નેતા જો આવું કરે તો શરમના માર્યા ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ દેખાવ કરવા નીકળી પડયા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાને આવ્યા સિવાય છૂટકો જ ન હતો. પરંતુ સિનિયર નેતા શૈલેષ પરમાર અને ભરતસિંહ સોલંકી જોવા મળ્યા ન હતા.   

ત્રણ મહિનામાં 100થી પણ વધુ IASની બદલીમાં કોણ કટકી કરી ગયું ? : ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચારના ભાજપના ત્રણ દાયકાની સત્તામાં તમે સામાન્ય કર્મચારીની બઢતી-બદલીમાં કે સારા પોસ્ટીંગની લાલચ આપીને રૂપિયા માંગવી વાત સાંભળી હશે પરંતુ IASની બદલીઓમાં પણ હેન્ડસમ રકમ સેરવી લેવાની વાતો આજકાલ ગાંધીનગર સહીત જિલ્લા મથકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ત્રણેક મહિનામાં 100થી પણ વધુ IASની બદલીઓ કરવામાં આવી છે. આ ટ્રાન્સફરમાં ગાંધીનગરમાં બેસતા એક ટોચના કોટીધારી IAS ઓફિસરે ખિસ્સું નહીં પરંતુ મસમોટી બેગ ગરમ કરી લીધી છે. જેને લીધે હવે રાજ્યના કલેક્ટોરેટથી લઈને સચિવાલયમાં પણ IASની ટ્રાન્સફરનો રેટ ખબર પડી ગયો છે. 

બઢતી-બદલીઓ પછી પણ સચિવાલયમાં મહત્વપૂર્ણ વિભાગોમાં વડાઓ નથી મળતા : અવાર-નવાર બઢતી-બદલીઓના હુકમ છતાં હજુ પણ ગુજરાત સરકારને ગૃહ સહિતના મહત્વપૂર્ણ વિભાગો માટે ઓફિસર નથી મળી રહ્યા. IASની ટ્રાન્સફરમાં કટકીની ચર્ચાઓ વચ્ચે હજુ પણ ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ (ACS)ની જગ્યા, મહેસૂલના રિલીફ કમિશનરની પોસ્ટ, સુપ્રિન્ટેન્ટડ ઓફ સ્ટેમ્પ, ગુજરાત STના MD જેવી જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં વરસાદની મોસમમાં તો રાહત કમિશનરની પોસ્ટ મહત્વપૂર્ણ હોવા છતાં આ જગ્યા ચાર્જ ઉપર છે. 

કચ્છ ભુજના સાંસદ કાર્નિવલમાં જજ તરીકે ભુજ SPના પત્ની : સામાન્ય રીતે ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને અધિકારીઓ, ખાસ કરીને IAS-IPS વચ્ચે જોઈએ એટલું સારું ટ્યુનીંગ હોતું નથી. જેને લીધે લોકોના કામ રખડી પડતા હોય છે. પરંતુ કચ્છમાં સાંસદ વિનોદ ચાવડાનું કલેક્ટર અને SP સહિતના ઓફિસર્સ સાથેનું સંકલન ખુબ સરસ છે. કદાચ એટલે જ ભુજના એસપી IPS વિકાસ સુંડાએ તેમના પુત્રરત્નની જન્મની ઉજવણીમાં સાંસદ વિનોદ ચાવડા સહિતના કચ્છના ટોચના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે કદાચ કચ્છના ઇતિહાસમાં કોઈ દિવસ નહીં  બન્યું હોય. કદાચ એટલે જ સાંસદ વિનોદ ચાવડાએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે યોજાયેલા ભુજના સાંસદ કાર્નિવલમાં ટેબ્લો પસંદગી કરવાની જજ કમિટીમાં ભુજ SPના પત્નીને જજ તરીકે રાખ્યા હતા.

CRમાં ઓછા માર્ક મળ્યા, ટ્રિબ્યુનલમાં જઈને સુધાર્યા, પોસ્ટિંગ પણ સારું મળ્યું : ગુજરાતના GAS કેડરના 18 અધિકારીઓને IASમાં નોમિનેશનનો મામલો હજુ પણ ચર્ચામાં છે. જે ઓફિસરના CRના માર્ક 50 હતા તે ટ્રિબ્યુનલમાં ગયા પછી 82 થઇ ગયા. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના ઉપરી અધિકારીઓએ પણ CRના માર્ક યથાવત રાખ્યા હતા. 18 નોમીની IASમાં સૌથી વધુ ચર્ચા બી.એસ.પ્રજાપતિ અને ભરત જોશીની થઇ રહી છે. કારણ કે તેમના ઉપરી અધિકારી તરીકે સરકારની ગુડ બુકમાં રહેલા IAS બીજલ શાહ અને હિતેશ કોયા ઘ્વારા ઓછા માર્ક આપવા છતાં તેઓ તેમના માર્ક્સ સુધારી આવ્યા છે. આટલું ઓછું હોય તેમ ભારત જોશીને તો IASમાં નોમિનેટ કાર્ય પછી સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. મતલબ કે, કોઈપણ રાજકીય નેતાનું પત્તુ કાપવું હોય તો તેની શરૂઆત અહીંથી થતી હોય છે. ડુ યુ ગેટ માય પોઇન્ટ ?   

SP અને મહિલા ASIનો પ્રેમ 'બેધડક' લખવા ગયા અને ભરાઈ ગયા : રાજ્યના એક સરહદી જિલ્લામાં SP તરીકે ફરજ બજાવી રહેલા IPS છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ ચર્ચા તેમના તેમના કામને લઈને નહીં પરંતુ તેમના પ્રણયફાગ ને લઈને થઇ રહી છે. વાત એમ છે કે, SP તરીકે પોતાનું પહેલું પોસ્ટિંગ ભોગવી રહેલા યુવાન IPSનું દિલ એક મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) ઉપર આવી ગયું છે. આ વાતની એક મીડિયા સમૂહને ખબર પડી એટલે તેમણે 'બેધડક' છાપી નાખી. પરંતુ પછી મામલો એટલો ગરમ બન્યો અને IPS દ્વારા એ છાપાવાળાને એવા ધમકાવવામાં આવ્યા કે, તેમણે ન્યૂઝ હટાવવા પડ્યા હતા. જેને લીધે પોલીસ બેડાના લોકો વાતને માનવા તૈયાર ન હતા તે પણ સમજી ગયા કે, દબાણ કામ કરી ગયું છે.