કચ્છ : ભુજમાં નીમાબેનની ટિકિટ અને વિજય નિશ્ચિત, અબડાસામાં પી.એમ.જાડેજા રિપીટ થશે પણ સીટ ગુમાવશે - જાણો કચ્છની બેઠકોનું ગણિત

જો ભાજપ વર્તમાન બે ધારાસભ્યને રિપીટ કરે તો માંડ એક સીટ જીતે તેવી સંભાવના

કચ્છ : ભુજમાં નીમાબેનની ટિકિટ અને વિજય નિશ્ચિત, અબડાસામાં પી.એમ.જાડેજા રિપીટ થશે પણ સીટ ગુમાવશે - જાણો કચ્છની બેઠકોનું ગણિત

WND Network.Bhuj (Kutch) :- ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આવતીકાલ ગુરુવાર સાંજ સુધીમાં તેના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. ટિકિટ કોને આપવાની છે તેનો નિર્ણય નરેન્દ્ર મોદી અને અમિત શાહની બેલડી દ્વારા લેવાઈ ગયો છે. બસ હવે પાર્લિયામેન્ટરી બોર્ડની ફોર્માલિટી બાકી છે. ત્યારે રાજ્યના સૌથી મોટા બોર્ડર ડીસ્ટ્રીકટ કચ્છની છ બેઠક માટે ભાજપ કોને મેદાનમાં ઉતારશે તેની ઉપર સૌની નજર છે. 'જેમની જીતવાની પ્રબળ શક્યતા હોય તેમને જ ટિકિટ આપવામાં આવશે’, ‘મોટી ઉંમરવાળાને ટિકિટ નહિ અપાય’  વગેરે જેવા ઘણા માપદંડની વાતો ભાજપના મોવડીઓ કરી રહ્યા છે. પરંતુ હંમેશા સૌને ચોંકાવવાની આદતવાળા  મોદી અને શાહ આ વખતે પણ લોકોને ટિકિટ આપવાને મામલે આંચકો આપી શકે છે. કચ્છમાં છ બેઠકમાંથી પાંચ ભાજપ પાસે છે. અને આગામી ચૂંટણીમાં પણ પાંચ જ રહે તેવી સંભવના છે. જેમાં રાપર અને અબડાસા બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અરસપરસ બદલાઈ તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કચ્છમાં ભાજપ પાંચમાંથી બે બેઠકમાં રિપીટ થિયરી અપનાવી શકે છે. જેમાં ભુજ અને અબડાસા બેઠકમાં પુનરાવર્તન થવાની સંભાવના છે. ઉંમરનો માપદંડ હોય કે ગમે તે અન્ય માપદંડ હોય પણ ભુજમાં ડોક્ટર નીમાબેનની ટિકિટ અને વિજય નિશ્ચિત છે. જયારે અબડાસામાં પી.એમ.જાડેજા રિપીટ થશે થશે પણ આંતરિક અસંતોષને પગલે ભાજપ સીટ ગુમાવી શકે છે. ભાજપના મોવડીઓ પણ જાણે છે કે, કોને કયાં ટિકિટ આપીશું તો કોણ વિજય થશે અને કોણ પરાજય. પણ રાજકારણમાં આવા અખતરા કરવા માટે ભાજપ જાણીતું છે. તો આવો જોઈએ કે કચ્છની છ બેઠકમાં ભાજપમાંથી કોણ ‘વજનદાર’ છે. 

