Supreme Court on Electoral Bonds : લંચ બ્રેક પહેલા જ SBIને સુપ્રીમ કોર્ટની લપડાક, કાલે સાંજ સુધીમાં ચૂંટણી બોન્ડ્ઝનો હિસાબ આપો

ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતની આકરી ટિપ્પણી - ' (મૂર્ખ ન બનાવો) અમે તમને ડેટા મેચ કરવા માટે નથી કહ્યું, તમે આદેશનું પાલન કરો'

Supreme Court on Electoral Bonds : લંચ બ્રેક પહેલા જ SBIને સુપ્રીમ કોર્ટની લપડાક, કાલે સાંજ સુધીમાં ચૂંટણી બોન્ડ્ઝનો હિસાબ આપો

WND Network.New Delhi : ઈલેક્ટોરલ બોન્ડ ( Electoral Bond) કેસમાં આજે સોમવારે સુપ્રીમ કોર્ટે લંચ બ્રેક પહેલા જ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક SBI (State Bank of India)ને લપડાક મારતો નિર્ણય જાહેર કર્યો હતો. ચૂંટણી બોન્ડને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ચ અદલાતની પીઠ દ્વારા SBI આકરી ઝાટકણી કાઢતા સાફ શબ્દોમાં કહ્યું હતું કે, 'અમે તમને ડેટા મેચ કરવા માટે નથી કહ્યું, તમે અમારા આદેશનું પાલન કરો'. હવે SBIએ આવતીકાલે સાંજ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ્ઝ અંગેનીવિગતો આપવી પડશે. અને આ તમામ વિગતોને ભારતીય ચૂંટણી પંચે (Election Commission of India- ECI) તેને 15 માર્ચ સુધીમાં તેની વેબસાઈટ ઉપર પબ્લિશ કરવી પડશે. જેથી હવે દેશનો દરેક નાગરિક જાણી શકશે કે, કઈ રાજકીય પાર્ટીને કઈ કંપની - ઉદ્યોગપતિએ કેટલું ચૂંટણી ભંડોળ આપ્યું છે. સાથે સાથે એવી ચીમકી પણ આપી છે કે, આ આદેશમાં નક્કી કરેલી સમય મર્યાદામાં આદેશનું પાલન કરવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટ તેની વિરુદ્ધ ઇરાદાપૂર્વક અવગણના કરવા માટેની ચેષ્ઠા ગણીને તેમની સામે કોર્ટની અવમાનનાનો કેસ પણ ચલાવી શકે છે. 

આજે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે SBI પર આકરી ટિપ્પણીઓ કરી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અમે તમને ડેટા મેચ કરવા માટે નથી કહ્યું, તમારે માત્ર અમારા આદેશનું પાલનનું પાલન કરો. અન્ય એક જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, તમારે ફક્ત સીલબંધ કવરમાંથી ડેટા કાઢીને મોકલવો પડશે. CJI એ પણ SBI ને પૂછ્યું કે, તમે અમારા આદેશ પછી છેલ્લા 26 દિવસમાં શું કામ કર્યું ? તમારો કેટલો ડેટા મેચ થયો ? અમે તમને મેચિંગ માટે સમય નહોતો આપ્યો, તમારે માત્ર માહિતી આપવાની હતી કે, કોણે કેટલા બોન્ડ ખરીદ્યા છે અને કોણે તેને વટાવ્યા છે.  

સુપ્રીમ કોર્ટના પાંચ જજ, જેમાં મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બંધારણીય બેંચમાં આ કેસની સુનાવણી થઈ હતી. જેમાં ભારતીય સ્ટેટ બેંક (SBI )એ ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા માટે આગામી 30 જૂન સુધી લંબાવવાની માંગ કરી હતી. જેનો એસબીઆઈ સામે અપીલ કરનારી સંસ્થાએ તેનો વિરોધ કરીને બેન્ક સામે કોર્ટના તિરસ્કાર અંગે પણ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. 

આજે યોજાયેલી સુનાવણી દરમિયાન હરીશ સાલ્વેએ SBI વતી દલીલ કરી હતી કે અમને વધુ સમયની જરૂર છે. સાલ્વેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, SBIએ એપ્રિલ 2019 થી અત્યાર સુધીની વિગતો ચૂંટણી પંચને આપવી પડશે. અમારી એકમાત્ર સમસ્યા એ છે કે, બેંકે સમગ્ર પ્રક્રિયાને ઉલટાવી દેવાનો પ્રયાસ કરવો પડશે. બેન્કને શરૂઆતથી એમ કહેવામાં આવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયાને ગુપ્ત રાખવાની છે. એટલે કોર બેંકિંગ સિસ્ટમ અને બોન્ડ નંબરમાં ખરીદનારનું કોઈ નામ નથી. એટલે અમે તેને મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને એટલે જ વધુ સમય માંગી રહ્યા છીએ.

