ભુજ લોહાણા મહાજનના પ્રમુખ - કારોબારીની રચનામાં વ્યાપક ગેરરીતિનો ગંભીર આક્ષેપ, વરણી પ્રક્રિયાને ચેરિટી કમિશનર સમક્ષ પડકારવામાં આવી

ભુજ લોહાણા મહાજનના યુવા બિલ્ડરે અલોકતાંત્રિક પસંદગી સમિતિથી લઈને ચૂંટણી અધિકારીની શંકાસ્પદ ભૂમિકા અને સામાન્ય સભામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો

ભુજ લોહાણા મહાજનના પ્રમુખ - કારોબારીની રચનામાં વ્યાપક ગેરરીતિનો ગંભીર આક્ષેપ, વરણી પ્રક્રિયાને ચેરિટી કમિશનર સમક્ષ પડકારવામાં આવી

WND Network.Bhuj (Kutch) : કચ્છના પાટનગર ભુજમાં જેમની સૌથી મોટા અને સુજ્ઞ સમુદાય તરીકે ગણતરી થાય છે તેવા શ્રી ભુજ લોહાણા મહાજનની વર્ષ 2025 થી 2028ની કારોબારી સમિતીની વરણી ગેર-બંધારણીય હોવાનો ગંભીર આક્ષેપ કરીને સમગ્ર ચુંટણી પ્રક્રિયા અંગે સવાલ ઉઠતા ખળભળાટ મચી ગયો છે. લોહાણા સમાજના જ એક યુવા બિલ્ડર દ્વારા આ મામલે ભુજના મદદનીશ ચેરિટી કમિશનર લેખિત વાંધા અરજી કરીને આ પ્રક્રિયા ગેરબંધારણીય હોઈ ફેરફાર રિપોર્ટ મંજુર ન કરવા અને ચુંટણી રદ કરવા રજુઆત કરવામાં આવી છે. 

ભુજના લોહાણા સમાજના યુવા બિલ્ડર મેહુલ મહેશભાઈ ઠકકર દ્વારા શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા વર્ષ 2025-28ની કારોબારી સમિતીની વરણીમાં ગેરબંધારણીય રીતે થયેલ ચુંટણી પ્રક્રિયા અંગે ભુજ મદદનીશ ચેરિટી કમિશનર સમક્ષ લેખિત વાંધા અરજી કરીને આ સમગ્ર પ્રક્રિયા ગેરબંધારણીય હોવાનો દાવો કરીને ફેરફાર રિપોર્ટ મંજુર ન કરવા અને ચુંટણી રદ કરવા રજુઆત કરવામાં આવી છે. જેને લીધે માત્ર ભુજ શહેર જ નહીં પરંતુ કચ્છ સહીત ગુજરાત - મુંબઈ વસતા સમાજના લોકોમાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે. 

ભુજના  મેહુલ મહેશભાઈ ઠકકરે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ભુજ લોહાણા મહાજન સંસ્થાના બંધારણ (સ્કીમ) / ટ્રસ્ટ ડીડને નેવે મૂકીને પ્રમુખ બની ગયેલા અને કેટલાક સ્થાપિત હિતો દ્વારા સત્તા ઉપર કબ્જો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે નિંદનીય છે. બહુમતીના નામે ઠોકી બેસાડવામાં આવેલી સમગ્ર પ્રક્રિયામાં અમુક ગંભીર ગેરરીતિઓ આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી અધિકારીની શંકાસ્પદ ભૂમિકાથી લઈને અલોકતાંત્રિક પસંદગી સમિતિ તેમજ સામાન્ય સભા બોલાવવા અંગે ચૂંટણી અધિકારીની ભૂમિકા અંગે ચેરિટી કમિશનર સમક્ષ દાદ મંગાવામાં આવી છે. 

મેહુલ ઠક્કરે એવો પણ દાવો કર્યો હતો કે, જ્ઞાતિના હિતમાં લડત આપી રહેલા અગ્રણી પણ માને છે કે જો આ પ્રક્રિયાને અટકાવવામાં નહિ આવે તો ભવિષ્યમાં કોઈપણ જૂથ સત્તાના જોરે જ્ઞાતિના બંધારણ (સ્કીમ) ને બાજુ પણ મૂકીને સંસ્થા ઉપર કબ્જો જમાવી લેશે. એટલે તેમણે (મેહુલ ઠક્કરે) ચેરિટી કમિશનરને વિનંતી કરી છે કે, તેઓ ફેરફાર રિપોર્ટ મંજુર કરતા પહેલા તેમણે રજૂઆત કરેલા તમામ ગેરબંધારણીય મુદ્દાઓને ધ્યાનમાં લઈને ભુજના પ્રતિષ્ટિત સમાજની સંસ્થામાં લોકશાહીની પુનસ્થાપના કરે.  હજારો જ્ઞાતિજનો આજે ન્યાયની આશામાં છે કે, સંસ્થાના રખેવાળો જ ભક્ષક બને ત્યારે ન્યાયતંત્ર જ એકમાત્ર આશાનું કિરણ છે તેમ અંતમાં મેહુલ ઠક્કરે ઉમેર્યું હતું.  