અબડાસા :- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક નંબર આ બેઠક ત્યારે રાજ્યમાં ચર્ચામાં આવી હતી જયારે ટિકિટ માટે અહીં લોહિયાળ જંગ થયો. જયંતિ ભાનુશાળી હત્યાકાંડ હોય કે નલિયા ગેંગ રેપની વાત હોય, તમામના મૂળમાં અબડાસા બેઠક ઉપર વર્ચસ્વ મેળવવાની વાત હતી. બેમાં ત્રીજો ફાવે તેમ જયંતિ ભાનુશાલી અને છબીલ પટેલની ટક્કરમાં અબડાસાના વર્તમાન ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા આગળ નીકળી ગયા. છબીલ પટેલની જેમ પહેલા કોંગ્રેસમાં રહેલા પી.એમ.જાડેજા ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણીમાં અભૂતપૂર્વ મતનાં માર્જીનથી જીતી પણ ગયા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નેતાને ભાજપ ટિકિટની ગેરંટી આપે છે. એટલે પેટા ચૂંટણીમાં ભાજપે તેમને ટીકીટ આપી મોટા માર્જિનનો વિજય પણ અપાવ્યો હતો. પરંતુ હવે સ્થિતિ અલગ છે. કારણ કે, માંડવી બેઠકના ભાજપમાંથી આવેલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ આ બેઠક ઉપર દાવેદારી કરી છે. જો કે ટિકિટ પી.એમ.જાડેજાને જ મળશે એમાં કોઈ બે મત નથી. પરંતુ જો આવું થયું તો પ્રદ્યુમ્નસિંહને ભાજપના જ આંતરિક વિરોધ એટલે કે કાર્યકરોનો સામનો કરવો પડશે. કારણ કે, જે મોરના મોત પછી જાડેજા કોંગ્રેસમાં હતા અને ટહુકા કરતા હતા તે ભાજપમાં આવ્યા પછી બંધ થયા છે. પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકામાં આવેલી કંપનીઓનો તેઓ વિરોધ કરતા હતા ત્યાં તેમના હવે કોન્ટ્રાકટ ચાલે છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા ભુજથી નખત્રણાના માર્ગ ઉપર આવતા પ્રાચીન પુઅરેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારના કાર્યક્રમ વેળાએ લોકો તો ઠીક કાર્યકરો પણ જોઈએ એટલા ન આવવાને પગલે મંડપમાં સભા કરવાને બદલે મંદિરના જ પ્રાંગણમાં કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો. આ સિવાય હાલમાં નખત્રણા તાલુકાના નાની ગુડિયાળ ગામમાં સિંચાઇના પાણીને મામલે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગામના તેમજ આસપાસના લોકોમાં ભારે આક્રોશ છે કે, પી.એમ.જાડેજા અને તેમના માણસો તેમની સમસ્યા ઉકેલાય તેવું ઇચ્છતા નથી. અને તેની પણ અબડાસા બેઠક ઉપર અસર થાય તેમ છે. આ બધી ઘટનાઓ એક સંકેત આપી કહી શકાય કે, અબડાસામાં ભાજપના કાર્યકરોમાં પી.એમ.જાડેજા પ્રત્યે કેટલી લાગણી છે.

કચ્છ ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, કચ્છની છ બેઠકમાંથી એક જગ્યાએ ક્ષત્રિય સમાજમાંથી કોઈ એકને ટિકિટ આપવાની છે એ પણ નક્કી છે. અને અમુકવાર ભાજપને ખબર હોય કે સીટ જવાની છે છતાં ટિકિટની દાવેદારી કરતા નેતાને તેમની હેસિયત બતાવવા માટે ટિકિટ આપી છે. જેથી ભવિષ્યમાં તે નડે નહીં. એટલે ઓવર ઓલ જોવા જઈએ તો ભાજપમાંથી ટિકિટ તો પ્રદ્યુમનસિંહ જાડેજાને મળશે પરંતુ જીતશે કે નહીં તે સમય બતાવશે. કારણ કે વર્ષોથી આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવી છે. અને અહીં એવી માન્યતા પણ છે કે, એક જ પક્ષમાંથી ટિકિટ મેળવીને કોઈ ધારાસભ્ય બન્યું નથી.  