જેના જવાબમાં ચીફ જસ્ટિસએ કહ્યું કે, બેન્ક કહે છે કે, દાન આપનારની વિગતો ચોક્કસ શાખામાં સીલબંધ કવરમાં રાખવામાં આવી હતી. તમામ સીલબંધ કવર મુંબઈની મુખ્ય શાખામાં જમા કરવામાં આવ્યા હતા. તો પછી માહિતી આપવામાં આટલી બધી વાર શેની લાગે છે ? જેના જવાબમાં SBIના વકીલ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી કે, ઈલેક્ટોરલ બોન્ડની ખરીદીની તારીખ અને ખરીદનારનું નામ એકસાથે ઉપલબ્ધ નથી, તેમને કોડેડ કરવામાં આવ્યા છે. તેને ડીકોડ કરવામાં સમય લાગશે. 

26 દિવસ દરમિયાન સ્ટેટ બેન્ક દ્વારા શું કરવામાં આવ્યું ? : પાંચ જજની બેન્ચમાં રહેલા મુખ્ય ન્યાયમૂર્તિએ સુનાવણી દરમિયાન પૂછય કે, તમને દર વખતે જયારે અમે પ્રશ્ન કરતા હતા ત્યારે તમે જ કહેલું છે કે, બેન્ક પાસેથી દરેક ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી માટે KYCની જોગવાઈનું પાલન કરવામાં આવેલું છે. જેના જવાબમાં બેન્કના વકીલ સાલ્વેએ કહ્યું કે, અમારી પાસે વિગતો છે, હું એમ નથી કહેતો કે અમારી પાસે નથી. બેન્ક પાસે તમામ માહિતી છે, બોન્ડની કોણે ખરીદી કરી છે અને તે કઈ-કઈ રાજકીય પાર્ટીમાં ફંડમાં ગયા છે. CJIએ કહ્યું કે, અમે ગઈ 15 ફેબ્રુઆરીએ નિર્ણય જાહેર કર્યો હતો. આજે 11 માર્ચ છે. છેલ્લા 26 દિવસમાં તમે કયા પગલાં લીધાં છે? તમારા જવાબમાં આ અંગેનો કોઈ ખુલાસો નથી.કોર્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી થોડી સ્પષ્ટતાની અપેક્ષા રાખે છે. કોર્ટની આટલી ફટકાર પછી પણ એસબીઆઈએ કહ્યું કે, બોન્ડ કોણે ખરીદયા છે તે કહેવું સરળ છે, પરંતુ બોન્ડ નંબરની સાથે નામ જણાવવામાં સમય લાગશે.

ઈલેક્ટોરલ બોન્ડની માહિતીને લઈને આટલો વિવાદ શા માટે થઇ રહ્યો છે ? : લોકસભા માટેની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઇ શકે છે. તેવામાં જો ખબર પડી જાય કે, કઈ કંપની કે ઉદ્યોગપતિએ કઈ રાજકીય પાર્ટીને કરોડો રૂપિયાનું ભંડોળ આપ્યું છે તો પોલિટિકલ પાર્ટી, ખાસ કરીને સત્તા પક્ષ ભાજપની પોલ ખુલી જાય તેમ છે. ભાજપ દ્વારા જ ચૂંટણી ભંડોળને ગુપ્ત રાખવા અંગેનો કાયદો લાવવામાં આવ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા અસંવૈધાનિક જાહેર કરીને તમામ ચૂંટણી ફંડની વિગતો જાહેર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જયાં દેશમાં એક ક્લિક ઉપર બધી માહિતી મળી જતી હોય ત્યાં દેશની સૌથી બેન્ક જો ત્રણ મહિનાનો સમય માંગે તો સંકેત બહુ સાફ હતો કે, સત્તા પક્ષ ભાજપ નથી ઈચ્છતો કે તેમને દેશના કયા ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાનું ફંડ આપી રહ્યા છે. 

કોર્પોરેટ ફંડિંગ ભારતના રાજકારણમાં હંમેશા એક વિવાદાસ્પદ વિષય રહ્યો છે. કારણ કે, તાજેતરના વર્ષોમાં મોટા ભાગના નાણાં માત્ર એક જ રાજકીય પક્ષના ખાતામાં ગયું છે. અને એટલે જ એવું લાગે છે કે, આ બધું આયોજનબદ્ધ એક ચોક્કસ પ્રકારની પેટર્ન મુજબ થઈ રહ્યું છે. 'ન્યૂઝલોન્ડ્રી' નામની વેબસાઈટના એક રિપોર્ટમાં તો એવો પણ દાવો થયો હતો કે, ભાજપ કંપનીઓને ડરાવીને ચૂંટણી ફંડ ઉઘરાવે છે. અને એટલે જ જે 30 કંપની ઉપર કેન્દ્રીય એજન્સીઓના દરોડા પડયા હતા તેમણે ભાજપને 335 કરોડનું ચૂંટણી ફંડ આપ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ 30 માંથી 23 કંપની તો એવી હતી જેણે વર્ષ 2014થી લઈને તેમની ઉપર રેડ પડી તે પહેલા એક રૂપિયો પણ ભાજપને આપ્યો ન હતો અને જેવી રેડ પડી કે 287.58 કરોડનું ફંડ આપી દીધું હતું.