લોહાણા સમાજના ભવ્ય ઇતિહાસ અને સંસ્થાના નીતિ નિયમોને આધારે જ કાર્યવાહી થઈ છે - પ્રમુખ ડૉ.મુકેશ ચંદે : સમગ્ર મામલે શ્રી ભુજ લોહાણા મહાજન સમાજના પ્રમુખ ડૉ. મુકેશ ચંદેનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે,લોહાણા સમાજના ભવ્ય ઇતિહાસ, સંસ્થાના નીતિ નિયમોને અને વડીલોની રાહબરી હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સમાજમાં અત્યાર સુધી કોઈ દિવસ ઈલેક્શન કરવામાં આવ્યું નથી. સૌ કોઈ હળીમળીને આપસી સહમતીથી એકસુરે સૌને પસંદ કર્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ સમગ્ર પ્રક્રિયાનું વિડ્યો રેકોર્ડિંગ કરવામાં આવેલું છે તેવું ડો.ચંદેએ વધુમાં ઉમેર્યું હતું

ચાલુ કારોબારી સમિતિના સભ્ય જ ચૂંટણી અધિકારી બન્યા, પસંદગી સમિતિ જોગવાઈ જ ન હોવાનો દાવો : પ્રથમ નજરે ગળે ન ઉતરે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત જ પ્રારંભથી શંકાસ્પદ હોવાનું જણાવીને મેહુલ ઠક્કરે આક્ષેપ કર્યો હતો કે, ચાલુ કારોબારીના સભ્ય તેમજ સમિતિ કન્વીનર ને જ ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા ત્યારથી જ કાયદાકીય દૃષ્ટિએ હિતોના ટકરાવ સમાન હતું. વધુમાં આ અધિકારીએ પોતે જ નવી કારોબારીમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે જોડાઈને સમિતિ કન્વીનર બની ગયા હતા. 

આ ઉપરાંત 236 ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને એકપણ ઉમેદવારે પોતાની દાવેદારી પરત ખેંચી ન હતી. તેમ છતાં મતદાન - ચૂંટણી યોજવાનો બદલે જ્ઞાતિના બંધારણમાં કોઈ જ જોગવાઈ ન હોવા એક પસંદગી સમિતિ બનાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ મેહુલ ઠક્કરે કર્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ આ સમિતિમાં પણ પિતા-પુત્ર-કાકા-ભત્રીજા-મામા-ભાણેજ તથા ખુદ ઉમેદવારને સમિતિ બનાવીને સગાંવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાનો દાવો પણ મેહુલભાઈએ કર્યો હતો. 

ચૂંટણી અધિકારીને સામાન્ય સભા બોલાવવાના અધિકાર અંગે જ્ઞાતિ બંધારણમાં કોઈ ઉલ્લેખ ન હોવાનું જણાવીને મેહુલ ઠક્કરે કહ્યું હતું કે, ગણેશ વિસર્જન જેવા મોટા તહેવારના દિવસે સામાન્ય સભા બોલાવી હતી જેને લીધે મોટાભાગના ઉમેદવારો હાજર રહી શક્યા ન હતા. ઉતાવળે સામાન્ય સભા બોલાવીને સ્થાપિત હિતોના ઈશારે પસંદગીના નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા. 

અંદાજે 12 હજાર સભ્યની પ્રતિષ્ટિત મહાજન સંસ્થાના પ્રમુખ તરીકે ડૉ. મુકેશ ચંદેની ફરીથી નિયુક્તિ : ભુજના મોટા અને સુજ્ઞ સમુદાય તરીકે જોવામાં આવતા શ્રી ભુજ લોહાણા મહાજન અંદાજે 12 હજાર સભ્ય છે. વિવાદમાં આવેલી ચૂંટણી - પસંદગી પ્રક્રિયાને પડકારવામાં આવી છે તે દરમિયાન ઈલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરીને સંસ્થાના પ્રમુખ પદે ભુજના પ્રખ્યાત થઈ ચૂકેલા જાણીતા ડોક્ટર મુકેશ ચંદેની સતત બીજી ટર્મ માટે ફરીથી વરણી કરવામાં આવેલી છે. નવા હોદ્દેદારો અને 25 કારોબારી સભ્યને પસંદ કરવામાં આવ્યા હતા.  

અત્યાર સુધી બે મુદ્દત પડી છે, આવતીકાલે ત્રીજી મુદત ઉપર સૌની નજર : ભુજના ચેરિટી કમિશનર સમક્ષ સમગ્ર મામલે રજુઆત કરવામાં આવતા આ મુદ્દે સૌ  પ્રથમ 18મી ફેબ્રુઆરી,2026ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 24મી માર્ચ,2026ના રોજ મામલો હાથ ઉપર લેવામાં આવ્યો હતો. અને હવે આવતીકાલે સાતમી એપ્રિલ,2026ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

કચ્છના અખબારોને પ્રેસનોટ આપીએ છે પણ છાપતા નથી, તમે તો લેશો ને ? : ભારત અને ગુજરાત સહીત કચ્છમાં મીડિયાની ભૂમિકાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે, લોહાણા સમાજને લગતા આ પ્રશ્ન અંગે ભુજના મેહુલ ઠક્કર દ્વારા જયારે સૌ પ્રથમ વખત આ મામલે 'વેબ ન્યૂઝ દુનિયા'નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પૂછ્યું હતું કે, તમે તો અમારી વાતને છાપશો ને ? તેમના આવા પ્રશ્નનો જવાબ આપવામાં આવે તે પહેલા જ તેમણે ઉમેર્યું કે, કચ્છના તમામ અખબારોને અમે આ મુદ્દે જાણ કરીને જરૂરી આધાર પુરાવા આપવા છતાં તેઓ અમારી વાતને છાપતા નથી. માટે આવો પ્રશ્ન કરવો પડ્યો છે.