ભુજ :- આ બેઠક ઉપર હાલ વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય ધારાસભ્ય તરીકે છે. તેઓ ગાંધીધામ રહે છે. કચ્છના રાજકારણમાં હંમેશા સામા પ્રવાહે હોવા છતાં આ મહિલા અગ્રણી તબીબ તેમની ટિકિટ લઇ આવે છે. માત્ર એટલું જ નહિ તેઓ સામે કોંગ્રેસે કોને ટિકિટ આપે તે પણ બેન નક્કી કરી શકે તેટલા પાવરફુલ હોવાનું રાજકીય જાણકારો માને છે. એટલે આ વખતે મોટી ઉંમરવાળાને ટિકિટ નહિ મળે તેવો દાવો ભલે ભાજપના મોવડીઓ કરતા હોય પણ તેમાં નીમાબેન અપવાદરૂપ સાબિત થશે. મીડિયાને ખોટા સાબિત કરવાવાળા મોદી ભલે જાહેર સભામાં એક કહે કે, 'તળાવ એટલું ઊંડું ખોડો કે નીમાબેનના ખટારા ન દેખાવા જોઈએ'. પણ ભાજપને બેનને ટિકિટ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમને ટિકિટ મળશે અને વિજય પણ થશે. આ વખતે તેમની દાવેદારી વખતે 'લોકલને ટિકિટ આપો' તેવો સૂર ભલે ઉભો થયો હોય છતાં બેન તેમની ટિકિટ કઢાવી લેશે. સી.આર.પાટીલ, હર્ષ સંઘવી અને કચ્છના સંઘના દિલીપ દેશમુખના ખાસ હોવાના વહેમમાં રહેતા ભાજપના બળુકા કાર્યકર ફરી એક વખત નીમાબેનનું પોલિટિકલ લેશન લેવું પડે તેવી સ્થિતિ ઉભી થાય તો નવાઈ નહીં.

માંડવી :- કચ્છની આ બેઠક ઉપર આ વખતે કોઈ મોટો ફેરફાર થઈ શકે છે. દાવેદારી પણ ન કરી હોય તેવા વ્યક્તિને નરેન્દ્ર મોદી ટિકિટ આપી આંચકો આપી શકે છે. ભૂતકાળમાં માંડવીમાંથી જ ગુજરાતને સુરેશ મહેતા જેવા મુખ્યમંત્રી મળ્યા છે. હાલ અહીં ભચાઉમાં રહેતા વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપના ધારાસભ્ય છે. પરંતુ તેમના દ્વારા માંડવી ઉપરાંત અબડાસા અને ભુજમાં પણ દાવેદારી કરવામાં આવી છે. આ બાહુબલી નેતા વર્ષો પહેલા ભાજપથી નારાજ હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભચાઉની તેમની સભા વખતે મનાવીને લેતા આવ્યા હતા. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ દ્વારા માંડવીમાં ઉમેદવારી નોંધાવવામાં આવતા 'ક્ષત્રિય સામે ક્ષત્રિય' માપદંડને કારણે ભાજપે તેમને માંડવીમાં ટિકિટ આપી હતી. કોંગ્રેસના 'ફૂટેલા' કાર્યકરોને પગલે શક્તિસિંહ હારી ગયા હતા અને વિરેન્દ્રસિંહ જાડેજા જીતી ગયા હતા. આજે પણ તેમની સામે પણ લોકલ ઉપરાંત માંડવીમાંથી વર્ષોથી ભાજપમાં સેવા આપી રહેલા કાર્યકરો અને નેતાઓ ટિકિટ માંગી છે. આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પી.એમ.જાડેજાની જેમ તેમની છાપ પણ કચ્છમાં કામ કરવા આવતી કંપનીઓ પાસેથી કોન્ટ્રાકટ મેળવીને કામ કરાવ્યાની છે. તેમને ભાજપ ફરી અહીં ટિકિટ આપે તેવી સંભાવના બહુ ઓછી છે. આ બેઠક ઉપર પણ ભાજપમાંથી દાવેદારી તો ઘણાએ કરી છે. એટલે મોદી-શાહની જોડી કોઈ નવા ચહેરાને તક આપી શકે છે.

