Rajkot Jasdan Ghela Somnath Temple : શિક્ષકો તૈયાર થઈ જાવ, હવે તમારે શ્રાવણ મહિનાના લોક મેળામાં નેતાઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવાની છે !
રાજકોટ જિલ્લાના જસદણ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે ત્રીસ દિવસ માટે ત્રીસ આચાર્ય અને એક મદદનીશ શિક્ષકને મેળાની કામગીરીમાં જોતરવાનો હુકમ કર્યો

WND Network.Rajkot : મતદાર યાદી - ચૂંટણી પ્રક્રિયા, વસ્તી ગણતરી, CM - PMની સભામાં લોકોને બસમાં લઇ જવા લાવવા સહિતની 'રાષ્ટ્રીય કામગીરી' બાદ હવે ગુજરાતના માસ્તરો માટે રાજ્ય સરકારે નવું કામ શોધી કાઢ્યું છે. હવે શિક્ષકોને લોક મેળા દરમિયાન વહીવટી વ્યવસ્થાની કામગીરીના રૂપાળા લેબલ હેઠળ VVIP એટલે કે રાજનેતાઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવી પડશે. રાજકોટ જિલ્લાના જસદણ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે ત્રીસ દિવસ માટે ત્રીસ આચાર્ય અને એક મદદનીશ શિક્ષકને ઘેલા સોમનાથ મંદિરે યોજાતા શ્રાવણી મેળાની કામગીરીમાં જોતરવાનો હુકમ કર્યો છે. દિલ્હી સલ્તનતના મોહમ્મદ બિન તુઘલકને પણ ટક્કર મારે એવા SDM જસદણ દ્વારા કરવામાં આવેલા હુકમમાં તેમને VVIP ભોજન સંચાલનની કામગીરીમાં મદદરૂપ થવાનો આદેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ સિવાયની સરકારી કામગીરીમાંથી માંડ નવરા પડતા માસ્તરોને લોકમેળાની કામગીરીમાં જોતરાવાના આ ઓર્ડરમાં શિક્ષકોની સાથે સાથે તેમની ઉપર નજર રાખવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લોકમેળાના ત્રીસ દિવસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર મુકામે હાજર રહેવાની પણ તાકીદ હુકમમાં કરવામાં આવી છે. જસદણના નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આ ઓર્ડરમાં તારીખ વાઈઝ કઈ શાળાના આચાર્ય અને શિક્ષક ફરજ બજાવશે તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે.
શ્રાવણ મહિના લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં આવતા હોવાનું જણાવીને એમ પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, મેળા દરમિયાન લોક ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમ, શિવ કથા વગેરે જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લીધે વહીવટી કામગીરી મોટા પ્રમાણમાં થાય છે.
ધાર્મિક આસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે, લિસ્ટમાં કોઈ મુસ્લિમ નામ નથી : જસદણ પ્રાંત અધિકારી દ્વારા લોક મેળાની કામગીરી અંગે જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં આચાર્ય-શિક્ષકની પસંદગી કરતી વખતે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવું હુકમ જોઈને લાગી રહ્યું છે. લિસ્ટમાં સામેલ તમામ કર્મચારીઓ હિન્દૂ સમુદાયના છે.