અંજાર :- ભાજપની આ પરંપરાગત બેઠક છે. પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર આ બેઠકના ભાજપના ધારાસભ્ય છે. તેઓ લાંબા સમયથી જન-પ્રતિનિધત્વ કરી રહ્યા છે. વિજય રૂપાણીની સરકારને જયારે ઓચિંતી રૂખસત આપવામાં આવી ત્યારે તેમનું પણ મંત્રીપદ ગયું હતું. વાસણભાઇ રાજકારણની સાથે સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આહીર સમાજમાં પણ સારું એવું પ્રભુત્વ છે. પરંતુ એકાદ બે ઘટનાને પગલે ભાજપને શરમજનક સ્થિતમાં મુકાઈ જવું પડ્યું હતું. તેમના દીકરાએ પણ પિતાની સાથે સાથે આ વખતે દાવેદારી કરી છે. પરંતુ 'સગાને ટિકિટ ન મળે - મોટી ઉમરને કારણે ટિકિટ ન અપાય' તેવા બહાના હેઠળ ભાજપ તેમની ટિકિટ કાપી શકે છે. તેવા સંજોગોમાં સહકારી ક્ષેત્રે કચ્છનું નામ રોશન કરનારા ડેરી ક્ષેત્રના આગેવાન વલમજી હુંબલ ઉપરાંત ગાંધીધામના એક ઉદ્યોગપતિ સહીત આહીર સમાજથી ભાજપના અન્ય લોકોએ દાવેદારી કરી છે તેમાંથી અથવા તો કોઈ નવો જ ચહેરો આ બેઠક ઉપર આવી શકે છે.

ગાંધીધામ :- કચ્છની છ બેઠકમાં આવતી અનુસૂચિત જાતિની આ અનામત બેઠક છે. આ બેઠક પણ ભાજપની પરંપરાગત સીટ કહી શકાય. આ ઉપરાંત ઉદ્યોગ અને અર્થતંત્રની દ્રષ્ટિએ તેનું મૂલ્ય ઓછું પણ ન આંકી શકાય. કારણ કે અહીંથી જ કોઈપણ રાજકિય પક્ષ સારું એવું ફંડ ભેગું કરી શકે છે. અને અહીં ભાજપ એવા ચહેરાને તક આપે છે જે નવો હોય અને 'કાબુ'માં રહે. હાલ આ બેઠક ઉપર મહિલા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી છે. મામા રમેશ મહેશ્વરીને કાપીને સગી ભાણી માલતીબેનને ટિકિટ આપવાને પગલે બગાવતનો રેલો છેક ભુજ સુધી આવ્યો હતો. માલતીબહેનની કામગીરીનો વિરોધ પણ જોવા મળેલો છે. એટલે આ વખતે તેમને ફરીથી ટિકિટ મળે તેમ લાગતું નથી. એટલે મામા રમેશ મહેશ્વરીએ ફરીથી દાવો કર્યો છે. પરંતુ ભાજપ તેની પ્રકૃતિ પ્રમાણે જેમ સાવ સાવ નવા માલતીબેનને લઇ આવ્યા હતા તેમ આ વખતે પણ કોઈ નવા અને યુવાન ચહેરાને ટીકીટી આપી શકે છે. ભાજપની પરંપરાગત સીટ હોવાને કારણે જેને ટિકિટ મળશે તે જીતી જશે તે નક્કી છે. એટલે ભાજપ માટે કચ્છની અન્ય બેઠકની જેમ આ બેઠક માથાનો દુખાવો નથી.

રાપર :- રાજકીય પાર્ટીની આવન-જાવનની મોસમમાં પણ કોંગ્રેસે કચ્છની આ બેઠક પકડી રાખી છે. અહીં મૂળ કચ્છના પરંતુ મુંબઈ સેટલ થયેલા ભચુ અરેઠીયાના પત્ની સંતોકબેનને કોંગ્રેસે ટિકિટ આપી હતી. અને તેઓ જીતી પણ ગયા હતા. પરંતુ ત્યારબાદ તેમની કામગીરી પણ માલતીબેનની જેમ કોઈ ખાસ રહી નથી. એટલે આ વખતે આ બેઠક ભાજપને મળે તેવી પ્રબળ સંભાવના છે. એટલે ભાજપ અહીં કોઈ મજબૂત નેતાને મેદાનમાં ઉતારશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આ બેઠક માટે કોઈ પાટીદારને ટિકિટ મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ભાજપ કચ્છના કોઈ સિનિયર વાગડના નેતાને અહીં ટિકિટ આપે તેવી સંભાવના છે.